જયવંત પંડ્યા
ભારતમાં રહેતા લોકો કરતાં બહારના લોકો આપણને ભારત કેવું છે, ભારતની વિશેષતા શી છે જણાવે તો તેમનો દૃષ્ટિકોણ જાણવામાં આપણને રસ પડે. બે અમેરિકી મહિલા છેલ્લાં બેથી લઈ પાંચ વર્ષથી ભારતમાં રહે છે. સોશ્યલ મીડિયા પર તેમણે ભારતની વિશેષતાઓ જણાવી છે.
પેલી બેમાંથી એકનું નામ છે કેટી શર્મા. બીજીનું નામ છે ક્રિસ્ટન ફિશ્ચર.
કેટી શર્માએ પોતાના અનુભવને આધારે ભારતની અને અમેરિકાની જીવનશૈલીના તફાવત દર્શાવતા કહે છે કે અમેરિકામાં વાતાવરણ શાંત હોય છે, ભારતમાં જીવન ઘોંઘાટિયું છે. અમેરિકામાં નિયમ મુજબ વાહન ચલાવાય છે, જ્યારે ભારતમાં આવું કંઈ નથી. અમેરિકામાં (આટલા ઠંડા વાતાવરણ છતાં) એસી સતત ચાલુ જ હોય છે, જ્યારે ભારતમાં (આટલા ગરમ વાતાવરણ છતાં) એસીને બંધ કરવાનું કહેવાય છે... આ ઉપરાંત તમારા ઘરના દરવાજે કોઈને કોઈ હોય જ છે. અમેરિકામાં એપોઇન્ટમેન્ટ વગર કોઈ આવતું નથી. ભારતમાં તિથિ વગર (જણાવ્યા વગર) અતિથિ આવી ચડે છે ’
કેટીનું કહેવું છે કે અમારે ત્યાં- અમેરિકામાં ફાસ્ટ ફૂડ વધુ ખવાય છે. ભારતમાં ફાસ્ટ ફૂડને બદલે સાદા-પૌષ્ટિક ભોજન પર પહેલી પસંદ હોય છે. અમેરિકામાં તમને ખાવાનો આગ્રહ નથી થતો અને તમે ના પાડી શકો છો, ભારતમાં આ આગ્રહને નકારવો બહુ મુશ્કેલ હોય છે... અમેરિકામાં બાળક 18 વર્ષનું થાય એટલે ઘરની બહાર નીકળી પોતાની રીતે રહેવા માગે છે અને રહે પણ છે. ભારતમાં સંતાન લગ્ન ન થાય ત્યાં સુધી અને ઘણી વાર તો લગ્ન થાય પછી પણ માતા-પિતા સાથે ઘરમાં જ રહે છે.
અમેરિકામાં વ્યક્તિગત સ્વતંત્રતાને બહુ મહત્ત્વ છે, જ્યારે ભારતમાં લોકો પરિવારને પ્રથમ ગણે છે, પછી વ્યક્તિને. અમેરિકામાં જો સલાહ કે અભિપ્રાય માગવામાં આવે તો જ લોકો તે આપે છે, જ્યારે ભારતમાં તો તે વણમાગ્યા મળે છે.!
અમેરિકામાં બાળઉછેર એ માળખાગત (સ્ટ્રક્ચર્ડ) હોય છે જ્યારે ભારતમાં બાળઉછેર માત્ર માતા- પિતાનું નહીં, પરિવારનું દાયિત્વ છે. પરિવાર મળીને બાળકને ઉછેરે છે.
હવે બીજી અમેરિકી મહિલા ક્રિસ્ટન ફિશ્ચરની વાત કરીએ. તે ભારતમાં પાંચ વર્ષથી રહે છે, તે વેપાર કરે છે, ચાર સંતાનોની માતા છે. તે બે દેશ વચ્ચેના માત્ર સંસ્કૃતિના તફાવતની વાત નથી કરતી, પરંતુ પોતે ભારતમાં રહીને શું શું શીખી તેની વાત કરે છે.
ક્રિસ્ટન ફિશ્ચર કહે છે કે ઘણા પાઠ હું ભારતમાં રહીને શીખી ને હું ઘણી ઘડાઈ છું.
એને કયા કયા પાઠો અહીં શીખવા મળ્યા?
1) તમે જ્યાં જન્મો છો તે નહીં પરંતુ જ્યાં તમને શીખવા મળે, જ્યાં રહેવું ગમે તે તમારું ઘર છે.
2) અહીં આવીને મને શીખવા મળ્યું કે ‘મારો મત જ સાચો છે, મારો વિકલ્પ/મારો રસ્તો જ સાચો છે, તેવું નથી. એ એક માર્ગ જ માત્ર છે.’
3) ઘણી વાર મને લાગે છે કે હું ખોટી જગ્યાએ છું અને છતાં હું જાણું છું કે હું ક્યાં હોવી જોઈતી હતી.
4) સુવિધાઓએ મારા વિશ્વને સીમિત કરી નાખ્યું હતું, પરંતુ બહાર નીકળીને (ભારતમાં) મારા વ્યક્તિત્વનો વિકાસ થયો છે.
5) મને બે સત્ય એક સાથે જાણવા મળ્યાં: એક જ સમયે મને મારા (અમેરિકાના) ઘરની પણ યાદ આવતી હોય, પરંતુ એને કારણે મને ભારત છોડીને જવાની ઇચ્છા ન થાય.
6) જ્યારે મારી આસપાસ મારા જેવા લોકો ન હોય ત્યારે ય ઓળખનો પ્રશ્ન બહુ સતાવતો નથી. એ સરળતાની (ઓળખ) બની જાય છે.
7) મને અનુભૂતિ થઈ કે અમેરિકામાં મારું જીવન કેટલું સરળ હતું, પરંતુ અહીં જેટલી તાદાત્મ્યતા ત્યાં નહોતી.
8) અનુકૂળતા કરતાં સમાજ મહત્ત્વનો છે.
9) પ્રેમ માટે એક સરખી ભાષાની આવશ્યકતા નથી એટલે કે બે અલગ-અલગ ભાષા બોલતા લોકો વચ્ચે પણ પ્રેમ હોઈ શકે છે. હા, ભાષા શીખવાથી જીવન જીવવું વધુ સરળ મળે છે ખરું...
10) અમેરિકા અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક તફાવતો વિઘ્ન નથી, પરંતુ તે વિકાસ માટેનું આમંત્રણ છે.
ક્રિસ્ટન ફિશ્ચર અમેરિકાની છે એટલે તેની અભિવ્યક્તિમાં વાક્ય રચનાથી માંડીને કહેવાની રીત અહીં દર્શાવ્યા મુજબની છે, પરંતુ સરળ શબ્દોમાં સમજાવીએ તો તે કહેવા માગે છે કે ભારતમાં લોકો ‘મારો પંથ જ સાચો, તેમાં તમે પંથાંતરણ કરી લો’ કે પછી ‘મારી ભાષા જ મહાન’ તેવું કહીને ઝઘડતા નથી.
(એક આડ વાત: ક્રિસ્ટનની આ વાત સાથે આપણે સહમત ન પણ થઈએ, કારણ કે અહીં ભાષાને લઈને તોફાન દંગા પણ થાય છે!)
હા, અહીં એક જ સત્યને વિદ્વાનો અલગ-અલગ રીતે વ્યક્ત કરે છે. ઓળખનો પ્રશ્ન ત્યારે આવે જ્યારે આજુબાજુ એક સરખી ઓળખવાળા હોય. અમેરિકા કરતાં ભારતમાં જીવન કઠિન છે, પરંતુ આ જીવનની મજા છે. આ કઠિન જીવન ઘણું બધું શીખવે છે.