Thu May 28 2026

Logo

હિમાચલના કસૌલી જંગલોમાં ભયાનક આગ લાગી, આગને કાબૂમાં લેવા એરફોર્સના હેલિકોપ્ટર મેદાને

2026-05-27 10:08:00
Author: Vimal Prajapati
Article Image

શિમલા: ઉત્તર ભારત હાલમાં ભયાનક ગરમી અને 'નવતપા'ના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. આ પ્રચંડ ગરમીની વચ્ચે હવે પહાડી રાજ્યોના જંગલોમાં આગ લાગવાની ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં આવેલા પ્રખ્યાત હિલ સ્ટેશન કસૌલીના જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે તે જોતજોતામાં ત્યાં આવેલા ભારતીય વાયુસેનાના એરફોર્સ સ્ટેશનની બિલકુલ નજીક પહોંચી ગઈ છે, જેના કારણે વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

ભારતીય વાયુસેના તાત્કાલિક એક્ટિવ મોડમાં આવી

આગ એરફોર્સ સ્ટેશન નજીક પહોંચી ગઈ હોવાથી ભારતીય વાયુસેના તાત્કાલિક એક્ટિવ મોડમાં આવી ગઈ છે. જંગલની આગ પર કાબૂ મેળવવા અને તેને વધુ ફેલાતી અટકાવવા માટે વાયુસેના દ્વારા પોતાના બે અત્યંત શક્તિશાળી હેલિકોપ્ટર મેદાને ઉતારવામાં આવ્યા છે. વાયુસેના દ્વારા આગ ઓલવવા માટે એક Mi-17 (એમઆઈ-૧૭) અને એક ચિનૂક હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યાં છે. 

યુદ્ધના ધોરણે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ

આ હેલિકોપ્ટર્સ ચંદીગઢની પ્રખ્યાત સુખના તળાવમાંથી પાણી ભરીને જંગલના દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં ઓપરેશન ચલાવી રહ્યા છે. ઘટનાસ્થળે વન વિભાગની અસંખ્ય ટીમો અને ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ સતત આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, પવનની ગતિ અને તીવ્ર ગરમીના કારણે આગ સતત વધુ મોટા વિસ્તારને પોતાની લપેટમાં લઈ રહી છે. જેથી આગને કાબૂમાં લેવાની કામગીરી અત્યારે પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. 

 

રાજહાના ગામના જંગલોમાં પણ આગ લાગીઃ સૂત્ર

કસૌલીના જંગલોની આગ હજુ કાબૂમાં આવી નથી ત્યાં જ હિમાચલની રાજધાની શિમલા નજીક આવેલા રાજહાના ગામના જંગલોમાં પણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. ત્યાં પણ સ્થાનિક વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે કામે લાગી છે. ઉત્તર ભારતમાં પડી રહેલી રેકોર્ડબ્રેક ગરમી અને સૂકા હવામાનને કારણે જંગલોની આ આગ વન્યજીવો અને સ્થાનિક વસ્તી માટે મોટો ખતરો બની રહી છે, જેના પર હાલ સેના અને સ્થાનિક તંત્ર સંયુક્ત રીતે કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે