ભરત ભારદ્વાજ
કર્ણાટકમાં અંતે નેતૃત્વ પરિવર્તન થઈ ગયું ને સિધ્ધરામૈયાના સ્થાને ડી. કે. શિવકુમારને મુખ્ય મંત્રીપદે બેસાડવાનો તખ્તો તૈયાર છે. શિવકુમાર અને સિદ્ધરામૈયા વચ્ચે લાંબા સમયથી મુખ્ય મંત્રીપદ માટે ખેંચતાણ ચાલતી હતી. કૉંગ્રેસ હાઈકમાન્ડે 2023ના મે મહિનામાં કૉંગ્રેસે વિધાનસભા માં જોરદાર જીત મેળવી પછી અઢી-અઢી વર્ષ માટે સિદ્ધરામૈયા અને શિવકુમારને મુખ્ય મંત્રીપદે રાખવાની આપેલી ખાતરીમાંથી પીછેહઠ કરીને શિવકુમારને ભારે અન્યાય કર્યો હોવાની લાગણી તેમના સમર્થકોમાં પ્રબળ બનતી જતી હતી.
આ લાગણી બળવામાં પરિણમે ને શિવકુમાર ભલે કૉંગ્રેસમાં રહે પણ તેમના આશિર્વાદથી અસંતુષ્ટ કૉંગ્રેસીઓ નોખો ચોકો રચે એ ખતરો વધતો જતો હતો. કૉંગ્રેસે આ ખતરાને ટાળવા સિદ્ધરામૈયાને ખસેડીને શિવકુમારને ગાદી પર બેસાડવાનો નિર્ણય લઈ લીધો. સિદ્ધરામૈયા ખસવા તૈયાર તો નહોતા પણ પ્રિયંકા ગાંધી અને રાહુલના દબાણ સામે ઝીંક ના ઝીલી શકતાં છેવટે ગુરુવારે જય હો કરીને રાજીનામું ધરી દીધું. પોતાના સ્થાને શિવકુમારને બેસાડવાની જાહેરાત પણ સિધ્ધરામૈયાએ જ કરી તેથી કૉંગ્રેસમાં કોઈ ડખા નથી ને રાજીખુશીથી બધું થયું છે એવું લાગે.
શિવકુમાર 2023ના મે મહિનામાં કૉંગ્રેસની ભવ્ય જીત પછી જ મુખ્યમંત્રીપદના પ્રબળ દાવેદાર હતા. કર્ણાટક વિધાનસભાની 224 બેઠકોમાંથી 137 બેઠકો જીતીને કૉંગ્રેસે સપાટો બોલાવી દીધો અને ભાજપના વાવટા 64 બેઠકો પર સંકેલાઈ ગયા ત્યારે સૌને એવું જ લાગતું હતું કે કૉંગ્રેસ શિવકુમારને સત્તા સોંપશે કેમ કે પ્રદેશ પ્રમુખ તરીકે કૉંગ્રેસને જીતાડવામાં શિવકુમારે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રાહુલની ભારત જોડો યાત્રા હોય કે ભાજપ સરકાર દ્વારા કરાતો ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, શિવકુમારે લોકોની વચ્ચે જઈને આ મુદ્દાઓનો ઉપયોગ કૉંગ્રેસની તરફેણમાં લોકજુવાળ ઊભો કરવા માટે કર્યો હતો.
શિવકુમારે બતાવેલી લડાયકતા તો સલામ કરવાનું મન થાય એવી હતી. શિવકુમારને તોડી નાખવા સેન્ટ્રલ એજન્સીઓને સોપારી આપી દેવાયેલી. શિવકુમારને જેલમાં નાખવાથી માંડીને ઢગલાબંધ કેસો કરવા સુધીના બધા દાવ ભાજપે અજમાવેલા પણ કશું શિવકુમારને તોડી ના શક્યું. શિવકુમારે ભાજપ સામે અભૂતપૂર્વ જંગ ખેલીને જીત અપાવી હતી એ જોતાં મુખ્યમંત્રીપદ માટે શિવકુમાર વધારે લાયક હતા.
એ છતાં કૉંગ્રેસે સિદ્ધરામૈયા પર કળશ ઢોળ્યો ત્યારે શિવકુમાર નારાજ પણ થઈ ગયા હતા. તેના કારણે મુખ્ય મંત્રીપદને મુદ્દે કૉંગ્રેસમાં પાંચ દિવસ સુધી સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે ખેંચતાણ ચાલી હતી. શિવકુમાર મુખ્ય મંત્રીપદને મુદ્દે અડી ગયા હતા ને નમતું જોખવા જ તૈયાર નહોતા. અંતે સોનિયા ગાંધીએ ફોન કરીને શિવકુમારને મનાવ્યા હતા.
કૉંગ્રેસે સત્તાવાર રીતે કહ્યું નહોતું પણ એ વખતે જ સત્તાની વહેંચણીની ફોર્મ્યુલાની વાત નક્કી થયેલી એવું કહેવાય છે. અઢી-અઢી વર્ષ માટે સિદ્ધરામૈયા અને ડી. કે. શિવકુમાર વચ્ચે મુખ્ય મંત્રીપદ બદલવાની સમજૂતી થઈ હોવાનુ કહેવાય છે. આવી સમજૂતી થયેલી કે નહીં એ ખબર નથી પણ કૉંગ્રેસે ત્રણ વર્ષ પછી શિવકુમારને ગાદી સોંપવાનું નક્કી કર્યું તેના પરથી લાગે છે કે, સોનિયાએ શિવકુમારને કોઈ વચન આપ્યું હશે ને એ વતન અત્યારે પળાયું છે.
કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન કરીને કૉંગ્રેસે ભૂલ સુધારી છે કે નહીં એ તો સમય જ કહેશે પણ ભૂતકાળમાં કૉંગ્રેસે બે ટોચના નેતાઓના ટંટાઓનું નિવારણ ના કર્યું ત્યાં કૉંગ્રેસ ભૂંડી રીતે હારી છે એ જોતાં કૉંગ્રેસ ભૂતકાળની ભૂલોમાંથી શીખી છે એ સ્વીકારવું પડે. બહુ લાંબો ભૂતકાળ ના ઉવેખીએ તો પણ રાજસ્થાન અને છત્તીસગઢનો ઈતિહાસ તાજો જ છે. 2018માં કૉંગ્રેસે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ એ ત્રણ રાજ્યો ભાજપ પાસેથી આંચકી લીધાં પછી ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસે નવા નેતાઓને ગાદી સોંપવાના બદલે નહેરુ-ગાંધી ખાનદાનના ચાપલૂસ ઘૈડિયાઓને પસંદ કર્યા હતા.
મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના બદલે કમલનાથને ને રાજસ્થાનમાં સચિન પાઇલોટને બદલે અશોક ગેહલોતને ગાદી સોંપાયેલી. છત્તીસગઢમાં પણ ટી.એસ. સિંહદેવના બદલે ભૂપેશ બઘેલને ગાદી સોંપેલી. મધ્ય પ્રદેશમાં તો જ્યોતિરાદિત્ય સિંધિયાએ વરસ દાડામાં જ બગાવત કરીને કમલનાથ અને કૉંગ્રેસનું બોર્ડ પતાવી દીધેલું તેથી સવાલ નહોતો પણ રાજસ્થાન અને છત્તીસગઢમાં અઢી-અઢી વર્ષ મુખ્યમંત્રી બદલવાની સમજૂતી થયેલી એવો દાવો પાયલોટ અને સિંહદેવના સમર્થકોએ કરેલો પણ કૉંગ્રેસ હાઈકમાન્ડે ના આવી કોઈ સમજૂતીની વાત સ્વીકારી કે ના અઢી વર્ષ પછી મુખ્યમંત્રી બદલ્યા.
રાજસ્થાનમાં ગેહલોત ને છત્તીસગઢમાં બઘેલે પાંચ વર્ષ ખેંચી કાઢ્યાં. તેના કારણે પાયલોટ અને સિંહદેવના સમર્થકોમાં ભારે અસંતોષ હતો. આ અસંતોષ ગેહલોત અને બઘેલની સરકારો સામે બળાપારૂપે સમયાંતરે બહાર આવ્યા કરતો હતો. કૉંગ્રેસે તેની કિમત 2023ની ચૂંટણીમાં રાજસ્થાન અને છત્તીસગઢ બંને રાજ્યો ગુમાવીને ચૂકવી. ગેહલોત ને બઘેલ પાંચ વર્ષ ગાદી પર રહ્યા પછીય એવું કશું ના ઉકાળી શક્યા કે લોકો તેમના પર વારી જઈને ફરી સત્તા સોંપી દે.
કર્ણાટકમાં પણ સિદ્ધરામૈયા અને શિવકુમાર વચ્ચેની ખેંચતાણના કારણે કૉંગ્રેસ બે છાવણીમાં વહેંચાઈ જ ગયેલી. શિવકુમાર અને સિદ્ધરામૈયાના સમર્થકો વચ્ચે જીભાજોડી ચાલ્યા જ કરતી હતી. તેના કારણે કૉંગ્રેસની ઈજ્જતનો ફાલુદો થયા કરતો હતો. સરકારી કામકાજ પર પણ તેની અસર થતી હતી.
વિધાનસભા ચૂંટણી લગી સિદ્ધરામૈયા ગાદી પર હોત તો આ જીભાજોડી જંગમાં ફેરવાઈ ગઈ હોત એ જોતાં કૉંગ્રેસ હાઈકમાન્ડે સમય વર્તે સાવધાન થઈને નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય લઈ લીધો. તેનો ફાયદો થશે કે નહીં એ તો બે વર્ષ પછી જ ખબર પડશે પણ હાલ પૂરતો તો શિવકુમારના સમર્થકોનો અસંતોષ ગાયબ જ થઈ ગયો છે. શિવકુમારને પણ પોતે લાયક હોવા છતાં તક ના મળી એ વસવસો હતો એ દૂર થઈ ગયો.
શિવકુમાર પાસે હવે પૂરાં બે વર્ષ છે ને પોતાની નેતૃત્વની તાકાત સાબિત કરવા માટે આટલો સમય પૂરતો ગણાય. સિદ્ધરામૈયાના શાસનનાં ત્રણ વર્ષ બહુ વખાણવા જેવાં નથી. સિદ્ધરામૈયા ટીપીકલ કૉંગ્રેસી નેતાઓની જેમ મહેતા મારેય નહીં ને ભણાવેય નહીં એ ટાઈપના મુખ્યમંત્રી હતા તેથી તેમણે ત્રણ વર્ષમાં ઉડીને આંખે વળગે એવું કશું કર્યું નથી. ઊલટાનું મુસ્લિમ તુષ્ટિકરણ કરી કરીને ભાજપને મજબૂત કરવાનું કામ કર્યું છે.
દેશના બીજા રાજ્યોની જેમ કર્ણાટકમાં પણ ભાજપ શહેરી વિસ્તારોમાં અત્યંત મજબૂત છે. શિવકુમાર શહેરી વિસ્તારના નેતા છે તેથી ભાજપના શહેરી વિસ્તારોના વર્ચસ્વને તોડવાની વ્યૂહરચના વધારે સારી રીતે બનાવી શકે છે. શિવકુમાર પોતે બિઝનેસમેન છે તેના કારણે બિઝનેસમેન કોમ્યુનિટીને કૉંગ્રેસ સાથે રાખી શકે છે. જ્ઞાતિનાં સમીકરણો પણ શિવકુમારની તરફેણમાં છે.
કર્ણાટકમાં લિંગાયત અને વોક્કાલિંગા એ બે સૌથી મજબૂત મતબેંક છે. શિવકુમાર વોક્કાલિંગા હોવાથી વોક્કાલિંગા સમુદાયના બહુમતી મતો કૉંગ્રેસની તરફેણમાં પડી શકે. એકંદરે શિવકુમાર કૉંગ્રેસ માટે સારી પસંદગી છે એ જોતાં કૉંગ્રેસે યોગ્ય સમયે નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય લઈને સાં કર્યું છે. હવે પછીનાં બે વર્ષમાં શિવકુમારે આ પસંદગી યોગ્ય છે એ સાબિત કરવાનું છે.