(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં કદાચિત પહેલી વખત એવું બન્યું છેે, જેમાં કાંદિવલીની લક્ષ્મી નિવાસ બિલ્ડિંગના છેલ્લા ૧૨ વર્ષથી બેઘર રહેલા ભાડૂતોએ જુદી જુદી સરકારી એજન્સી જેવી કે મુંબઈ મહાનગરપાલિકાથી લઈને ફાયરબિગ્રેડ પાસેથી મંજૂરી મેળવીને પોતાના ખર્ચે ટ્રાન્ઝિટ કેમ્પ બાંધ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા પાણીનુું જોડાણ આપશે એ સાથે જ ભાડૂતો ત્યાં રહેવા જઈ શકશે એવું માનવામાં આવે છે. કાંદિવલી પશ્ર્ચિમમાં મથુરાદાસ રોડ પર આવેલી લક્ષ્મી નિવાસને ૨૦૧૪માં મુંબઈ મહાનગપાલિકાએ સી-વન શ્રેણીમાં એટલે કે અત્યંત જોખમી જાહેર કરીને બિલ્ડિંગ તોડી પાડી હતી. બિલ્ડિંગના ૧૬ ભાડૂતો પોતાના ખર્ચે બીજા સ્થળે રહેવા ગયા હતા. સ્થાનિક વિધાનસભ્ય યોગેશ સાગરના પ્રયાસને કારણે તેઓને ફરી એક વખત માથે છત મળી છે.
વિધાનસભ્ય યોગેશ સાગરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ૨૦૧૪માં લક્ષ્મી નિવાસને જોખમી જાહેર કરીને તેને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. પાઘડી સિસ્ટમની બિલ્ડિંગનો મકાન માલિક રિડેવલપમેન્ટ માટે તૈયાર થતો નહોતો અને ભાડુ પણ આપતો નહોતો. વર્ષો સુધી રહેવાસીઓ પોતાના ખર્ચે ભાડા પર રહેતા હતા. છેવટે તેઓએ પાલિકા અને ફાયરબ્રિગેડ પાસેથી એનઓસી મેળવીને પોતાના ખર્ચે બિલ્ડિંગ બનાવી છે, જે નિયમ મુજબ ટ્રાન્ઝિટ કેમ્પ કહેવાય છે. ભાડા ભરવામાં વર્ષો સુધી અનેક પૈસા ખર્ચયા. છેવટે ભાડુ ભરવાને બદલે પૈસાની વ્યવસ્થા કરીને તેમણે ટ્રાન્ઝિટ કેમ્પ બનાવ્યો છે અને હવે તેમાં રહેવા જઈ શકશે. મુંબઈમાં કદાચિત આ પ્રકારનો પહેલો બનાવ છે, જેમાં ભાડૂતોએ તમામ મંજૂરી મેળવીને પોતાના પૈસાથી ટ્રાન્ઝિટ કેમ્પ બનાવ્યો હોય.
લક્ષ્મી નિવાસ રેસિડેન્ટ વેલફેર અસોસિયેશનના સક્રેટરી નિલેશ મારુએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે અમારી સોસાયટીને ટ્રાન્ઝિટ કેમ્પ બનાવવા માટે પાલિકા અને ફાયરની એનઓસી મળવાથી મુંબઈની લગભગ ૯૦૦થી ૧૦૦૦ પાઘડી સિસ્ટમની બિલ્ડિંગ જે રીડેવપમેન્ટ માટે રાહ જોઈ રહી હતી તેની માટે પણ દરવાજા ખુલી ગયા છે. અમારો મકાન માલિક રીડેવલપમેન્ટ માટે તૈયાર થતો નહોતો. ત્રણ વખત બિલ્ડર લાવ્યો પણ બિલ્ડિંગ બાંધવામાં તેને રસ નહોતો. વર્ષો સુધી બેઘર રહ્યા બાદ વિધાનસભ્ય યોગશ સાગરની મદદથી અમે પાલિકાના નિયમ મુજબ ૨૦૨૫માં તમામ મંજૂરી લઈને ટ્રાન્ઝિટ કેમ્પ બાંધ્યો છે, જેમાં અમે ત્રણ વર્ષ સુધી રહી શકશું. પાલિકાના નિયમ મુજબ બિલ્ડિંગ જોખમી જાહેર કર્યા બાદ તોડી પાડવામાં આવે અને વર્ષની અંદર જ મકાન માલિક તેને ફરી બાંધે નહીં તો કાયદા મુજબ કોર્ટમાં જઈને અને તમામ સરકારી એજન્સી પાસેથી મંજૂરી લઈને ભાડુતો તે બિલ્ડિંગને રિડેવલ કરી શકે છે. તેનો લાભ લઈને અમે બિલ્ડિંગ બાંધી છે.