Sun May 24 2026

Logo

છાતીમાં દુખાવા પછી કલ્યાણ જેલના આરોપીનું મૃત્યુ

2026-05-24 16:39:01
Author: Yogesh C Patel
Article Image

થાણે: કલ્યાણની જેલમાં બંધ આરોપીનું એકાએક છાતીમાં દુખાવા અને ચક્કર આવ્યા પછી મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

જેલમાં મૃત્યુ પામેલા આરોપીની ઓળખ અજય આનંદજી કલ્હાન ઉર્ફે હેલમ રવીન્દ્ર કાપડિયા (50) તરીકે થઈ હતી. તેને કલ્યાણની આધારવાડી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. જોકે તેની વિરુદ્ધના આરોપો અંગે ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ કોઈ ફોડ પાડ્યો નહોતો.

અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારની સાંજે 7.40 વાગ્યે આરોપીએ અચાનક છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. પછી ચક્કર આવતાં તે જમીન પર ફસડાઈ પડ્યો હતો. ફરજ પર હાજર જેલના સિપાઈએ જેલ અધિકારીને આ બાબતે જાણ કરી હતી.

જેલના કર્મચારી તાત્કાલિક આરોપીને હૉસ્પિટલે લઈ ગયા હતા, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. પોસ્ટમોર્ટમના અહેવાલ બાદ આરોપીના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આરોપીના મૃત્યુને પગલે ખડકપાડા પોલીસે એડીઆર નોંધ્યો હતો. આ મામલે વધુ તપાસ પોલીસ કરી રહી છે.

(પીટીઆઈ)