Sat Aug 15 2026

Logo

5 ઓવરમાં એક પણ રન નહીં ને 5 વિકેટઃ વેસ્ટ ઈન્ડિઝના આ બોલરે પ્રથમ વખત 5 વિકેટ લઈને પાકિસ્તાનને રહેંસી નાંખ્યું  ?

Trinidad   2026-07-31 14:32:11
Author: Mayur Patel
Article Image

ત્રિનિદાદઃ પાકિસ્તાન અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ત્રિનિદાદમાં રમાઈ હતી. મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 90 રનથી પાકિસ્તાનને હરાવ્યું હતું. મેચમાં કેરેબિયન બોલર જસ્ટિન ગ્રીવ્સે કુલ 7 વિકેટ ઝડપી હતી. પ્રથમ ઈનિંગમાં તેણે 5 વિકેટ ઝડપી હતી. આ જસ્ટિન ગ્રીવ્સની ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ પાંચ વિકેટ હતી. મેચમાં ગ્રીવ્સના શાનદાર દેખાવ બદલ પ્લેયર ઓફ ધ  મેચ જાહેર કરાયો હતો. 

મેચમાં વેસ્ટ ઇન્ડિઝના જસ્ટિન ગ્રીવ્સે એક એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.  ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષના ઇતિહાસમાં ક્યારેય આવો રેકોર્ડ આ પહેલા બન્યો નહોતો. જસ્ટિન ગ્રીવ્સે એક ટેસ્ટ મેચમાં સતત 5 ઓવર મેડન નાખી અને દરેક ઓવરમાં એક-એક વિકેટ ઝડપી. તેઓ આવું કરનારા વિશ્વના પ્રથમ બોલર બન્યો હતો.. તેમના પહેલાં સ્ટુઅર્ટ બ્રોડે સતત ચાર મેડન ઓવરમાં ચાર વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. બ્રોડે વર્ષ 2016માં દક્ષિણ આફ્રિકા સામે આ કારનામો કર્યો હતો, પરંતુ જસ્ટિન ગ્રીવ્સે 10 વર્ષ પછી તેનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.


ગ્રીવ્સે 64મી ઓવરના અંતિમ બોલ પર, 66મી ઓવરના બીજા બોલ પર, 68મી ઓવરના ત્રીજા બોલ પર, 70મી ઓવરના ચોથા બોલ પર અને 72મી ઓવરના છઠ્ઠા બોલ પર વિકેટ ઝડપી હતી.

ગ્રીવ્સે સ્વીકાર્યું કે તેણે પોતાના સ્પેલ દરમિયાન બોલિંગને એકદમ સરળ રાખી હતી. ટીમના કેપ્ટન રોસ્ટન ચેસની સલાહ મુજબ યોગ્ય લાઇન અને લેન્થ પર બોલિંગ કરીને આ સફળતા મેળવી હતી.  ગ્રીવ્સે કહ્યું, જ્યારે હું બોલિંગ કરવા આવ્યો ત્યારે કેપ્ટન રોસ્ટન ચેસે મને ફક્ત એટલું જ કહ્યું હતું કે તમે જે કરી રહ્યા છો તે જાળવી રાખો અને જુઓ કે તમે ટીમ માટે કેટલીક વિકેટો મેળવી શકો છો કે નહીં.

વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ ઇનિંગ્સમાં 311 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાને શાનદાર શરૂઆત બાદ એક સમયે 3 વિકેટના નુકસાને 244 રન બનાવી લીધા હતા. ત્યારે જ જસ્ટિન ગ્રીવ્સ ત્રાટક્યો હતો અને  પાકિસ્તાનો ધબડકો થયો હતો અને 282 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.