Wed Sep 16 2026

Logo

અંધેરીમાં જુહુ સર્કલ નજીક મેટ્રોની ક્રેન ખોટકાતાં 2 કિમી લાંબો ટ્રાફિક જામ: વીડિયો વાયરલ

2026-08-13 18:04:00
Author: Mumbai Samachar Team
અંધેરીમાં જુહુ સર્કલ નજીક મેટ્રોની ક્રેન ખોટકાતાં 2 કિમી લાંબો ટ્રાફિક જામ: વીડિયો વાયરલ

મુંબઈ: મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારમાં આજે વહેલી સવારે મેટ્રો-2Bના બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી ભારે ક્રેન ખોટકાઈ જતાં જુહુ સર્કલ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ક્રેને રસ્તાનો એક મોટો હિસ્સો રોકી દેતાં બંને તરફ લગભગ બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. ટ્રાફિકની અસર આસપાસના રસ્તાઓ પર પણ જોવા મળી હતી.

મળતી માહિતી મુજબ, મેટ્રો-2બી પ્રોજેક્ટ અંતર્ગત રાતના સમયે ગર્ડર બેસાડવાની  કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી બાદ વહેલી સવારે ક્રેનમાં ખામી સર્જાઈ હતી. ભર રસ્તા પર ક્રેન બગડતા થોડા સમય માટે બંને દિશાના વાહનવ્યવહાર માટે એક જ રસ્તો ઉપયોગમાં લેવો પડ્યો હતો. પરિણામે ઉપલબ્ધ રસ્તાની પહોળાઈ ઘટતાં ટ્રાફિકની સ્થિતિ વધુ ગંભીર બની હતી.

ઘટનાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર મોટા પાયે વાયરલ થયા છે, જેમાં રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ક્રેનને હટાવવાની કામગીરી દરમિયાન વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. સ્થળ પર હાજર એમએમઆરડીએના એન્જિનિયરે ટ્રાફિક વ્યવસ્થા ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે તેવી ખાતરી આપી હતી, પરંતુ વાહનચાલકો માટે આજનો દિવસ ત્યાંથી અવરજવર કરવામાં પારાવાર હાલાકીભર્યો રહ્યો હતો. એના અંગે પણ લોકોએ વીડિયો પોસ્ટ કરીને તંત્ર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી.

ક્રેનને હટાવવા માટે જરૂરી સ્પેર પાર્ટ મંગાવવામાં આવ્યો હતો. બપોર સુધીમાં ક્રેનના કેટલાક ભાગો હટાવી દેવામાં આવ્યા હતા અને લગભગ 1:30 વાગ્યે એક લેનને વાહનવ્યવહાર માટે ફરી ખોલવામાં આવી હતી. જોકે, રસ્તા પરથી સંપૂર્ણ ક્રેન દૂર કરવાની કામગીરી ત્યારે પણ ચાલુ રહી હતી.

દરમિયાન મુંબઈ ટ્રાફિક પોલીસે પણ વાહનચાલકોને જુહુ સર્કલ તરફ જવાનું ટાળવાની અપીલ કરી હતી. ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પર ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ક્રેન ખોટકાઈ જવાના કારણે જુહુ સર્કલ (ડી.એન. નગર) તરફ જતા માર્ગથી દૂર રહેવું.

નસીબજોગે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી. જોકે, મેટ્રોના બાંધકામ દરમિયાન ભારે મશીનરી ખોટકાવાથી સર્જાયેલા આ ટ્રાફિકજામે સવારે ઓફિસ અને અન્ય કામકાજ માટે નીકળેલા મુંબઈગરાની મુશ્કેલી વધારી દીધી હતી.