Tue May 19 2026

Logo

વિક્રોલી-જોગેશ્ર્વરી લિંક રોડથી નવા પ્રસ્તાવિત મિસિંગ લિંક માટે ૮૭ બાંધકામનો સફાયો

2026-05-19 21:07:13
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડથી નવા લિંક રોડ પર પ્રસ્તાવિત મિસિંગ લિંક પ્રોજેક્ટમાં અનેક બાંધકામ અડચણરૂપ બની રહ્યા છે. તેથી મિસિંગ લિંકનું કામ અટવાઈ પડયું હતું. છેવટે પાલિકાના કે-પશ્ર્ચિમ વોર્ડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળવારે ૮૭ બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા. આ બાંધકામને દૂર કરવાની સાથે જ બહુ જલદી મિસિંગ લિંક રોડનું કામ શરૂ કરવામાં આવશે એવુ પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડથી નવો લિંક રોડ (ફેઝ-વન) પ્રસ્તાવિત મિસિંગ લિંક માટે કામ શરૂ કરવમાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં ફેઝ-વન ને ફેઝ-ટૂ પૂરો થયા બાદ બેહરામ બાગ પરિસરમાં ઉત્તર-દક્ષિણ દિશાના ટ્રાફિકમાં મોટા સુધારો થવાની અપેક્ષા છે. તેમ જ અંધેરી વીરા દેસાઈ એક્ટેન્શન રોડની સાથે જ બેહરામ બાગ રોડનો ટ્રાફિક ઘટવામાં મદદ મળશે. પ્રસ્તાવિત રોડના બાંધકામમાં ઓશિવરા પરિસરના બાંધકામને કારણે અડચણ નિર્માણ થઈ હતી. તેથી ૮૭ બાંધકામને મંગળવારે તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં ૮૬ રહેણાંક અને એક કમર્શિયલ બાંધકામનો સમાવેશ થાય છે. તેમાંથી ૨૯ બાંધકામ પાત્રતા ધરાવતા બાંધકામ અને  ૫૮ અપાત્ર બાંધકામ હતા.

પાલિકાના કે-પશ્ર્ચિમ વોર્ડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં બે પોકલેન, ત્રણ જેસીબી અને અન્ય વાહનોનો સમાવેશ થાય છે.