(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વાલકેશ્વર માં આવેલા પ્રખ્યાત બાણગંગા તળાવમાં તરવા ગયેલા ૧૯ વર્ષના યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાની ઘટના શનિવારે બની હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ શનિવારે બપોરના એક વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો, જેમાં યુવક બાણગંગા પરિસરમાં ફરવા માટે આવ્યો હતો. ફરતા સમયે તે બાણગંગા તળાવમાં તરવા માટે અંદર ઊતર્યો હતો પણ પાણીની ઊંડાઈનો તેને અંદાજ નહીં રહેવાને કારણે અથવા તો તેને બરોબર તરતા આવડતું ન હોવાને કારણે તે ડૂબી ગયો હોવાનો અંદાજ છે.
આજુબાજુ રહેલા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને એ દરમ્યાન ત્યાં હાજર રહેલા યુવકે તેને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો અને તેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને તેના પર પ્રાથમિક ઉપચાર પણ કર્યો હતો. તેને તરત એલિઝાબેથ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પણ ફરજ પર હાજર રહેલા ડૉકટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ શેખર હરિશ રાવલ હતું. પોલીસ આ પ્રકરણમાં વધુ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.