Wed Aug 26 2026

Logo

સ્માર્ટફોનમાં ડાર્ક મોડ રાખવાથી બેટરી લાઈફ વધે કે નહીં? જાણો ટેક નિષ્ણાતોનો ખુલાસો અને ડિસ્પ્લેના નિયમો

2026-08-22 20:50:52
Author: Darshana Visaria
સ્માર્ટફોનમાં ડાર્ક મોડ રાખવાથી બેટરી લાઈફ વધે કે નહીં? જાણો ટેક નિષ્ણાતોનો ખુલાસો અને ડિસ્પ્લેના નિયમો

એક સમય હતો કે જ્યારે માણસની જરૂરિયાત રોટી, કપડાં ઔર મકાન પૂરતી જ મર્યાદિત હતી, પરંતુ હવે આજના બદલાતા સમયમાં આ ત્રણ વસ્તુ સાથે એક ચોથી વસ્તુ જોડાઈ ગઈ છે અને એ વસ્તુ એટલે મોબાઈલ ફોન. વર્તમાન સ્માર્ટફોનના યુગમાં મોટાભાગના યુઝર્સ પોતાના મોબાઈલ, એપ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ડાર્ક મોડનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આ પાછળની એવી માન્યતા છે કે ડાર્ક મોડ યુઝ કરવાથી બેટરીની બચત થાય છે. ચાલો આજે તમને આ પાછળનું સાચું કારણ જણાવીએ... 

સામાન્ય રીતે એવી માન્યતા છે કે ડાર્ક મોડ રાખવાથી ફોનની બેટરીનો વપરાશ ઘટી જાય છે અને બેટરી લાઈફ લાંબી ચાલે છે. પરંતુ શું આ વાત દરેક સ્માર્ટફોન માટે સાચી છે? ટેકનોલોજી અને ડિસ્પ્લે સાયન્સ અનુસાર, ડાર્ક મોડથી બેટરી બચશે કે નહીં તેનો આધાર તમારા ફોનમાં વપરાયેલી ડિસ્પ્લે પેનલ પર રહેલો છે.

AMOLED / OLED ડિસ્પ્લેમાં મોટી બચત:

જો તમારા સ્માર્ટફોનમાં AMOLED, Super AMOLED કે OLED સ્ક્રીન છે, તો ડાર્ક મોડ ખરેખર બેટરી બચાવવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. આ ટેકનોલોજીમાં દરેક પિક્સેલ (Pixel) પોતાની સ્વતંત્ર લાઈટ ઉત્સર્જિત કરે છે. જ્યારે સ્ક્રીન પર કાળો (Black) રંગ દર્શાવવાનો હોય, ત્યારે તે ચોક્કસ પિક્સેલ્સ સંપૂર્ણપણે બંધ (Off) થઈ જાય છે. પિક્સેલ્સ બંધ રહેવાથી વીજળીનો વપરાશ થતો નથી અને બેટરીમાં ૧૫% થી ૩૦% સુધીની સીધી બચત થાય છે.

LCD / IPS LCD ડિસ્પ્લેમાં કોઈ ફાયદો નહીં:

બજેટ સ્માર્ટફોનમાં સામાન્ય રીતે LCD પેનલ હોય છે. LCD સ્ક્રીનમાં સમગ્ર ડિસ્પ્લે પાછળ એક કોમન 'બેકલાઈટ' (Backlight) સતત ચાલુ રહે છે. સ્ક્રીન પર ડાર્ક થીમ હોય તો પણ બેકલાઈટ પૂરી ક્ષમતાથી ચાલુ જ રહે છે અને લાઈટ બ્લોક કરીને કાળો રંગ બતાવાય છે. પરિણામે LCD સ્ક્રીનવાળા ફોનમાં ડાર્ક મોડ ઓન કરવાથી બેટરીમાં કોઈ નોંધપાત્ર બચત થતી નથી.

ડાર્ક મોડ વાપરવાના અન્ય મોટા ફાયદા:

રાત્રે કે ઓછા પ્રકાશવાળી જગ્યાએ ડાર્ક મોડ વાપરવાથી આંખો પર સીધો પ્રકાશ પડતો નથી, જેનાથી આંખોમાં થતો દુખાવો અને થાક ઘટે છે.
ડાર્ક મોડ સ્ક્રીનમાંથી નીકળતી હાનિકારક બ્લૂ લાઈટનું ઉત્સર્જન ઘટાડે છે, જે રાત્રિના સમયે સારી ઊંઘ (Melatonin હોર્મોન મેન્ટેનન્સ) મેળવવામાં મદદરૂપ બને છે.
OLED ડિસ્પ્લેમાં લાંબા સમય સુધી વ્હાઈટ સ્ક્રીન રાખવાથી પિક્સેલ્સ ડેમેજ થવાનું જોખમ રહે છે, જ્યારે ડાર્ક મોડથી ડિસ્પ્લેનું આયુષ્ય વધે છે.