Thu Nov 19 2026

Logo

ભારતની હવાઈ શક્તિ મજબૂત બનશે: નવા એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતે સમજાવ્યું ‘VAYU’ ફૉર્મ્યુલાનું વિઝન...

2026-11-01 17:47:33
Author: Mumbai Samachar Team
ભારતની હવાઈ શક્તિ મજબૂત બનશે: નવા એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતે સમજાવ્યું ‘VAYU’ ફૉર્મ્યુલાનું વિઝન...

PTI


નવી દિલ્હી: ભારતીય વાયુસેનના નવા વડા એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતે પદભાર સંભાળ્યા બાદ દેશની પ્રાથમિક્તાઓ સ્પષ્ટ કરી હતી તેમણે કહ્યું હતું કે આગામી દાયકામાં ભારતીય વાયુસેનાને દેશની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવાની સાથે દરેક સમયે યુદ્ધ લડવા અને જીતવા સક્ષમ રાખવી તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે. તેમણે દેશવાસીઓને વિશ્વાસ અપાવ્યો કે વાસયુસેના સતર્ક છે, સંપૂર્ણપણે તૈયાર છે અને પોતાના સંકલ્પ પર અડગ પણ છે. 

એર ચીફ માર્શલ દીક્ષિતે પોતાની પ્રાથમિક્તાઓને ‘VAYU’ શબ્દના માધ્યમથી સમજાવી હતી. તેમણે કહ્યું કે વાયુસેનાની જવાબદારી યુદ્ધ લડવાની અને જીતવાની છે, પરંતુ તેનાથી પણ મહત્વનું કામ વિશ્વસનીય હવાઈ શક્તિના આધારે સંઘર્ષને અટકાવવાનો અને દુશ્મનને હુમલો કરતાં રોકવાનું છે. 

સતર્કતા અને તત્પરતા પર રહેશે ભાર
વાયુ (VAYU)માં Vનો અર્થ Vigilance & Readlines એટલે કે સતર્કતા અને તત્પરતા છે. નવા વાયુસેનાના વડાએ જણાવ્યું કે દરેક સ્કવોડ્રન, રડાર, હવાઈ સંરક્ષણ એકમ અને વાયુસેનાના જવાને કોઈ પણ સમયે તાત્કાલિક કાર્યવાહી કરવા તૈયાર રહેવું પડશે. વાયુસેનાની લડાયક ક્ષમતાને મંજૂર સ્ટાર સુધી ફરી સ્થાપિત કરવાની પણ મહત્વપૂર્ણ પ્રાથમિકતા રહેશે. તેમણે કહ્યું કે તેઓ એર ચીફ માર્શલ એપી સિંહ પાસેથી હવે વાયુસેનાની દોર સંભાળી રહ્યો છું. એપી સિંહના નેતૃત્વમાં ઓપરેશન સિંદુર દરમિયાન સેનાએ સચોટ અને નિર્ણાયક હવાઈ શક્તિનું પ્રદર્શન કર્યું  હતું. સંપૂર્ણપણે તૈયાર અને સતર્ક વાયુસેનાની કમાન સોંપવા બદલ તેમણે એપી સિંહનો આભાર પણ માન્યો હતો.

તેજસ, AMCA અને સ્વદેશી હથિયારોને પ્રાથમિકતા 
VAYUમાં Aનો અર્થ આત્મનિર્ભરતા છે. એર ચીફ માર્શલ દીક્ષિતે જણાવ્યું કે તેજસ MK-1A અને MK-2, AMCA, ભારતીય સેન્સર્સ તથા સ્વદેશી હથિયારો તેમની સર્વોચ્ચ પ્રાથમિક્તાઓમાં સામેલ છે. વાયુસેના ભારતીય ટેકનોલોજી અને સ્વદેશી સાધનોના આધારે યુદ્ધ લડવા સક્ષમ બને તે દિશામાં કામગીરી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે સૈન્ય અભિયાનોની જરૂરીયાતો પૂરી કરવા માટે સ્વદેશી ટેકનોલોજી અને સાધનોનો પૂરતા પ્રમાણમાં પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે. 

AI અને ડ્રોન વિરોધી સંરક્ષણ વ્યવસ્થા પર પણ ધ્યાન
VAYUમાં Yનો અર્થ યુક્તિ એટલે કે સમજદારીપૂર્વક નવા ઉકેલો શોધવાની ક્ષમતા છે. દીક્ષિતે જણાવ્યું કે યુદ્ધની રણનીતિ, પ્રક્રિયાઓ અને ટેકનોલોજીમાં નવા પ્રયોગો કરવા પર ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત, નેટવર્ક આધારિત અને AI -સક્ષમ કમાન્ડ તથા કંટ્રોલ સિસ્ટમ, ડ્રોન સામે બહુસ્તરીય સંરક્ષણ વ્યવસ્થા, ઝડપી જાળવણીની સુવિધા, સૈન્ય સુરક્ષા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટકી રહેવાની ક્ષમતા જેવા ક્ષેત્રો પર કામ કરવામાં આવશે. વાયુસેનાના અભિયાનો માટે નજીકના આંતરીક્ષનો ઉપયોગ કરવાની શક્યતાઓની પણ સતત સમીક્ષા કરવામાં આવશે. 

સેના, નૌકાદળ અને રાષ્ટ્રીય એજન્સીઓ સાથે સંકલન
VAYUમાં Uનો અર્થ Unity Of Efforts એટલે કે સંયુક્ત પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે JAI એટલે કે સંયુક્તતા (Jointness), આત્મનિર્ભરતા (Atma Nirbharta) અને નવીનતા (Innovation) વિઝનને અનુરૂપ વાયુસેના, સેન અને નૌકાદળ તથા રાષ્ટ્રીય એજન્સી સાથે મળીને આયોજન કરશે. આ સાથે જ સંકલન સાથેની કામગીરી કરશે. તેમણે કહ્યું કે હવાઈ શક્તિનો વધુ પ્રભાવ ત્યારે જોવા મળે છે, જ્યારે અન્ય સેનાઓ સાથે આયોજનના પ્રારંભિક તબક્કાથી જ તેનું સંકલન કરવામાં આવશે. આથી સંયુક્ત આયોજન અને એકસાથે કામગીરી કરવાની ક્ષમતા વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.