નવી દિલ્હીઃ વિદેશ પ્રવાસ કરનારા પ્રવાસીઓને આગામી સમયમાં મોટી રાહત મળવાની છે. વિદેશ યાત્રા કરનારા પ્રવાસીઓને વારંવાર પોતાના કેટલાક ડૉક્યુમેન્ટ રજૂ કરવા પડે છે. લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે. હવે આ કંટાળાજનક પ્રક્રિયામાંથી મુક્તિ મળી શકે છે. કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે ડિજી યાત્રાની સુવિધાનો દાયરો વધારવા માટે પગલાં લેવાના મૂડમાં છે. 1 નવેમ્બરથી દેશના 7 એરપોર્ટ પર આ પ્રયોગની ટ્રાયલ શરૂ કરવામાં આવશે. જે ડિસેમ્બર મહિના સુધી ચાલશે.
એરપોર્ટમાં ખર્ચાતો સમય બચી જશે
વિદેશ યાત્રા દરમિયાન એરપોર્ટ પર એન્ટ્રી કરવા, સિક્યોરિટી ચેક અને બોર્ડિંગ સમયે અનેક જગ્યાઓ પર પાસપોર્ટ અને ટિકિટ બતાવવી પડે છે. નવી શરૂ કરવામાં આવનાર વ્યવસ્થામાં આ ઓળખ પહેલા ડિજિટલ ફોર્મેટમાં વેરિફાઈ થશે. આ કારણે વારંવાર કેટલાક ડૉક્યુમેન્ટ રજૂ કરવા માટેની માથાકુટ નહીં થાય. લાંબા સમય સુધી લાઈનમાં પણ ઊભા રહેવું નહીં પડે. આનાથી પ્રવાસનો સમય બચશે અને એરપોર્ટ પર ખર્ચાતો સમય પણ બચી જશે. વિદેશ યાત્રા પહેલા આ પ્રોસિજર ઓછી થતા પ્રવાસીઓને પણ ફાયદો થશે અને તે જે તે એનાઉસમેન્ટ થતા જ ગેટ સુધી પહોંચી શકશે. નવી દિલ્હી, મુંબઈ, બેંગ્લુરૂ, હૈદરાબાદ, ચેન્નઈ, કોચી અને અમૃસર એરપોર્ટ પર આ ટ્રાયલ શરૂ કરવામાં આવશે. હવે આ ટ્રાયલમાં સામેલ થવું હોય તો થોડું એ વાતનું ધ્યાન રાખવું પડશે કે,યાત્રી પાસે ચીપ વાળો ઈ પાસપોર્ટ હોવો અનિવાર્ય છે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ યાત્રામાં ઉપયોગી
બીજી વાત એ છે કે, વિદેશ યાત્રામાં ફ્લાઈટ એર ઈન્ડિયા અથવા ઈન્ડિગોની હોવી અનિવાર્ય છે. પાસપોર્ટ અને વિઝા પહેલાની જેમ સંપૂર્ણ રીતે જરૂરી રહેશે. એરલાઈન્સ દ્વારા આ ડૉક્યુમેન્ટ ચેક કરાશે, સુરક્ષા અને ઈમિગ્રેશન પ્રક્રિયા માટે જે અગાઉ નિયમ હતા એ જ લાગુ રહેશે. આ સાથે જ્યારે યાત્રી વિદેશના કોઈ શહેરમાં પહોંચશે તો એ દેશના પોતાના સ્થાનિક પ્રવેશ નિયમ તથા કાયદાઓનું પાલન કરવું પડશે. જે પ્રવાસીઓ પાસે ઈ પાસપોર્ટ એટલે કે ચીપવાળો પાસપોર્ટ હશે તેને આ પ્રક્રિયાનો લાભ મળી રહેશે. ચીપ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જેમાં પ્રવાસીનું નામ, જન્મ તારીખ, ફોટો અને બાયોમેટ્રિક રીતે સુરક્ષિત કરવામાં આવેલો ડેટા સ્ટોર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એ વાત જાણવા મળી છે કે, ડિટી યાત્રાના કુલ 2.65 કરોડ યુઝર્સ છે. દેશના કુલ ફ્લાઈટ યુઝર્સમાંથી 30 ટકા પ્રવાસીઓ આ સુવિધાનો ઉપયોગ કરે છે. હાલમાં આ સુવિધા 39 એરપોર્ટ પર છે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે આનો પ્રયોગ કરવા માટે હાલમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.