Thu Nov 19 2026

Logo

દેશનું પ્રથમ રોડ સેફ્ટી રિસર્ચ સેન્ટર સાસવડમાં: હવે વાહનોનું ફિટનેસ ટેસ્ટિંગ ઓટોમેટિક થશે

2026-11-02 18:53:47
Author: Mumbai Samachar Team
દેશનું પ્રથમ રોડ સેફ્ટી રિસર્ચ સેન્ટર સાસવડમાં: હવે વાહનોનું ફિટનેસ ટેસ્ટિંગ ઓટોમેટિક થશે

પુણે: જિલ્લાના સાસવડ ખાતે પુરૂંદર તાલુકાની ૨૫ એકર જમીન પર દેશનું પ્રથમ માર્ગ સલામતી સંશોધન અને તાલીમ કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. માર્ગ અકસ્માતો અટકાવવા અને વાહન સલામતી વધારવા માટે, દેશનું પ્રથમ માર્ગ સલામતી સંશોધન અને તાલીમ કેન્દ્ર પુણે જિલ્લાના સાસવડ ખાતે બનાવવામાં  આવી રહ્યું છે. પુરૂંદર તાલુકાની ૨૫ એકર જમીન પર આ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, અને પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે રવિવારે આ કામનું નિરીક્ષણ કર્યું હતું. 
માત્ર મોટી ઈમારત કે બિલ્ડિંગ બનાવી દેવાથી કામ પૂરું નથી થતું, પરંતુ આ કેન્દ્રમાંથી ખરેખર રસ્તાની સુરક્ષા માટે ઉપયોગી અને વ્યવહારુ કામ થવું જોઈએ, તે વાત પર તેમણે ભાર મૂક્યો હતો.

આ સેન્ટર શરૂ થયા પછી ગાડીઓ રસ્તા પર ચાલવા યોગ્ય છે કે નહીં તેની ચકાસણી માણસોને બદલે ઓટોમેટિક (મશીન દ્વારા) કરવામાં આવશે. વાહન તપાસણી માટે કેમેરા અને સેન્સર્સનો ઉપયોગ થશે. જેમાં વાહનોના બ્રેક, સસ્પેન્શન, લાઇટ્સ અને ધુમાડાનું પ્રમાણ તપાસવામાં આવશે. જેના કારણે વાહન રસ્તા પર ચલાવવા લાયક છે કે નહીં, તે વધુ સચોટ રીતે જાણી શકાશે. 

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે હવે ઉમેદવારોએ '8' અને 'એચ' આકારના ટ્રેક તેમજ ચઢાવ-ઉતાર અને વિવિધ વળાંકો ધરાવતા ખાસ તૈયાર કરાયેલા માર્ગો પર ટેસ્ટ આપવી પડશે. આ ટેસ્ટ દરમિયાન કેમેરા અને વિડિયો ટેક્નોલોજી દ્વારા ડ્રાઇવરના વાહન ચલાવવાના કૌશલ્યનું ઓટોમેટિક નિરીક્ષણ કરાશે, જેનાથી સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક અને સચોટ બનશે.

સાસવડનો આ પ્રોજેક્ટ પૂરો થયા પછી વાહનોની તપાસણી, ચાલકોની પરીક્ષા અને પરિવહન વિભાગની તાલીમ આ ત્રણેય બાબતો એક જ જગ્યાએ થશે. તેથી આ કેન્દ્ર વાસ્તવમાં કેટલું અસરકારક સાબિત થાય છે અને રાજ્યમાં રસ્તા પરના અકસ્માતો અટકાવવા માટે તેનો કેટલો ઉપયોગ થાય છે, તેના પર સૌની નજર રહેશે.