થાણે: ગોળીએ દેવાયેલા શિવસેના (યુબીટી)ના નેતા પ્રદીપ પુર્ણેકરના સમર્થકની કથિત મારપીટ કરવાને મામલે વિરોધી પક્ષો દ્વારા સોમવારે થાણેના કાપૂરબાવડી પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
શિવસેનાના માનપાડાના વૉર્ડ અધ્યક્ષ પુર્ણેકરની 29 સપ્ટેમ્બરની રાતે તેની ઑફિસ બહાર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી.
કૉંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી)ના સમાવેશવાળી મહાવિકાસ આઘાડી દ્વારા કાપૂરબાવડી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. પુર્ણેકરના પરિવારને ન્યાય મળવો જોઈએ, એવી માગણી સાથે થોડા દિવસ અગાઉ તેના સમર્થકોએ મોરચો કાઢ્યો હતો. તે સમયે એક સમર્થકને તાબામાં લઈ પોલીસે ‘થર્ડ ડિગ્રી ટૉર્ચર’ કર્યું હોવાનો આક્ષેપ વિરોધ પક્ષોએ કર્યો હતો.
પીડિતે આ અંગે થાણેના પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી અને તબીબી અહેવાલમાં પણ તેને શારીરિક પીડા અપાઈ હોવાની ખાતરી થઈ હતી.
સોમવારે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા નેતાઓ બાદમાં ઝોન-પાંચના ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રશાંત કદમને મળ્યા હતા અને આ મુદ્દે ચર્ચા કરી હતી.
રવિવારે થાણેના પોલીસ કમિશનર આશુતોષ ડુંબરેએ જણાવ્યું હતું કે પુર્ણેકર હત્યા કેસની તપાસ યોગ્ય રીતે ચાલી રહી છે. બધી જરૂરી તપાસ પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે અને વિવિધ પાસાંની તપાસ કરાઈ રહી છે. (પીટીઆઈ)