Thu Jan 29 2026

Logo

White Logo

ડૉક્ટર બનવા માટે વિદ્યાર્થીએ પોતાનો પગ કાપી નાખ્યો: NEETમાં બે વખત થયો હતો નાપાસ

4 days ago
Author: Himanshu Chavada
Video

જૌનપુર: સફળતાનો કોઈ શોર્ટકટ નથી. આ વાક્ય દરેક ક્ષેત્રમાં આગળ વધતા લોકોને લાગુ પડે છે. પરંતુ ઘણીવાર લોકો સફળ થવા માટે શોર્ટકટ અજમાવે છે. પરંતુ આવા શોર્ટકટ લાંબો સમય સુધી ટકતા નથી. આ વાતને સાબિત કરતો એક ઉદાહરણરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લામાં 24 વર્ષીય વિદ્યાર્થી સૂરજ ભાસ્કરે MBBSમાં એડમિશન મેળવવા માટે જે શોર્ટકટ અપનાવ્યો છે, તેના વિશે જાણીને તમે ચોંકી જશો.

 હું 2026માં MBBS ડૉક્ટર બનીશ

જૌનપુર જિલ્લાનો 24 વર્ષીય વિદ્યાર્થી સૂરજ ભાસ્કર MBBSમાં એડમિશન મેળવવા ઇચ્છતો હતો. પરંતુ તે બે વાર મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ NEETમાં નિષ્ફળ ગયો હતો. જોકે, ત્યારબાદ 18 જાન્યુઆરીની સવારે સૂરજના ભાઈ આકાશે લાઇન બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, રાત્રે કેટલાક અજાણ્યા બદમાશો તેના ઘરમાં ઘૂસી આવ્યા હતા. અજાણ્યા બદમાશોએ તેને ઢોર માર માર્યો અને તીક્ષ્ણ હથિયારથી તેનો પગ કાપીને ફરાર થઈ ગયા. આ ગંભીર ફરિયાદ મળતા જ પોલીસ તંત્ર દોડતું થયું હતું.

સિટી એરિયાના CO ગોલ્ડી ગુપ્તા અને ASP આયુષ શ્રીવાસ્તવે સૂરજ ભાસ્કરના કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન સૂરજના નિવેદનોમાં અનેક વિસંગતતાઓ જોવા મળી હતી. પોલીસને સૂરજની ડાયરી મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, "ગમે તેમ કરીને હું 2026માં MBBS ડૉક્ટર બનીશ." આ સિવાય સૂરજના મોબાઈલની તપાસ કરતા એક યુવતી સાથેની તેની વાતચીત પરથી પોલીસની એ શંકા દ્રઢ બની કે, આ કોઈ હુમલો નથી પણ પૂર્વઆયોજિત કાવતરું છે.

વિકલાંગ ક્વોટામાં એડમિશન માટે રચ્યું કાવતરું

આખરે, પોલીસની કડક પૂછપરછમાં સૂરજનું સત્ય બહાર આવ્યું. સૂરજ જાણતો હતો કે, જનરલ કેટેગરીમાં તેને એડમિશન મળે તેમ નથી. તેથી વિકલાંગ ક્વોટા (PH Quota)માં ઓછા માર્ક્સે પ્રવેશ મેળવવા માટે તેણે જાતે જ પોતાનો પગ કાપી નાખ્યો અને તેને અજાણ્યા લોકો દ્વારા કરાયેલા હુમલામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. 

હાલ,  જૌનપુરની પાર્થ હોસ્પિટલમાં સૂરજની સારવાર ચાલી રહી છે. લાઇન બજાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સતીશ સિંહે જણાવ્યું કે, આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક ઉચ્ચ કારકિર્દીના સપનામાં યુવકે પોતાનું આખું જીવન અપંગતામાં ધકેલી દીધું છે.