Thu Jan 29 2026

Logo

White Logo

વાસનાકાંડના મૂળમાં હતી નાદાની વત્તા રાજકીય મહત્ત્વાકાંક્ષા...

1 day ago
Author: Mumbai Samachar Team
Video

પ્રફુલ શાહ

કલ્પના કરી જુઓ કે એક શહેરની 100-100 કોલેજિયન યુવતીઓની અશ્લીલ અને અભદ્ર તસવીરો સરક્યુલર થાય એ માનવામાં આવે? એમાંય બધેબધી યુવતીઓ પાછી સારા-ધનવાન ઘરની હોં અને આ સામાજિક ભૂંકપ સમાન અજમેર રેપ સ્કેન્ડલનો સૂત્રધાર નીકળ્યો એક રાજકારણી. 

હા, આ ઘૃણાસ્પદ શર્મનાક કૌભાંડનો માસ્ટર માઈન્ડ હતો ફારુક ચિશ્તી, યુવા કૉંગ્રેસનો અધ્યક્ષ! જાણે કોઈ રાજકીય કાર્યક્રમ ચાલતો હોય એમ આ બળાત્કારકાંડમાં યુવા કૉંગ્રેસનો ઉપ-પ્રમુખ નફિસ ચિશ્તી, મહામંત્રી અનવર ચિશ્તી, ફોટો લેબ ડેવલપર બબલી ઉર્ફે પુરુષોત્તમ (નામ તો જુઓ બદમાશનું!) ઉપરાંત ઈકબાલ ભાટી, સલીમ ચિશ્તી, સોહેલ ગની, જમીર હુસૈન, અલ્માસ મહારાજ, ઈશરત અલી, પરવેજ અંસારી, પૂતન ઈલાહાબાદી ઉર્ફે મોઈજુલ્લાહ, નસીમ ઉર્ફે ટારઝન, કૈલાશ સોની, કલર લેબના માલિક મહેશ ડોલાની, ડ્રાઈવર શંભુ ઉર્ફે મારાડોના અને વધુ એક નેતા જઉર ચિશ્તી હતા ડર્ટી ગેમમાં સામેલ આરોપી.

આરોપીઓની પૂછપરછમાં ભયંકર પુરાવા મળી આવ્યા. જ્યાં જ્યાં આ કુકર્મ કરાયા હતા એ જગ્યા બતાવાઈ. પોલીસે આ ફાર્મહાઉસ કે અન્ય સ્થળોથી ગાદલા, વીડિયો, કેસેટ, કેમેરા, કપડા અને વપરાયેલા કોન્ડોમ સહિતની સામગ્રી જપ્ત કરીને પુરાવા તરીકે રાખવી પડી હતી. જોકે આ કેસની તપાસમાં પોલીસ માટે સૌથી મોટી મુશ્કેલી પીડિતાઓને શોધવાની અને સામે લાવવાની હતી. કેટલીક કુટુંબ છોડી ગઈ હતી, અમુકે શહેરને રામરામ કરી દીધા હતા. મોટાભાગની યુવતીઓ બદનામી અને સમાજની કૂથલીબાજીથી ડરીને હોઠ સીવી લીધા હતા. આમ છતાં પોલીસ પાસે શાંત કે નિષ્ક્રિય રહેવાનો વિકલ્પ નહોતો. ઘટના એટલી શર્મનાક હતી કે કોઈ વર્દીધારી આમાં ગમે તે કારણસર ઢીલ, કચાશ છોડવાના મૂડમાં નહોતો.

સમય વીતતા વધુ ભયાનક આંકડા અને વિગતો બહાર આવતા રહ્યા. હકીકતમાં 11થી 20 વર્ષ (હા, ઉંમર સાચી છે) ની કિશોરી-યુવતીઓ બ્લેકમેઈલ અને સામૂહિક બળાત્કારનો ભોગ બની હતી. બે મુખ્ય આરોપી ફારુક અને નફીસ ચિશ્તી માત્ર યુવા કૉંગ્રેસી નેતા નહોતા પણ અજમેર શરીફ દરગાહની દાયકાઓથી રખેવાળી કરનારા ખાદીમ પરિવારના ફરજંદ હતા.

અધૂરામાં પૂરું, અજમેરમાં કોમી તંગદિલીના સમય દરમિયાન આ કેસ બહાર આવ્યો હોવાનું સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાંચના પોલીસ સુપરિન્ટેડેન્ટ એન. કે. પટણીએ કહ્યું હતું. આથી ઘટના કે તપાસને કોમી રંગ ન અપાય એવી સાવધાની સાથે કામગીરી હાથ ધરવાની હતી ને પાર પાડવાની હતી. એમાંય બળાત્કાર કાંડનો ભોગ બનેલી યુવતીઓ હિંદુ કુટુંબની હતી. તો આરોપીઓ મુસ્લિમ પરિવારના હતા.

1992ના સપ્ટેમ્બરમાં 18 ગુનેગાર સામે આરોપ દાખલ થયા હતા. આમાંથી એકે પોતાને વહેલી સજા આપી: 1994માં આપઘાત કરી લીધો. 2001માં રાજસ્થાન હાઈ કોર્ટે આઠને આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ આગળ જતા ચાર નિર્દોષ છૂટી ગયા હતા. 2007માં ફારુક ચિશ્તી વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ખટલો ચલાવાયો હતો અને ગુનેગાર ઘોષિત કરાયો હતો, પરંતુ 2013માં એ સજા કાપીને જેલમાંથી બહાર આવી ગયો હતો.

અદાલતી કાર્યવાહીમાં સૌથી મોટી અડચણ એ હતી કે આરોપીઓના પરિવાર વગદાર હતા. સામાજિક-રાજકીય સત્તા હતી. આને લીધે પીડિતાઓ કે સાક્ષીઓ માટે આગળ આવવાનું કે જુબાની આપવાનું લગભગ અશક્ય હતું. આ અછડતું નિરીક્ષણ માત્ર નથી પણ રાજસ્થાનના નિવૃત્ત પોલીસ મહાનિયામક ઓમેન્દ્ર ભારદ્વાજે વ્યકત કરેલ સંતાપ છે.

ખુદ સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી કે બદનામી અને ભવિષ્યમાં જોખમને કારણે ઘણી પીડિતા નિવેદન નોંધાવવા આગળ આવી નહોતી. આ કેસને આરોપીની અન્ય ગુનાહિત પ્રવૃત્તિ સાથે ય સાંકળી લેવામાં આવ્યો હતો. આમાં નોંધપાત્ર કેસ 1992માં ખલીલ ચિશ્તીએ અજમેરમાં કરેલી હત્યાનો હતો.

આ કાળા કૌભાંડના મૂળમાં નાદાની અને મહત્ત્વાકાંક્ષા હતા. 1990માં અજમેરની સાવિત્રી સ્કૂલની બારમા ધોરણની વિદ્યાર્થિનીને રાજકારણમાં જોડાવાની ઈચ્છા થઈ. આ માટે તે કૉંગ્રેસમાં જોડાવા માગતી હતી. આ ધ્યેય તેને યુવા કૉંગ્રેસના બદમાશો નફીસ ચિશ્તી અને ફારુક ચિશ્તી સુધી લઈ ગયો. આ બન્નેએ બળાત્કાર કર્યો, ફોટા પાડ્યા બ્લેકમેઈલ કરી અને વધુ શિકારને ફસાવીને લાવવા માટે લાચાર કરી અને એક ભયંકર વાસનાકાંડની શરૂઆત થઈ. (ક્રમશઃ)