Wed Sep 02 2026

Logo

જામનગરમાં વ્યાજખોરોનો વધ્યો ત્રાસ: ₹ 32 લાખના ધિરાણ સામે ₹ 22 લાખ ચૂકવ્યા, છતાં ગીરવે મૂકેલું સોનું વેચી માર્યું

2026-08-06 19:28:12
Author: Devayat Khatana
જામનગરમાં વ્યાજખોરોનો વધ્યો ત્રાસ: ₹ 32 લાખના ધિરાણ સામે ₹ 22 લાખ ચૂકવ્યા, છતાં ગીરવે મૂકેલું સોનું વેચી માર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
જામનગરમાં વ્યાજખોરોની દાદાગીરી સતત વધી રહી છે, ત્યારે વધુ એક પઠાણી વ્યાજખોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં એક વેપારીએ બે શખસ સામે ઊંચા વ્યાજે રૂપિયા આપી, ગેરકાયદે ઉઘરાણી કરી સોનાના દાગીના વેચી નાખવા તેમ જ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસે આ મામલે બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત મની લેન્ડર્સ એક્ટ (ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ) અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ચોપડે નોંધાયેલી પ્રાથમિક માહિતી અનુસાર, ગોકુલનગરમાં રહેતા અને અગાઉ ગ્રેઇન માર્કેટમાં સેલ્સ એજન્સી ચલાવતા 40 વર્ષીય વેપારીએ આરોપી ભરતભાઈ નંદા પાસેથી પોતાની ધંધાકીય જરૂરિયાત માટે હપ્તે હપ્તે કુલ રૂ. 32 લાખ 2 ટકાથી 5 ટકાના ઊંચા વ્યાજે લીધા હતા. 

મુકેશકુમારે જાન્યુઆરી-2023થી ફેબ્રુઆરી-2025 સુધીમાં વ્યાજ પેટે રૂ. 22 લાખ ચૂકવી દીધા હતા અને સિક્યુરિટી પેટે આશરે 620 ગ્રામ વજનના સોનાના 4 બિસ્કિટ, 2 ચેન અને 1 લકી પણ ગીરવે મૂક્યા હતા. 

આમ છતાં, આરોપી ભરતભાઈ નંદાએ ફરિયાદીની જાણ બહાર આ સોનાના દાગીના વેચી નાખી તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. 

આ ઉપરાંત, આ જ ફરિયાદમાં બીજા આરોપી રવિરાજસિંહ ગોહિલ (રહે. પડાણા) સામે પણ ગંભીર આક્ષેપો છે. ફરિયાદીના ભાઈ ઘનશ્યામભાઈએ રવિરાજસિંહ પાસેથી રૂ. 4 લાખ માસિક 5 ટકાના વ્યાજે લીધા હતા. આ રકમ સામે વ્યાજ પેટે રોકડ, ઓનલાઈન ટ્રાન્સફર અને પાન-મસાલાના માલસામાન સ્વરૂપે ચારેક લાખ ચૂકવી દેવાયા હોવા છતાં આરોપીએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

આરોપીએ ફરિયાદીની દુકાનમાંથી રૂપિયા 3 લાખનું ફર્નિચર માત્ર રૂ. 40 હજારમાં ગણીને બળજબરીથી પડાવી લીધું હતું અને વધુ પૈસાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.