Thu Mar 12 2026

Logo

ક્રિકેટમાં જમ્મુ-કાશ્મીરનો સુવર્ણકાળ શરૂ થયો

1 week ago
Author: Ajay Motiwala
Article Image

સ્પોર્ટ્સમૅનઃ અજય મોતીવાલા

જાન હૈ તો જહાન હૈ. જમ્મુ-કાશ્મીર રાજ્યની ક્રિકેટના ખેલાડીઓએ સાત વર્ષમાં કપરા સંઘર્ષનો સામનો કરીને અને બાહોશ અભિગમ સાથે જે સફળતા મેળવી છે એ વિશ્વમાં કોઈ પણ સ્તરની ટીમના ખેલાડીઓએ નહીં મેળવી હોય. 2019માં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં જમ્મુ-કાશ્મીરના અસ્તિત્વમાં અભૂતપૂર્વ પલટો લાવી દીધો, 

જેમાં ખાસ કરીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની દેખરેખમાં કલમ 370 હટાવીને કેન્દ્ર સરકારે આ રાજ્યમાં જે રીતે ખરી મુક્તિનો માહોલ પેદા કર્યો એનો લાભ લઈને રાજ્યના ક્રિકેટરોએ કેન્દ્ર સરકારની નીતિઓની અને સુવિધાઓની મદદથી ક્રિકેટ ટીમનો એટલી હદે વિકાસ કર્યો કે આજે (શનિવારે) આ ટીમ દેશની સર્વોત્તમ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીનું ચૅમ્પિયનપદ પહેલી વખત મેળવવાની તૈયારીમાં છે.

હુબલીમાં કર્ણાટક સામેની રણજી ટ્રોફી ફાઇનલમાં પારસ ડોગરાના સુકાનમાં જમ્મુ-કાશ્મીરની ટીમે પ્રથમ દાવમાં પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના, વિજયકુમાર વૈશાક અને સ્પિનર શ્રેયસ ગોપાલ જેવા બોલર્સની હાજરીમાં 584 રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યો અને પછી કે. એલ. રાહુલ, મયંક અગરવાલ, દેવદત્ત પડિક્કલ તથા કરુણ નાયર જેવા સ્ટાર ખેલાડીઓવાળી કર્ણાટકની ટીમને 293 રનમાં ઑલઆઉટ કરીને 291 રનની તોતિંગ સરસાઈ મેળવી હતી અને એ લીડના જોરે રાજ્યએ ગઈ કાલથી જ ઐતિહાસિક ચૅમ્પિયન બનવાની પાક્કી તૈયારી કરી લીધી હતી.

ક્રિકેટ-લેજન્ડ સૌરવ ગાંગુલીએ ગઈ કાલે જ `એક્સ' પર લખ્યું હતું કે `જમ્મુ-કાશ્મીરે (રાજ્યના ક્રિકેટરોએ) આખી દુનિયાને બતાવી આપ્યું છે કે જો અથાક મહેનત કરવાની ધગશ હોય, મન મક્કમ હોય અને જો સંકલ્પ કર્યો હોય તો ભલભલું હાંસલ થઈ શકે. સમગ્ર પ્રદેશ આ ખેલાડીઓ પર ગર્વ અનુભવે છે. કઠિન સ્થિતિ અને સંજોગો માણસને દૃઢ બનાવે છે.' દાદાનો આ એકેએક શબ્દ જમ્મુ-કાશ્મીરની ક્રિકેટ ટીમના પ્રત્યેક ખેલાડીને લાગુ પડે છે અને તેઓ સમગ્ર દેશ માટે પ્રેરણા બની ગયા છે.

જમ્મુ-કાશ્મીરના કૅપ્ટન પારસ ડોગરાનો જન્મ હિમાચલ પ્રદેશમાં થયો હતો. 1990ના દાયકામાં કાશ્મીર ખીણપ્રદેશમાં આતંકવાદ-પ્રેરિત મુસ્લિમો દ્વારા હિન્દુઓ પર અત્યાચાર શરૂ થયા અને પંડિતોએ ઘર, સ્થાવર મિલકતો સહિત બધું છોડીને દેશમાં અન્યત્ર સ્થાયી થઈ જવું પડ્યું હતું ત્યારે પારસ હજી ટીનેજર હતો. નાનપણથી ક્રિકેટનો ક્રેઝ હોવાથી તેણે એમાં કારકિર્દી બનવાનું નક્કી કર્યું હતું. 

2001માં પહેલાં તેની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દી શરૂ થઈ હતી અને એમાં તે જમ્મુ-કાશ્મીર ઉપરાંત હિમાચલ વતી પણ રમ્યો છે. 2014માં મોદી સરકારે શાસન સંભાળ્યું અને પાંચ જ વર્ષમાં જમ્મુ-કાશ્મીરને આર્ટિકલ 370ની નાગચૂડમાંથી મુક્તિ અપાવી હતી. ત્યાર બાદ આ રાજ્યમાંથી એક પછી એક ક્રિકેટર ડોમેસ્ટિક ક્રિકેટમાં અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં ચમકવા લાગ્યા હતા. 

રાજ્યમાં આતંકવાદ તો હજી પણ છે, પણ અગાઉ એનો જે ખોફ હતો એ માહોલમાં આ રાજ્યના ક્રિકેટરોએ બાહોશ અભિગમ અપનાવી ક્રિકેટની તાલીમ લઈને દેશભરને પોતાની ટૅલન્ટ બતાવવાનું શરૂ કરી દીધું હતું અને હવે ચરમસીમાના રૂપમાં તેઓ રણજી ટ્રોફીના પ્રથમ ટાઇટલની લગોલગ આવી ગયા છે. આ રાજ્યની ટીમ 67 વર્ષથી રણજી ટ્રોફીમાં રમે છે, પણ હંમેશાં આ રાજ્યના ક્રિકેટરોની ગણના ઊતરતા સ્તરની ટીમ તરીકે થતી હતી. હવે તેઓ ડોમેસ્ટિક ક્રિકેટના સર્વોચ્ચ શિખરે પહોંચી રહ્યા છે.                                    

અજય શર્મા કોચ, પારસ ડોગરા કૅપ્ટન: ટીમના અન્ય સિતારાને પણ ઓળખો...

અજય શર્મા યાદ છે? આ બૅટ્સમૅને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખાસ કંઈ સારું પર્ફોર્મ નહોતું કર્યું, પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે ઢગલો રન કર્યા હતા. ભારત વતી 1988થી 1993 દરમ્યાન એક ટેસ્ટ અને 31 વન-ડે રમનાર દિલ્હીના ભૂતપૂર્વ ક્રિકેટર અજય શર્માના કોચિંગમાં જમ્મુ-કાશ્મીરની ટીમ રણજી ટ્રોફીમાં શિખર સુધી પહોંચી છે. અજય શર્મા 61 વર્ષના છે. 

આ રાઇટ-હૅન્ડ બૅટ્સમૅને હિમાચલ પ્રદેશ તથા દિલ્હી વતી ડોમેસ્ટિક મૅચોમાં કુલ મળીને 10,120 રન કર્યા હતા જેમાં તેમની 38 સેન્ચુરી અને 36 હાફ સેન્ચુરી સામેલ હતી. 67.46 તેમની બૅટિંગ-ઍવરેજ હતી જે ભાગ્યે જ ડોમેસ્ટિક ક્રિકેટમાં જોવા મળે. કોચ અજય શર્માને અને તાજેતરમાં જ રણજી ટ્રોફીમાં 10,000 રન પૂરા કરનાર વસીમ જાફર પછીના બીજા બૅટ્સમૅન અને જમ્મુ-કાશ્મીરના કૅપ્ટન પારસ ડોગરાને અગાઉ ઇન્ટરવ્યૂ માટે ભાગ્યે જ કોઈ પત્રકારના કૉલ આવતા હતા. 

2024-'25ની સીઝનમાં જમ્મુ-કાશ્મીરે મુંબઈને હરાવ્યું હતું ત્યારે પણ તેમને આંગળીને વેઢે ગણાય એટલા કૉલ્સ આવ્યા હતા, પણ હવે જમ્મુ-કાશ્મીર રણજી ટ્રોફીની નજીક પહોંચી રહ્યું હતું ત્યારથી તેમને અભિનંદન માટે દરરોજ એટલા બધા કૉલ્સ આવે છે કે વાતચીત કરતા તેઓ થાકી જાય છે. જમ્મુ-કાશ્મીરના રાજકીય તંત્રમાંથી, વહીવટીતંત્રમાંથી તેમ જ ભૂતપૂર્વ ક્રિકેટરોમાંથી અજય-પારસને અગણિત કૉલ આવી ચૂક્યા છે.

29 વર્ષનો ઑકિબ નબી જમ્મુ-કાશ્મીર ટીમનો મુખ્ય બોલર છે. તેણે 41 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં 150થી વધુ વિકેટ લીધી છે તેમ જ 1,000 જેટલા રન કર્યા છે. સેમિ ફાઇનલમાં તેણે પશ્ચિમ બંગાળના મોહમ્મદ શમી જેવા સફળ આંતરરાષ્ટ્રીય બોલરને પણ ઝાંખો પાડી દીધો હતો. સૌરવ ગાંગુલીએ ગઈ કાલે જ કહ્યું કે `ઑકિબ મોડા વહેલો ભારતીય ટીમમાં જોવા મળશે.'

જમ્મુ-કાશ્મીરને રણજી ટ્રોફીની નજીક પહોંચાડનાર ટીમમાં કેટલાક હિન્દુ તો કેટલાક મુસ્લિમ ખેલાડી છે. પારસ ડોગરા અને ઑકિબ નબી ઉપરાંત ટીમના બીજા સફળ ખેલાડીઓમાં ઓપનર કામરાન ઇકબાલ, યાવર હાસન, શુભમ ખજુરિયા, શુભમ પુંડીર, અબ્દુલ સમદ, વિકેટકીપર કનૈયા વાધવાન, સાહિલ લોત્રા, આબિદ મુશ્તાક, યુધવીર સિંહ, સુનીલ કુમાર, વંશજ શર્માનો સમાવેશ છે