(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ખેંચાઇ રહેલા વરસાદ તો અનેક જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ દયનીય બની છે, ત્યારે આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર સામે મોરચો માંડવાની જાહેરાત કરી હતી. દ્વારકા, જામનગર અને પોરબંદર સહિતના અછતગ્રસ્ત વિસ્તારોને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે તેઓ આવતીકાલ એટલે કે 29 ઓગષ્ટથી દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા ખાતે અનિશ્ચિત મુદ્દતના 'દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ' પર બેસવાની જાહેરાત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલીના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતમાં નહીંવત્ વરસાદને કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને માત્ર 25 ટકા જેટલો જ પાક બચ્યો છે. નિયમો મુજબ સરકારે આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ, પરંતુ સરકાર સંવેદનહીન બની ગઈ છે.
"દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ"
— AAP Gujarat (@AAPGujarat) August 28, 2026
ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં જરૂરિયાત કરતાં ઓછો વરસાદ થયો છે, એ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ગુજરાતનું સૌથી મોટું આંદોલન કરશે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, ખેડૂતોને ન્યાય મળે એ માટે "દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ" પર બેસશે.
🗓️ 29… pic.twitter.com/iPh0tl9FmU
સૌની યોજનાનું પાણી પણ છોડવામાં આવતું નહીં હોવાથી ખેડૂતોની સાથે પશુપાલકો પણ ઘાસચારાની અછતનો સામનો કરી રહ્યા છે. સેંકડો ખેડૂતોની વ્યથા સાંભળીને જ તેમને ન્યાય અપાવવા માટે આ આંદોલનનું શસ્ત્ર ઉગામવાની ફરજ પડી છે, તેવો દાવો તેમણે કર્યો હતો.
આ સત્યાગ્રહ અંગે વાત કરતા ગઢવીએ તમામ ખેડૂતોને રાજકીય પક્ષ, જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ ભૂલીને એક થવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, "મને ખેડૂતોએ તેમને જે પ્રેમ આપ્યો છે, તેનું ઋણ ચૂકવવા જ તેઓ રાજકારણમાં આવ્યા છે.
તેમણે આશંકા પણ વ્યક્ત કરી હતી કે કેટલાક તત્વો આ આંદોલનને તોડવાનો પ્રયાસ કરશે, પરંતુ ખેડૂતોએ અડીખમ રહીને એકતા બતાવવી પડશે, જ્યાં સુધી સરકાર અછતગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય ન આપે, ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાનો તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ આંદોલન આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી શકે છે, તેવી ચર્ચા રાજકીય નિષ્ણાતો કરી રહ્યા છે.