Fri May 01 2026

Logo

યુપી પોલીસનો મોટો ખુલાસો: ISI જાસૂસી રેકેટનો પર્દાફાશ, 11 આરોપીની ધરપકડ....

2026-03-20 19:17:25
Author: Mumbai Samachar Team
Article Image

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ પોલીસે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI સાથે જોડાયેલા એક સૌથી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં કુલ 11 આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓએ દિલ્હી અને સોનિપત રેલવે સ્ટેશન પર CCTV કેમેરા લગાવીને ભારતીય સૈન્યની લાઈવ જાણકારી પાકિસ્તાન મોકલવા યોજના બનાવી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં મુખ્ય માસ્ટરમાઈન્ડ સુહૈલ મલિક અને મહિલા સાને ઈરમ નેટવર્કનું સંચાલન કરી રહ્યા હતા. 

11 આરોપીની પૂછપરછ
આ કેસમાં જે 11 આરોપી પકડાયા છે એની પૂછપરછ કરવામાં આવશે અને કોનો શું રોલ હતો એ સ્પષ્ટ થશે. આરોપી નૌશાદ અલી અને સમીરની તપાસ ચાલું છે. પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સના ઈશારા પર ભારતીય સૈન્યની જાસૂસીની યોજના બનાવી હતી. તપાસમાંથી એ વાત સામે આવી છે કે, દિલ્હી અને સોનિપત રેલવે સ્ટેશન સામે CCTV લગાવીને લાઈવ ફીડ પાકિસ્તાન મોકલવાની યોજના બનાવી હતી. આ કેમેરાના માધ્યમથી સૈન્ય મૂવમેન્ટ, હથિયાર અને અન્ય સંવેદનશીલ જાણકારી પણ મોકલી હતી. જાસૂસી નેટવર્કનું સંચાલન સુહૈલ મલિક ઉર્ફે રોમિયો, નૌશાદ અલી અને સમીર ઉર્ફે શુટર કરી રહ્યા હતા.

છુપાવેલા કેમેરા જપ્ત કર્યા
સુહૈલ આ કેસમાં માસ્ટરમાઈન્ડ છે, જ્યારે ઈરમ નેટવર્કને ઑપરેટ કરી રહી હતી. પૂછપરછમાંથી એ વાત જાણવા મળી છે કે, આ નેટવર્કનો વિસ્તાર ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, મહારાષ્ટ્ર અને નેપાળ સુધી ફેલાયેલો હતો.આરોપીઓએ રેલવે સ્ટેશન અને સુરક્ષા પ્રતિષ્ઠાનના લાઈવ તથા અન્ય વિડિયો તથા જીપીએસ લોકેશન વિદેશમાં બેઠેલા હેન્ડલર્સને મોકલ્યા હતા.આ માટે મોબાઈલ ફોનમાં એક ખાસ પ્રકારની એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવામાં આવી હતી. આ અંગેની ટ્રેનિંગ પાકિસ્તાનમાં બેઠેલા આકાએ આપી હતી. કેટલાક આરોપીઓએ દિલ્હી કેન્ટ અને સોનીપત રેલવે સ્ટેશન પર કેમેરા છુપાવીને લગાવી દીધા હતા.આ કેમેરા પોલીસે જપ્ત કરી લીધા છે. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, વિડિયોમાં કેટલાક સંવેદનશીલ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. 

SITની તપાસમાંથી ખુલશે અન્ય ખુલાસા
જાસૂસી નેટવર્કમાં ભારતીય મોબાઈલ નંબરના ઓટીપી વિદેશ મોકલવામાં આવતા હતા. સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સમગ્ર નેટવર્ક ઓપરેટ થતું હતું. આ માટે આરોપીને 500થી 5000 રૂપિયા મળતા હતા. સિમકાર્ડ મેળવવા માટે સ્નેચિંગ અથવા પરિવારજનોના અન્ય નામથી સિમ લેવામાં આવતા હતા, જ્યારે આ તમામ વસ્તુનું પેમેન્ટ યુપીઆઈથી થતું હતું.પૈસા સીધા ખાતામાં જમા થવાના બદલે અન્ય કોઈ રીતે લેવામાં આવતા. પોલીસ હવે આ કેસમાં આગળની તપાસ કરી રહી છે. સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમે તપાસ શરૂ કરી દીધી છે