લખનઊઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના યુવાન લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર આકાશ સિંહે શુક્રવારે આ વખતની ટૂર્નામેન્ટમાં પહેલી જ વખત રમવા મળ્યું અને ચેન્નઈ સુપર કિંગ્સની ઇનિંગ્સમાં પહેલી ત્રણેય વિકેટ લઈને તરખાટ મચાવી દીધો, પરંતુ વિકેટ સેલિબ્રેટ કરવાની તેની સ્ટાઇલ કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓને નથી ગમી અને તેમણે આ પ્રકારના સેલિબ્રેશન પર પ્રતિબંધ મૂકી દેવી જોઈએ એવું મંતવ્ય આપ્યું છે.
વાત એવી છે કે આઇપીએલમાં બે સીઝનથી પેપર-નોટ સેલિબ્રેશનનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. પોતાની ઉપલબ્ધિથી આનંદના આવેશમાં આવીને ખેલાડી ખિસ્સામાંથી એક કાગળ કાઢે છે અને એમાં લખેલી વિગતો કૅમેરા સામે રાખીને પેપર-નોટ સેલિબ્રેશન કરે છે. આ પ્રકારના સેલિબ્રેશનની શરૂઆત 2025ની આઇપીએલમાં હૈદરાબાદના અભિષેક શર્માએ કરી હતી. તેણે મહત્ત્વની ઇનિંગ્સ રમ્યા બાદ ખિસ્સામાંથી ચબરખી કાઢીને બતાવી હતી. આ વર્ષે મુંબઈ ઇન્ડિયન્સના રઘુ શર્મા અને ચેન્નઈ સુપર કિંગ્સના ઉર્વિલ પટેલે પણ આવું કર્યું. આકાશ સિંહે શુક્રવારની મૅચ પછી કહ્યું, `મને આ પ્રકારના સેલિબ્રેશનથી મૉટિવેશન મળે છે. હું માનસિક દબાણમાં બોલિંગ કરતો હોઉં ત્યારે વિકેટ લીધા બાદ આવું સેલિબ્રેશન કરીને મારો આત્મવિશ્વાસ વધી જાય છે.'
દરેક વિકેટ પછી આકાશનું નોટ-સેલિબ્રેશન
શુક્રવારે બન્યું એવું કે આકાશ સિંહે ચેન્નઈની પહેલી ત્રણેય વિકેટ લીધા બાદ ખિસ્સામાંથી ચબરખી કાઢીને ઊંચો હાથ કરીને બતાવી હતી. એમાં લખ્યું હતું, `અક્કી ઑન ફાયર...ટી-20 ક્રિકેટમાં વિકેટો કેવી રીતે લેવી એ આકાશ સારી રીતે જાણે છે.' આકાશ સિંહે ઋતુરાજ ગાયકવાડ (13 રન), સંજુ સૅમસન (20 રન) અને ઉર્વિલ પટેલ (છ રન)ની વિકેટ લીધી હતી. તેણે કુલ ચાર ઓવરમાં ફક્ત 26 રનના ખર્ચે ત્રણ વિકેટ લીધી હતી.
Akash Singh brings the heat & CSK's openers are back in the dugout! 🔥
— Aman Sharma (@amancrick_news) May 15, 2026
PS: Another note makes an appearance in the celebrations! 📝#LSGvsCSK pic.twitter.com/qiftFzMZvg
કોચ લૅન્ગરને ખબર જ નહોતી!
ખુદ લખનઊની ટીમના હેડ-કોચ જસ્ટિન લૅન્ગરને ખબર નહોતી કે આકાશ સિંહ દરેક વિકેટ લીધા પછી આવું (ચબરખી ખિસ્સામાંથી કાઢીને સેલિબ્રેશન) કરવાનો છે. લૅન્ગરે કૉમેન્ટેટરને સંકેત આપ્યો હતો કે તે આ વિશે આકાશ સિંહ સાથે વાતચીત કરશે.
પેપર-નોટ સેલિબ્રેશન વિશે કોણે ટીકા કરી?
ડેલ સ્ટેનઃ આ પ્રકારના સેલિબ્રેશન કદી કોઈને નથી ગમ્યા અને ક્યારેય આ પ્રકારની ઉજવણી લોકપ્રિય નથી થઈ. શા માટે (આકાશ સિંહે) ત્રણ-ત્રણ વખત આવું સેલિબ્રેશન કર્યું? આ પ્રકારનું સેલિબ્રેશન બંધ થવું જોઈએ.
મિચલ મૅક્લેનઍગનઃ હું આકાશ સિંહ માટે કહેવા માગું છું કે ભાઈ, તું હજી માંડ ચાર મૅચ રમ્યો છે ત્યાં આ રીતે પેપર-નોટ સેલિબ્રેશન કરવા લાગ્યો છે તો મારે જાણવું છે કે તું એ ચબરખી કોને બતાવવા માગતો હતો? આ પ્રકારનું સેલિબ્રેશન ફરી કદી નહીં કરતો. આ બહુ હાસ્યાસ્પદ લાગે છે.
અંબાતી રાયુડુઃ પેપર-નોટ સેલિબ્રેશન ખૂબ હાસ્યાસ્પદ અને વાહિયાત છે. હું તો કહું છું કે ખેલાડીઓને ખિસ્સામાં કાગળની ચબરખી રાખવાની છૂટ જ ન આપવી જોઈએ.