પ્રફુલ શાહ
નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડના ખાટલામાં મુખ્ય આરોપી અબ્દુલ કરીમ તેલગીને દોષિત ઠેરવીને સજા થઈ એ બરાબર છતાં આ મામલાની ઘણી હકિકત વિચારતા કરી મૂકે એવી છે.
છેક 1991-92થી તેલગીએ નકલી સ્ટેમ્પ પેપરનું નેટવર્ક ઊભું કરવાનું શરૂ કર્યું અને 1995-2000માં દેશના અનેક રાજ્યોમાં નકલી સ્ટેમ્પ પેપરનું વેચાણ મોટા પાયે ફેલાયું. છતાં કેમ કોઇને ક્યાય ગંધ ન આવી? કુછ તો ગરબડ હૈ.
આખરે 2001માં કર્ણાટક પોલીસે તેલગીની ધરપકડ કરી. મહારાષ્ટ્રમાં એનો કાળો કારોબાર જોરદાર ચાલતો હતો તો કાર્યદક્ષતામાં સ્કોટલેન્ડ પોલીસની સમકક્ષ મનાતી મુંબઈ પોલીસને કેમ ગંધ સુધ્ધાં નહિ આવી હોય? એ તો પછી તપાસમાં ઘટસ્ફોટ થયો અને એનો વ્યાપ મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યો સુધી વિસ્તર્યો, નહિતર ઘણાના મુખવટા હટ્યા ન હોત.
2003માં તપાસ માટે વિશેષ તપાસ ટીમ અને અન્ય એજન્સીઓ સક્રિય થઈ. તેલગી કૌભાંડમાં કુલ મળીને અંદાજે 150થી વધુ લોકો સામે કેસ નોંધાયા અને 100થી વધુ જણની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તમામ આરોપીઓ દોષિત ઠર્યા નહોતા; ઘણા કેસોમાં પુરાવા, અપીલો અથવા અન્ય કાનૂની કારણોસર પરિણામો અલગ રહ્યા. પરંતુ બરાબરનો ભીંસમાં આવવાથી નાછુટકે 2006- 2007માં તેલગીએ અદાલતમાં ગુનો કબૂલ કર્યો. તેને 30 વર્ષની સજા અને ₹200 કરોડથી વધુનો દંડ ફટકારાયો.
2007-2017 વચ્ચે તેલગીકાંડના વિવિધ કેસોમાં પોલીસ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ અને સહયોગીઓ સામે ચુકાદા આવ્યા હતા. 2017માં બેંગલુરુની જેલમાં તેલગીનું અવસાન થયું. નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડમાં દોષિત મુખ્ય આરોપી અબ્દુલ કરીમ તેલગી ઉપરાંત તેને મદદ કરવા બદલ પોલીસ ઓફિસર પ્રદીપ સાવંતને પણ અદાલતે તકસીરવાર ઠેરવ્યા હતા. સ્ટેમ્પ અને રજિસ્ટ્રેશન વિભાગના અનેક અધિકારીઓને પણ વિવિધ કેસોમાં ગુનેગાર જાહેર કરવામાં ઠેરવવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક પોલીસ અધિકારીઓને પણ પુરાવાના આધારે સજા થઈ હતી.
કૌભાંડની તપાસ દરમિયાન કેટલાક વરિષ્ઠ અધિકારીઓના નામ ચર્ચામાં આવ્યા હતા, પરંતુ મોટા આઇ.એ.એસ. કે અથવા આઇ.પી.એસ. અધિકારીઓને તેલગી કૌભાંડમાં અદાલતે દોષિત જાહેર કર્યા નહોતા.
આ મામલાની તપાસ અને મીડિયા અહેવાલોમાં અમુક નેતાઓનાં નામ સામે આવ્યા હતા. અમુકની પૂછપરછ થઈ હતી, પરંતુ કોઈ મોટા રાજકીય નેતાને આ કૌભાંડમાં અદાલતે દોષિત ઠેરવ્યા નહોતા.
આમ છતાં નિશંકપણે તેલગી કૌભાંડની સૌથી મોટી ખાસિયત એ હતી કે આ માત્ર નકલી સ્ટેમ્પ પેપર છાપવાનો ગુનો નહોતો; તે ભ્રષ્ટાચાર, રાજકીય સંરક્ષણ, પોલીસની મિલિભગત અને વહીવટી ખામીઓનું વિશાળ જાળું હતું.
પોલીસ અને અધિકારીઓની મિલિભગત ઉડીને આંખે વળગે એવી હતી. તપાસમાં બહાર આવ્યું કે કેટલાક પોલીસ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓએ તેલગીને દરોડાની અગાઉથી માહિતી આપી, એની વિરુદ્ધ કાર્યવાહી અટકાવી અને પુરાવા નષ્ટ કરવામાં મદદ કરી અને બદલામાં લાંચ લીધી. કેન્દ્રિય તપાસ સંસ્થા સી.બી.આઈ. ઉપરાંત કર્ણાટકની વિશેષ તપાસ ટૂકડી, મહારાષ્ટ્ર પોલીસ, કર્ણાટક પોલીસ અને વિવિધ રાજ્યોની ગુના શાખાઓ જોતરાઇ હતી.
આ મહાકૌભાંડ બાદ ભારતમાં સ્ટેમ્પ પેપરની વ્યવસ્થામાં મોટા સુધારા કરવામાં આવ્યા હતા. આને પગલે ઈ-સ્ટેમ્પિંગને પ્રોત્સાહન મળ્યું હતું. (ક્રમશ:)