Wed Jun 17 2026

Logo

ફારુક અબ્દુલ્લાહ સહિતના મહાનુભાવો ખોટી રીતે જમીન લેનારાઓની યાદીમાં

2026-06-17 07:57:51
Author: પ્રફુલ શાહ
Article Image

પ્રફુલ શાહ

જમ્મુ અને કાશ્મીર સ્ટેટ લૅન્ડ (વેસ્ટિંગ ઑફ ઓનરશિપ ટુ ઑક્યુપન્ટ્સ) ઍક્ટ લાવવા પાછળ હતો ઉમદા હેતુ. ગેરકાયદે જમીન પર કબજો જમાવનારાઓ પાસેથી અમુકતમુક ભાવ વસૂલીને એ રકમનો ઉપયોગ ગામડાંમાંવીજળી પૂરી પાડવી. કોઈક ઘર સદીઓ બાદ ઝળહળતાં થવાનાં હતાં ને બર્ફીલા જીવનમાં ઉષ્મા ઉમેરવાની હતી પણ હાય રે જન્મોજન્મના ભૂખ્યા એવા ભુંડાજનો... 

આમાંય કલ્પના ન કરી શકાય સ્કૅમબાજી થઈ. રાજ્યના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (કેગ-કમ્પટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ)એ જ ગેરરીતિની નોંધ લીધી. લાંબી અને વિવિધ તપાસમાં ભારે ગોટાળા થયાનું સાબિત થયું. અંતે 9 ઑક્ટોબર 2020ના દિવસે જમ્મુ અને કાશ્મીર હાઈ કોર્ટે આ કાયદા તથા તેની શરૂઆતથી કરવામાં આવેલી તમામ જમીન ફાળવણીઓને ‘શૂન્ય અને અમાન્ય’ તથા ‘ગેરબંધારણીય’ ‘અસંવિધાનિક’ જાહેર કર્રી હતી. 

કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુલામ નબી આઝાદ સરકારે 2007માં બનાવેલા નિયમોને કોઈ કાયદાકીય મંજૂરી મળેલી હોવાનું દેખાતું નથી. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે તે છ મહિનામાં આ યોજના હેઠળ ફાળવાયેલી જમીન પાછી મેળવશે. યોજનાનો લાભ લેનાર તમામ લોકોની ઓળખ જાહેર કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. 

આટલું જ નહિ, 22 ઑક્ટોબર 2020ના રોજ જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રે આ કાયદાનો લાભ લેનારા પ્રધાનો, ધારાસભ્યો, અમલદારો, પોલીસ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, વેપારીઓ, અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓ અને તેમના સંબંધીઓની સંપૂર્ણ વિગતો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો, પણ મોટા માથા આવું કરે ખરા? 

આનો જવાબ મળ્યો 24 નવેમ્બર 2020ના રોજ. ખુદ ભારતના કેન્દ્રીય કાયદા પ્રધાન રવિ શંકર પ્રસાદે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાહ પણ રોશની ઍક્ટના લાભાર્થીઓમાં સામેલ હતા. આ યાદીમાં અન્ય લોકોમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ નાણાં પ્રધાન હસીબ દ્રાબુ, કૉગ્રેસ નેતા મજિદ વાની, ભૂતપૂર્વ પ્રધાન અને એનસી નેતા સજ્જાદ કિચલૂ તથા ભૂતપૂર્વ જેકે બૅન્ક અધ્યક્ષ એમ. વાય. ખાનનો સમાવેશ થતો હતો. બોલો, શું કહેવું આવા લોકો માટે? 

જમ્મુ અને કાશ્મીરના રોશની ઍક્ટ કૌભાંડ, રોશની લૅન્ડ સ્કૅમ તરીકે ઓળખાતી આ ગોબાચારીમાં બડે લોકોએ અંદાજે 25000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હતો. તેમાં રાજ્ય કાયદાની જમીનની આડમાં સરકારી અને વનજમીનની માલિકી વગદાર વ્યક્તિઓ, રાજકારણીઓ અને અમલદારોને ગેરકાયદે સોંપવામાં આવી હોવાના આક્ષેપ કરાયા હતા.

કેવી રીતે આચરાયું આ કૌભાંડ એ પણ જોઈએ. આ કાયદાના ન્યાયી, તટસ્થ અને પારદર્શક અમલ માટે રચાયેલી સ્થાયી સમિતિઓએ મનસ્વીપણે કિંમત નિર્ધારણ કર્યું. જમીનની કિંમત ખૂબ ઓછી અથવા નામમાત્ર રાખી કે જેથી રાજકારણીઓ, પ્રભાવશાળી વેપારીઓ અને અમલદારોને ઇરાદાપૂર્વક મોટોમસ લાભ મળી શકે.

એટલે જ તો આ કાયદા હેઠળ 25,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની નેમ સામે 2007થી 2013 વચ્ચે સરકારે માત્ર 76 કરોડ રૂપિયા જ વસૂલ કર્યા. મૂલ્યવાન જમીનનો મોટો હિસ્સો શંકાસ્પદ રીતે ‘કૃષિ જમીન’ તરીકે ખૂબ ઓછી કે શૂન્ય કિંમતમાં હસ્તાંતર કરવામાં આવ્યો. આ કૌભાંડના પ્રતાપે તોતિંગ આવકનું નુકસાન થયું હતું. 

પ્રભાવશાળી વ્યક્તિઓ અને કેટલાક કિસ્સાઓમાં ન્યાયિક અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓએ પણ આવક વિભાગના અધિકારીઓ સાથે મળીને અયોગ્ય ખાનગી પક્ષોને વનજમીન અને વિકાસ સત્તામંડળની પ્રીમિયમ જમીનની માલિકી ગેરકાયદે રીતે અપાવી હતી. આમાં સોનામહોર જેવી ગુલમર્ગ એસ્ટેટની કીમતી જમીન પણ અપાઈ હતી. 

પછી શું થયું? રેકૉર્ડમાં હેરફેર કરવા બદલ અનેક અધિકારીઓ, રાજકારણીઓ અને ખોટા લાભાર્થીઓ સામે અનેક પોલીસ ફરિયાદ નોંધાઈ અને... હા, રોશનીના સાચા હકદાર અંધારામાં જ રહ્યા એ કહેવાની જરૂર ખરી?   (સંપૂર્ણ)