પ્રફુલ શાહ
1991-1992નો પામોલિન આયાત કૌભાંડ (પામોલિન કેસ કે પામોલિન ભ્રષ્ટાચાર કેસ) કેસ ધારણા બહુ લાંબા સમય સુધી ચાલ્યો હતો. આ કૌભાંડના સમયે સત્તારૂઢ સંયુક્ત લોકતાંત્રિક મોરચા (યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ-યુ. ડી. એફ.)સરકારના મોભી અને વરિષ્ઠ કૉંગ્રેસી નેતા કે. કરુણાકરણે કેરળ હાઈ કોર્ટ અને પછી ભારતના સુપ્રીમ કોર્ટમાં રિટ અરજીઓ અને અપીલો દાખલ કરી. તેમનો દાવો હતો કે આ કેસ દુર્ભાવના પ્રેરિત છે. અંતે ઓગસ્ટ 2007માં તેમણે સુપ્રીમ કોર્ટથી સ્ટે ઓર્ડર મેળવ્યો. આ અપીલ ડિસેમ્બર 2010માં કરુણાકરણનના અવસાન સુધી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ પડી રહી હતી.
આખો મામલો ઊડતી નજરે જોઈએ. તપાસ એજન્સીની ચાર્જશીટ અનુસાર વિપક્ષે પામોલિનની આયાત પર આક્ષેપ કર્યા હતા. આ કૌભાંડના મામલામાં મુખ્ય પ્રધાન કરુણાકરણ અને તત્કાલીન ખાદ્ય સચિવ પી. જે. થોમસ સહિત સાત અન્ય લોકો સામે વિજિલન્સ કેસ દાખલ થયો. કરુણાકરણે દાખલ કરેલી સ્પેશિયલ લીવ પિટિશનના આધારે સુપ્રીમ કોર્ટે તેમના વિરુદ્ધની કાર્યવાહી સ્થગિત કરી હતી. ડિસેમ્બર 2010માં કરુણાકરણના મૃત્યુ પછી કોર્ટએ તેમના વિરુદ્ધની કાર્યવાહી સંપૂર્ણપણે બંધ કરી. થોમસને તો 2003માં જામીન મળ્યા.
2011ના માર્ચમાં આ કેસ ફરી ખોલવામાં આવ્યો. ઓગસ્ટ 2011માં કરુણાકરણના કેબિનેટના તત્કાલીન નાણાં પ્રધાન અને કેરળના મુખ્યમંત્રી તરીકે ઊમ્મેન ચાંડીને પણ નવી તપાસમાં સામેલ કરવામાં આવ્યા હતા.
રસપ્રદ બાબત એ હતી કે ચાંડી કેસમાં 23મા સાક્ષી બન્યા હતા. આ એ નેતા હતા કે જે પામોલિન કૌભાંડ પર્દાફાશ થયાના પ્રારંભમાં કરુણાકરણ વિરુદ્ધ રાજ્ય કૉંગ્રેસમાં એ. કે. એન્ટોનીએ ચલાવેલા આંતરિક અભિયાનના નેતા તરીકે જાણીતા હતા. કોઈ મોટાગજાના નેતાનો પગ કૌભાંડના કુંડાળામાં પડ્યો હોવાનું બહાર આવે એટલે પક્ષની અંદરના વિરોધીઓ ગેલમાં આવી જાય ને સત્તા મેળવવા લાળ પાડવા માંડે એ સ્વાભાવિક છે.
કોર્ટે આદેશ આપ્યો હતો કે વિજિલન્સ અને એન્ટી-કરપ્શન બ્યુરોને 2011ની 10 નવેમ્બર સુધીમાં તપાસ અહેવાલ રજૂ કરી દે.
આ બહુ ગાજેલા કેસમાં આરોપીઓ તરીકે એ સમયના મુખ્ય પ્રધાન કે. કરુણાકરણ, પૂર્વ ખાદ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન એચ. મુસ્તફા, કરુણાકરણના નજીકના સહયોગી એફ. ટી. એચ. મુસ્તફા, પૂર્વ મુખ્ય સચિવ એસ. પદ્મકુમાર (જેમણે કરુણાકરણ સાથે મળીને ઓક્ટોબર 1991માં નવી દિલ્હીમાં સિંગાપુરની કંપનીના પ્રતિનિધિ સાથે અનૌપચારિક રીતે સોદા પર સહમતી આપી હોવાનો આરોપ હતો), પૂર્વ એડિશનલ ચીફ સેક્રેટરી ઝકારિયા મથ્યુ, જિજી થોમસન, કેરળ સ્ટેટ સિવિલ સપ્લાયઝ કોર્પોરેશનના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શિવરામકૃષ્ણન અને પાવર એન્ડ એનર્જી લિમિટેડના ડિરેક્ટર પી. જે. થોમસ.
કૌભાંડ કેસ રાજકીય હતો અને મોટા માથાની સંડોવણી હતી. આથી વિલંબ અને વિવાદ ન થાય તો જ નવાઈ. આમાં આંચકાજનક વિચિત્રતા એ હતી કે મુખ્ય વિજિલન્સ કમિશનર થોમસ ખુદ કેસમાં આરોપી હતા. આવું થઈ કેવી રીતે શકે? આ મામલે ભારે હોબાળો મચ્યો હતો. આખરે 2011ની ત્રીજી 3 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે તેમને પદ છોડવા કહ્યું કારણ કે તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ બાકી હતો.
માર્ક્સવાદી-સામ્યવાદી પક્ષના વરિષ્ઠ નેતા વી. એસ. અચ્યુતાનંદન અને ભૂતપૂર્વ અમલદાર તથા વિધાનસભ્ય કે.જે. અલ્ફોન્સે દાખલ કરેલી અરજીના જવાબમાં 2013ની 25મી જૂને કેરળ હાઈ કોર્ટએ ઊમ્મેન ચાંડીને નિર્દોષ જાહેર કર્યા. 2016ની 16મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે પણ અચ્યુતાનંદનની અરજી નકારી અને જણાવ્યું કે તમે માત્ર રાજકીય લાભ માટે કેસ ખેંચી રહ્યા છો.
પુરાવા તરીકે પામોલિન તેલ કૌભાંડ મજબૂત સત્તાવાર દસ્તાવેજો, અહેવાલો અને કાનૂની રેકોર્ડથી સમર્થિત હતું. આના વિવાદના રાજકીય પરિણામરૂપે ઉચ્ચ સ્તરીય અધિકારીઓનાં રાજીનામાં આવ્યાં હતાં અને રાજકીય જવાબદારી અને પારદર્શિતાના મુદ્દા પર જબરી ચર્ચા ઊભી કરી હતી.
આની અસર શું અને કેટલી?
પામોલિન તેલ કૌભાંડ ભારતની જાહેર ખરીદી પ્રણાલીની પડકારો, સંસ્થાગત નિયંત્રણોની નબળાઈ અને કાનૂની સુધારાની ધીમી ગતિનું પ્રતીક સાબિત થયું હતું. આ કૌભાંડમાં કેરળ સરકારે નિયમિત પ્રક્રિયાઓને અવગણીને રાજ્યને આર્થિક નુકસાન પહોંચાડયું હતું.
આ કેસમાં સામેલ કે સંડોવાયેલા લોકોના જીવન, પ્રતિષ્ઠા અને કારકિર્દી પર માઠી અસર પડી પણ પ્રજાને સમજમાં આવે કે સંતોષ થાય એવા પરિણામ હાથ લાગ્યા નહોતા. (સંપૂર્ણ)