નિલેશ વાઘેલા
આજે જ્યારે આખું જગત પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એક યા બીજા યુદ્ધથી ઘેરાયેલું છે ત્યારે વ્યક્તિગત દેશના નહીં બલકે સમગ્ર વિશ્વના અર્થતંત્ર સામે સંકટ ઊભું થઇ ગયું છે. એક થીયરી એમ પણ કહે છે કે અમેરિકા કે ટ્રમ્પએ ઇરાનના યુરેનિયમ કે ન્યુક્લિઅર માટે નહીં પરંતુ તેના ધૂળ ખાઇ રહેલા શસ્ત્રો માટે યુદ્ધ શરૂ કર્યું છે. યુદ્ધ થાય એટલે શસ્ત્ર સંરજામનું વેચાણ સ્વાભાવિક રીતે વધવાનું જ છે!
આજનો વિષય પણ એ જ મુદ્દે છે, જોકે વાત ભારતની અને ડિફેન્સ સાથે સંકળાયેલી ભારતીય કંપનીઓની છે. જાણીને આશ્ચર્ય થશે, પરંતુ ડીફેન્સ ક્ષેત્રમાં આજે અનેક ખાનગી કંપનીઓ કાર્યરત છે અને તેઓ ભારતીય સશસ્ત્ર દળોને લશ્કરી સાધનો, શસ્ત્રો, રીવોલ્વરની બુલેટ્સ, રાઇફલ, ગન મશીન, મિસાઇલથી માંડીને યુદ્ધમાં વાપરવાના ડ્રોન અને અન્ય ડ્રોન પૂરી પાડવા સાથે તેની વિદેશમાં પણ નોંધપાત્ર નિકાસ કરે છે.
ભારતીય સંરક્ષણ ક્ષેત્રની કંપનીના શૅરોના ભાવમાં વાર્ષિક ધોરણે સરેરાશ 67 ટકાનો તોતિંગ વધારો થયો છે, જેમાં 18 કંપનીઓના સંયુક્ત બજાર મૂડીકરણમાં આશરે 2.3 ટ્રિલિયન રૂપિયાનો જબ્બર વધારો નોંધાયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને ઓપરેશન સિંદૂર પછી ડિફેન્સ સેકટરમાં રોકાણકારોની જાગેલી નવી રુચિ બાદ પશ્ર્ચિમ એશિયામાં સર્જાયેલી અસ્થિરતા સહિતના વૈશ્વિક ભૂરાજકીય તણાવમાં વધારો થવાને કારણે આ તેજી આવી છે.
નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ ઉપરોક્ત સમયગાળા દરમિયાન 32 ટકા વધ્યો હતો, જેણે નિફ્ટી 50, નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલ કેપ 100 જેવા બેન્ચમાર્ક ઇન્ડેક્સને પાછળ છોડી દીધા હતા. ડિફેન્સ સ્ટોક્સની આ તેજી પાછળ સરકારની સ્વદેશીકરણ અને આત્મનિર્ભરતા પર ભાર મૂકનારી નીતિ, બજેટ ફાળવણી અને નિકાસલક્ષી અભિગમ કારણભૂત છે.
અખાતી દેશોમાં હજુ પણ ગમે ત્યારે યુદ્ધ ભભૂકવાની સંભાવના છતાં તાજેતરમાં કેટલાક ડિફેન્સ સ્ટોક્સમાં ઝડપી ઘટાડો પણ જોવા મળ્યો હોવાથી કેટલાક વિશ્ર્લેષકો ભવિષ્યમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને ચેતવણી પણ આપી રહ્યા છે, પરંતુ સ્વદેશીકરણ, મજબૂત ઓર્ડર પાઇપલાઇન્સ અને નિકાસ ક્ષમતાને કારણે લાંબાગાળાનું ભવિષ્ય સકારાત્મક જણાય છે.
વાસ્તવમાં ખાસ કરીને ઓપરેશન સિંદૂર પછી સંરક્ષણ ક્ષેત્રમાં નવી રુચિ જાગૃત થવા સાથે વૈશ્ર્વિક ભૂરાજકીય તણાવમાં વ્યાપક વધારો થવાથી પાછલા 12 મહિનામાં ડિફેન્સ સેગમેન્ટના શૅરોમાં રોકાણકારોનું આકર્ષણ વધ્યું હોવાથી ઉક્ત 18 સ્ટોક્સના શૅરોમાં વાર્ષિક ધોરણે સરેરાશ 67 ટકાનો વધારો નોંધાયો છે.
આ પેકમાંના એક શૅરમાં તો 355 ટકા, બીજા શૅરમાં 172 ટકા અને ત્રીજા શૅરમાં 165 ટકાનો વધારો થયો હતો. આ સેગમેન્ટના બે સ્ટોક્સ સિવાય કથિત સમયગાળા દરમિયાન આ બધા શૅરોએ સકારાત્મક વળતર આપ્યું છે. સરવાળે આ 18 કંપનીઓના સંયુક્ત બજાર મૂડીકરણમાં 2.3 ટ્રિલિયનનો વધારો થયો છે.
બજારના વિશ્ર્લેષકો કહે છે કે તાજેતરમાં ભારતીય ઇક્વિટી બજારો, કોર્પોરેટ ક્ષેત્રની નબળી કામગારી વચ્ચે નફામાં નોંધાઇ રહેલા ઘટાડા, ભારત-યુએસ ટૅરિફ તણાવથી ઉદ્ભવતી અશાંતિ અને પશ્ર્ચિમ એશિયામાં યુદ્ધ સહિત અનેક અવરોધોનો સામનો કરી રહ્યા હોવા છતાં, ડિફેન્સ સેકટરના શૅરો સ્થિતિસ્થાપક રહ્યા છે. ટ્રમ્પ અને ઇરાન વચ્ચે વહેલી તકે સુલેહ થાય એવા કોઇ સંકેત ના મળતા હોવાથી રોકાણકારો આ સેગમેન્ટમાં રોકાણ વધારી રહ્યા છે.
આ તેજીનો ખ્યાલ એ વાત પરથી આવી શકે કે, ડિફેન્સ કંપનીઓના શૅરનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ, પાછલા એક વર્ષ દરમિયાન 32 ટકા વધ્યો હતો, અને આ સાથે છેલ્લા 12 મહિનામાં તેના ઘટકોના માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. 2.4 ટ્રિલિયનનો વધારો થયો હતો.
જ્યારે આની સામે ઉપરોક્ત સમયગાળા દરમિયાન, એક્સચેન્જના મુખ્ય બેન્ચમાર્ક, નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 0.3 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ અને નિફ્ટી સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં માત્ર 13 ટકા સુધીનો વધારો થયો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી લશ્કરી અથડામણો અને તણાવને કારણે પણ ઝડપી અને તાત્કાલિક ટેકો મળ્યો છે, જેમાં રશિયા-યુક્રેનના લાંબા યુદ્ધ, પશ્ર્ચિમ એશિયાની અસ્થિરતા અને અમેરિકા તથા ચીન જેવી મહાસત્તાઓ વચ્ચે વધતી વ્યૂહાત્મક સ્પર્ધાનો સમાવેશ થાય છે, આ બધાના કારણે વિશ્ર્વભરમાં સંરક્ષણ ખર્ચમાં વધારો થયો છે.
ભારતનો સંરક્ષણ ઉદ્યોગ એક વળાંક પર છે, જે મોટાભાગે આયાત-આધારિત ઇકોસિસ્ટમથી વધુ આત્મનિર્ભર અને નિકાસલક્ષી મોડેલ તરફ આગળ વધી રહ્યો છે. સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (ડીપીએસયુ)ની સાથે ખાનગી ખેલાડીઓની ભાગીદારીમાં વધારો સ્પર્ધાને મજબૂત બનાવી રહ્યો છે, અમલીકરણ ક્ષમતાઓમાં સુધારો કરી રહ્યો છે અને મૂલ્ય શ્રૃંખલામાં નવીનતાને પ્રોત્સાહન આપી રહ્યો છે.
ગ્લોબલ સેન્ટિમેન્ટ પણ ખૂબ જ સહાયક બની રહ્યું છે. વિશ્ર્વના વિવિધ પ્રદેશોમાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવને કારણે વિશ્ર્વભરમાં સંરક્ષણ ખર્ચમાં વધારો થવાનું સ્પષ્ટ વલણ જોવા મળ્યું છે, જે સ્વાભાવિક રીતે આ ક્ષેત્રને ફાયદો કરાવે છે.
ભારતીય સંરક્ષણ કંપનીઓ હવે વૈશ્ર્વિક સ્તરે શસ્ત્ર સરંજામની માગમાં વધારો જોઈ રહી છે, નિકાસ ઝડપથી વધી રહી છે અને સ્થાનિક માગથી આગળ એક નવો માર્ગ ખુલી રહ્યો છે. કેટલાક વિશ્ર્લેષકો જોકે એવું માને છે કે, આ ક્ષેત્રની ભવિષ્યમાં મોટાભાગની વૃદ્ધિ પહેલાથી બજારમાં ડિસ્કાઉન્ટ થઇ ગઇ હોય એવું શક્ય છે તે જોતાં આગામી સમયમાં જો ભૂરાજકીય તણાવ ઓછો થાય, તો સંરક્ષણ શૅરોની કામગીરી નબળી પડી શકે છે.
વર્તમાન સ્તરે પ્રવેશ કરવાનું વિચારી રહેલા રોકાણકારો માટે, રાહ જોવી સમજદારીભર્યું હોઈ શકે છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, કંપનીઓ તેમની ઓર્ડર બુકને અસરકારક રીતે અમલમાં મૂકી રહી છે કે નહીં તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કંપનીઓની આ પ્રવાહને વાસ્તવિક આવક અને નફામાં રૂપાંતરિત કરવાની ક્ષમતા પણ મહત્ત્વની છે.
માત્ર ઓર્ડર મેળવવા મહત્ત્વના નથી પરંતુ તેના એક્ઝિક્યુશન ક્ષમતા કંપનીની કામગીરીનો મુખ્ય નિર્ણાયક બની રહેશે. જોકે, આગામી એકાદ દાયકા સુધી, સ્વદેશીકરણ, મજબૂત ઓર્ડર પાઇપલાઇન્સ અને નિકાસ સંભાવનાનું સંયોજન સૂચવે છે કે એકંદર સંરક્ષણ ક્ષેત્રની કામગીરી સારી રહી શકે છે.