Sat Jun 20 2026

Logo

યશસ્વી-રોહિતની જોડીએ ભારતને અપાવ્યો વિજયઃ અફઘાનિસ્તાનનો 3-0થી વાઇટવૉશ

2026-06-20 20:19:14
Author: Ajay Motiwala
Article Image

ટીમ ઇન્ડિયાએ 128 બૉલ અને નવ વિકેટ બાકી રાખીને મૅચ જીતી લીધી

ચેન્નઈઃ ભારતે અહીં શનિવારે અફઘાનિસ્તાન સામેની ત્રીજી વન-ડે 128 બૉલ અને નવ વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. એ સાથે, ભારતે 3-0થી અફઘાનિસ્તાનનો વાઇટવૉશ કર્યો છે. બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્ના (8.2-2-23-5) અને બૅટિંગમાં યશસ્વી જયસ્વાલ (110 અણનમ, 86 બૉલ, ત્રણ સિક્સર, 14 ફોર) તથા રોહિત શર્મા (79 રન, 69 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) આ જીતના ત્રણ સિતારા હતા.

ભારતે પહેલી બન્ને મૅચ આસાનીથી જીતી લીધા બાદ હવે ત્રીજી મૅચ વધુ સહેલાઈથી જીતીને 3-0થી ક્લીન સ્વીપ (Clean Sweep)કરી છે. અફઘનિસ્તાને બૅટિંગ લીધા પછી 44.2 ઓવરમાં 218 રન બનાવ્યા હતા. ભારતે જવાબમાં 28.4 ઓવરમાં એક વિકેટે 224 રન બનાવીને વિજય મેળવી લીધો. છેલ્લાં 10 બૉલમાં ભારતીય બૅટ્સમેનો યશસ્વી અને શ્રેયસ ઐયર (20 અણનમ, 19 બૉલ, બે સિક્સર)એ 35 રન બનાવીને ટીમને થોડો વહેલો વિજય (Victory) અપાવ્યો હતો.

યશસ્વી જયસ્વાલે કરીઅરની બીજી વન-ડે સદી 83 બૉલમાં પૂરી કરી હતી. રોહિત શર્મા 79 રનના પોતાના સ્કોર પર બૉલને ડીપ મિડવિકેટ તરફ મોકલવાના પ્રયાસમાં કૅચ આપી બેઠો હતો. જોકે તેણે યશસ્વી સાથે 170 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને ભારતની જીતનો પાયો નાખ્યો હતો.

એ પહેલાં, અફઘાનિસ્તાન ટૉસ જીતીને બૅટિંગ લીધા બાદ 44.2 ઓવરમાં 218 રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું. 96મી વન-ડે રમી રહેલો કૅપ્ટન હશમતુલ્લા શાહિદી (102 રન, 131 બૉલ, એક સિક્સર, તેર ફોર) એકલો ભારતીય બોલર્સ સામે લાંબા સમય સુધી લડ્યો હતો અને વન-ડે કરીઅરની પ્રથમ સેન્ચુરી ફટકાર્યા પછી જ આઉટ થયો હતો. તે ચોથા નંબરે મેદાન પર આવ્યો હતો અને છેક છેલ્લે આઉટ થયો હતો. આ પહેલાં, અણનમ 97 રન તેનો હાઇએસ્ટ સ્કોર હતો. શાહિદી અને અઝમતુલ્લા ઓમરઝાઈ (50 રન, 56 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) વચ્ચે પાંચમી વિકેટ માટે 105 રનની પાર્ટનરશિપ થઈ હતી.

ક્રિષ્નાનો પહેલી વખત પાંચ વિકેટનો તરખાટ

અર્શદીપ સિંહના સ્થાને રમનાર પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ પાંચ વિકેટનો તરખાટ મચાવ્યો હતો. વન-ડે કરીઅરમાં તેણે પહેલી જ વખત મૅચમાં પાંચ વિકેટ લીધી છે. તેને નવા બૉલમાં સારા સ્વિંગ મળ્યા હતા અને તેણે સીમની મદદથી બૅટ્સમેનોને મૂંઝવી દીધા હતા. અફઘાનિસ્તાનની પહેલી ચાર વિકેટ માત્ર 36 રનમાં પડી હતી અને ચારેય વિકેટ ક્રિષ્નાએ લીધી હતી. એક-એક વિકેટ ગુર્નુર બ્રાર, પ્રિન્સ યાદવ અને હર્ષ દુબેએ લીધી હતી.

બે બૉલમાં બે રનઆઉટઃ બન્ને ગિલ-કિશનના હાથે

બે બૉલમાં અફઘાનિસ્તાનના બે બૅટ્સમેન રનઆઉટ થયા હતા. 41મી ઓવરના છેલ્લા બૉલમાં શુભમન ગિલ અને ઇશાન કિશને મળીને એએમ ગઝનફર (એક રન)ને રનઆઉટ કર્યો હતો. પછીની ઓવરના પહેલા જ બૉલમાં ફરી એક વાર ગિલ-કિશનના તાલમેલથી ફરીદ અહમદે રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી. ફરીદે હજી એક પણ બૉલનો સામનો પણ નહોતો કર્યો અને તે રનઆઉટ થયો હતો.