Tue Sep 08 2026

Logo

જુન મહિના સુધીની ભીષણ ગરમીએ વીજ માગનો રેકોર્ડ તોડ્યો, કુલ વપરાશ 166 અબજ યુનિટને પાર

2026-07-02 08:23:00
Author: Mumbai Samachar Team
જુન મહિના સુધીની ભીષણ ગરમીએ વીજ માગનો રેકોર્ડ તોડ્યો, કુલ વપરાશ 166 અબજ યુનિટને પાર

Ai Image


આ વર્ષે ઉનાળામાં પડેલી ભીષણ ગરમીએ અનેક રેકોર્ડબ્રેક કરી નાંખ્યા છે.સતત જુન મહિના સુધી તાપ અનુભવાતા વીજળીની માગમાં નોધપાત્ર વધારો થયો હતો. મે મહિનામાં સતત ચાર દિવસ સુધી ટોચની વીજળીની માંગ રેકોર્ડ સ્તરે રહી. તારીખ 18 મેના રોજ તે 257.37 ગીગાવોટ, 19 મેના રોજ 260.45 ગીગાવોટ, 20 મેના રોજ 265.44 ગીગાવોટ અને 21 મેના રોજ 270.82 ગીગાવોટ રહી છે. દેશના વીજળી મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ઉનાળામાં વીજળીની માંગ 270 ગીગાવોટ સુધી પહોંચવાનો અંદાજ છે. ગયા ઉનાળામાં, જૂનમાં વીજળીની માંગ 242.77 ગીગાવોટ હતી, જોકે આ સરકારના 277 ગીગાવોટના અંદાજ કરતા ઓછી હતી. નિષ્ણાંતો અને હવામાન વિભાગ સૂચવે છે કે, આગામી દિવસોમાં ચોમાસું સમગ્ર દેશને આવરી લેશે, જેના કારણે વીજળીના વપરાશમાં ઘટાડો થઈ શકે છે.

માગ વધવા પાછળનું કારણ શું?
જૂન મહિનામાં દેશમાં વીજળીનો વપરાશ 11.62 ટકા વધીને 166.46 અબજ યુનિટ થયો, જેનું મુખ્ય કારણ તીવ્ર ગરમી અને ચોમાસામાં સતત અને સખત રીતે થઈ રહેલો વિલંબ હતો. ગરમી અને ચોમાસામાં વિલંબને કારણે એર કન્ડીશનર જેવા ઠંડકના ડીવાઈસ વધારે પડતી વીજળીનો ઉપયોગ કરતા હોવાના કારણે વીજળીના વપરાશમાં વધારો થયો હતો. આ માહિતી સત્તાવાર વીજ મંત્રાલય તરકફથી એક ડેટારિપોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે. દેશમાં કુલ વીજળીનો વપરાશ ગયા વર્ષના જૂનમાં 149.13 અબજ યુનિટ હતો.નિષ્ણાંતો જણાવે છે કે જૂન મહિનામાં ચોમાસાની ધીમી ગતિને કારણે ગરમીનું મોજું લંબાયું હતું. સામાન્ય રીતે જૂન મહિનો શરૂ થતા પહેલા કે બીજા અઠવાડિયા સુધીમાં ચોમાસું સક્રિય થઈ જાય છે. આ વખતે જૂન મહિનો આખો પૂરો થઈ ગયો હોવા છતાં વરસાદની કોઈ સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય થઈ નથી. 

ફરી વીજમાગ વધશે તો?
આના કારણે એર કન્ડીશનર અને ડેઝર્ટ કુલર જેવા ઠંડક આપતા ડિવાઈસનો ઉપયોગ વધ્યો છે, જેના કારણે વીજળીની માંગ અને વપરાશમાં વધારો થયો. અપેક્ષા છે કે જુલાઈમાં વીજળીની માંગ સ્થિર રહેશે, કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ વરસાદમાં થોડી ખાધની આગાહી કરી છે. મે 2026 માં વીજળીની ટોચની માંગ 270.82 GW ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગઈ હતી, જે 2025 માં સમાન મહિના દરમિયાન 230.99 GW હતી. આગામી દિવસોમાં જો વરસાદ વ્યવસ્થિત પડશે તો આ વીજ માગમાં ઘટાડો થશે. એ પછી ગરમીનો ફરી કોઈ રાઉન્ડ શરૂ થશે કે તાપ પડશે તો ફરી વીજ માગ વધે એવી પૂરી શક્યતા છે.