નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં વૈશ્વિક અનિશ્ચિતતાનો માહોલ રહ્યો હોવા છતાં ગત એપ્રિલથી જુલાઈ દરમિયાન નિકાસમાં અંદાજે 15 ટકાનો વધારો થયો હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે જણાવવાની સાથે વર્તમાન નાણાકીય વર્ષમાં ગૂડ્સ અને સર્વિસીસની એક ટ્રિલ્યન ડૉલરની નિકાસનો લક્ષ્યાંક હાંસલ થઈ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નોંધનીય બાબત એ છે કે ગત નાણાકીય વર્ષ 2025-26માં ગૂડ્સ અને સર્વિસીસ નિકાસ 863 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ચાર મહિનામાં નિકાસમાં અંદાજે 15 ટકાની વૃદ્ધિ થઈ હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે નિકાસ અને આયાતના અંતિમ આંકડાઓની જાહેરાત 13મી ઑગસ્ટના રોજ થશે, એમ જણાવતા તેમણે મુક્ત વેપાર કરાર અંગે જણાવ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષમાં નવ મુક્ત વેપાર કરારને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે અને તેને કારણે સ્થાનિક ઉદ્યોગ માટે ઘણી તકો સર્જાઈ છે. તેમ જ કુલ વૈશ્વિક વેપારમાં આ કરારનો હિસ્સો અંદાજે બે તૃતીયાંશ જેટલો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં નિકાસ 15.92 ટકા વધીને 129.32 અબજ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે આયાત 19.89 ટકા વધીને 216.18 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.