Fri Sep 04 2026

Logo

ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે મહાભિયોગ પ્રસ્તાવ મુદ્દે મૌન સેવ્યું

2026-03-15 18:11:00
Author: Chandrakant Kanoja
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે મહાભિયોગ પ્રસ્તાવ મુદ્દે મૌન સેવ્યું

નવી દિલ્હી : ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષે સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યો છે. ત્યારે આજે રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓની તારીખની જાહેરાત વખતે તેમને મહાભિયોગ પ્રસ્તાવ અંગે સવાલ પુછવામાં આવ્યો હતો. જોકે, તેમણે આ મુદ્દે મૌન સેવ્યું હતું. જેમાં તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વમાં  વિપક્ષી પક્ષોએ સંસદના બંને ગૃહમાં 193 સંસદ સભ્યો દ્વારા સહી કરેલી મહાભિયોગ નોટિસ રજૂ કરી છે. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. જે  ભારતના ઇતિહાસમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે  પ્રથમ મહાભિયોગ નોટીસ આપવામાં આવી છે. 

વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશ્નર વિરુદ્ધ સાત આરોપ લગાવ્યા 

આ નોટિસમાં  વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુધ્દ પક્ષપાતી વર્તન, મતદાર યાદી સુધારણા SIRમાં અનિયમિતતાઓ, મતદારોનો મોટા પાયે મતાધિકાર છીનવી લેવો અને ચૂંટણી ગોટાળાની તપાસમાં અવરોધ સહિતના સાત ગંભીર આરોપો લગાવ્યા છે. પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓમાંથી નામો દૂર કરવાની પ્રક્રિયા અંગે વિવાદ ઉગ્ર છે. 

રાજકીય સવાલ જવાબથી હંમેશા દુર રહ્યા

જયારે રવિવારે પાંચ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખની જાહેરાત વખતે તેમને મહાભિયોગ પ્રસ્તાવ અંગે સવાલ પુછવામાં આવ્યો હતો.જોકે, તેમણે આ મુદ્દે કોઈ ટીપ્પણી કરી ન હતી અને મૌન સેવ્યું હતું. આ પ્રથમ વાર નથી તે આવા સવાલોના જવાબથી તે દુર રહ્યા છે. આ પૂર્વે પણ તે રાજકીય સવાલ જવાબથી હંમેશા દુર રહ્યા છે. 


પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણીઓની તારીખની જાહેરાત 

આ પૂર્વે તેમણે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણીઓની તારીખની જાહેરાત કરી હતી. આ પાંચ રાજ્યની કુલ 824 વિધાનસભાની ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજવામાં આવશે.જ્યારે મે મહિનામાં પરિણામ આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બંગાળ સહિત અન્ય રાજ્યની ચૂંટણીની સાથે આદર્શ  આચારસંહિતા લાગુ કરવાની જાહેરાત કરી હતી.

પશ્ચિમ બંગાળમાં મતદાન બે તબક્કામાં

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલી  તારીખ મુજબ આસામ, કેરળ અને પોડિચેરીમાં 9 એપ્રિલે મતદાન થશે. જ્યારે તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં વોટિંગ યોજાશે. પશ્ચિમ બંગાળમાં મતદાન બે તબક્કામાં 23 એપ્રિલ અને 29 એપ્રિલે થશે. આ દરેક રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે તેવી આજે જાહેરાત કરવામાં આવી છે.