Thu Sep 10 2026

Logo

ભંગાર જાહેર કરેલી રિક્ષાઓ વિરુદ્ધ રાજયસ્તરે ઝુંબેશ

2026-09-04 21:05:03
Author: Sapna Desai
ભંગાર જાહેર કરેલી રિક્ષાઓ વિરુદ્ધ રાજયસ્તરે ઝુંબેશ

પાંચ ઑક્ટોબર સુધી કાર્યવાહી કરવાનો નિર્દેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
રાજ્યમાં ભંગાર (સ્ક્રેપ) તરીકે જાહેર કરેલી તેમ જ નિયમબાહ્ય પદ્ધતિએ પ્રવાસીઓની સુરક્ષાને જોખમમાં મૂકી રસ્તા પર દોડનારી રિક્ષાઓના વિરુદ્ધમાં પાંચ ઑક્ટોબર સુધીમાં વિશેષ ઝુંબેશ હાથ ધરીને તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવવાની છે. 

ભંગાર થયેલી અને નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રવાસીઓ બેસાડનારી રિક્ષા બાબતે મળેલી ફરિયાદની પાર્શ્ર્વભૂમિ પર ટ્રાન્સપોર્ટ કમિશનરની ઓફિસમાં શુક્રવારે વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ નાર્વેકર, રિક્ષા-ટેક્સી યુનિયના નેતા સહિત રાજ્યભરના વિવિધ રિક્ષા યુનિયનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે કહ્યું હતું કે પ્રવાસીઓની સુરક્ષા એ સરકારની પ્રાથમિકતા હોઈ જોખમી અને નિયમ વિરુદ્ધ રસ્તા પર દોડનારી રિક્ષાઓને હવે કોઈ રાહત આપવામાં આવશે નહીં. ભંગાર તરીકે જાહેર થયેલી રિક્ષાના પુન:ઉપયોગ, બનાવટી દસ્તાવેજોને આધારે રજિસ્ટ્રેશન અને નિયમોનું  ઉલ્લંઘન કરીને પ્રવાસીઓનું ટ્રાન્સપોર્ટેશન કરનારાં વાહનોની તપાસ માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે.

તપાસમાં દોષી જણાઈ આવનારાં વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવા સહિત આવશ્યક આકરાં પગલાં લેવાનો નિર્દેશ પણ સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યો છે. રાજ્યના તમામ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ પોતાની હદમાં આ ઝુંબેશ હાથ ધરશે.

આ બેઠકમાં રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો અને યુનિયને પણ પ્રવાસીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી.