આજના આધુનિક યુગમાં મોટાભાગના ઘરોમાં સ્માર્ટ ટીવી સામાન્ય બની ગયું છે. વૉઇસ કમાન્ડ, ગૂગલ આસિસ્ટન્ટ કે એલેક્સા જેવા ફીચર્સ દ્વારા આપણે રિમોટ કે ટીવીમાં બોલીને મનપસંદ ફિલ્મો, સિરીઝ કે યુટ્યુબ વીડિયો સરળતાથી શોધી શકીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટીવીમાં લાગેલો આ માઈક્રોફોન તમારી અંગત અને ખાનગી વાતો પણ રેકોર્ડ કરી શકે છે? સાયબર સિક્યોરિટી નિષ્ણાતો અનુસાર, જો સ્માર્ટ ટીવીની પ્રાઈવસી સેટિંગ્સનું ધ્યાન ન રાખવામાં આવે તો તે તમારા ડ્રોઈંગ રૂમ કે બેડરૂમમાં થતી વાતચીત પર સતત નજર રાખી શકે છે. આજે આ સ્ટોરીમાં આ વિશે વિસ્તારથી વાત કરીએ...
સ્માર્ટ ટીવીનું માઈક્રોફોન કેમ બની શકે છે મોટું જોખમ?
વૉઇસ આસિસ્ટન્ટ તમારા ટ્રિગર વર્ડ (જેમ કે 'Hey Google' કે 'Alexa')ની રાહ જોતા બેકગ્રાઉન્ડમાં સતત એક્ટિવ રહે છે, જેના કારણે રૂમમાં થતી સામાન્ય વાતચીત પણ સિસ્ટમમાં પ્રોસેસ થઈ શકે છે. ઘણીવાર તમે જે બાબત વિશે ટીવી પાસે વાત કરી હોય, તેનાથી સંબંધિત જાહેરાતો થોડી જ વારમાં તમારા સોશિયલ મીડિયા કે સ્માર્ટફોન પર દેખાવા લાગે છે.
સ્માર્ટ ટીવી કંપનીઓ યુઝર બિહેવિયર ટ્રેક કરવા માટે આ ડેટાનો ઉપયોગ કરતી હોય છે. જો તમારું સ્માર્ટ ટીવી કોઈ અસુરક્ષિત વાઈફાઈ નેટવર્ક સાથે જોડાયેલું હોય, તો હેકર્સ ટીવીના માઈક્રોફોન અને કેમેરાને એક્સેસ કરીને જાસૂસી કરી શકે છે.
સ્માર્ટ ટીવીમાં માઈક્રોફોન કેવી રીતે ડિસેબલ/બંધ કરશો?
ટીવીનું રિમોટ લઈને Settings અથવા All Settings ઓપ્શન ઓપન કરો.
સેટિંગ્સ મેનૂમાંથી Privacy & Security અથવા Privacy વિકલ્પ પસંદ કરો.
ત્યાં Permissions અથવા App Permissions માં જઈને Microphone સિલેક્ટ કરો.
જે એપ્સ કે ફીચર્સ માટે માઈક્રોફોનની જરૂર ન હોય તેના માટે 'Microphone Access' ને Turn Off / Disable કરી દો.
કેટલાક સ્માર્ટ રિમોટ અથવા ટીવી પેનલની નીચે ફિઝિકલ માઈક્રોફોન સ્વિચ આપેલી હોય છે, તેને બંધ કરી દો.
ડિજિટલ સુરક્ષા માટેના વધારાના સલામતી પગલાં:
સ્માર્ટ ટીવીનું સોફ્ટવેર હંમેશા અપ-ટૂ-ડેટ રાખો જેથી સિક્યોરિટી પેચ સુરક્ષિત રહે.
ટીવી પર અજાણી કે બિનજરૂરી થર્ડ-પાર્ટી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવાનું ટાળો.
હોમ Wi-Fi નેટવર્ક પર હંમેશા મજબૂત પાસવર્ડ રાખો જેથી કોઈ અજાણ્યો ડિવાઇસ કનેક્ટ ન થઈ શકે.