Tue Sep 29 2026

Logo

મીઠાઈ પર ચાંદીનો વરખ? હવે ‘શુદ્ધ ચાંદી’ જ ફરજિયાત, વરખમાં ભેળસેળ થઈ તો એફડીએ કરશે કાર્યવાહી

2026-09-04 21:02:46
Author: Mumbai Samachar Team
મીઠાઈ પર ચાંદીનો વરખ? હવે ‘શુદ્ધ ચાંદી’ જ ફરજિયાત, વરખમાં ભેળસેળ થઈ તો એફડીએ કરશે કાર્યવાહી

 મુંબઈ: ગૌરી-ગણપતિ સહિત તહેવારોની સિઝન પહેલાં એફડીએએ મીઠાઈ પર લગાવવામાં આવતા ચાંદીના વરખ અંગે કડક વલણ અપનાવ્યું છે. તહેવારોમાં વેચાતી મીઠાઈમાં માત્ર શુદ્ધ ચાંદીનો વરખ જ વપરાય તે સુનિશ્ચિત કરવા ખાસ તપાસ થશે. વરખમાં અન્ય ધાતુની ભેળસેળ જણાશે તો સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. મીઠાઈની વધતી માંગને ધ્યાનમાં રાખીને આ તપાસને પ્રાધાન્ય અપાયું છે.

એફડીએના કમિશનર તુકારામ મુંઢેની પહેલથી 3 સપ્ટેમ્બરથી રાજ્યમાં વર્ષભરનું ‘ફૂડ સેફ્ટી કેલેન્ડર’ અમલમાં આવ્યું છે. હવે દરેક તહેવાર પહેલાં અલગ આદેશને બદલે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના તમામ તહેવારો માટે આગોતરું આયોજન કરાશે. મીઠાઈ ઉપરાંત દૂધ, ખાદ્ય તેલ, સુકા મેવા અને અન્ય હાઈ રિસ્ક ખાદ્યપદાર્થોની પણ તપાસ થશે.

મહાશિવરાત્રી અને અન્ય ઉપવાસ દરમિયાન મોરૈયો (સામો), સાબુદાણા, અને રાજગરા જેવા પદાર્થો પર ખાસ નજર રહેશે. દૂધની વહેલી સવારની હેરફેર પર અચાનક તપાસ અને દરોડા પાડવામાં આવશે. ઈદ દરમિયાન કતલખાનાં, બરફના કારખાનાં અને વેચાણ કેન્દ્રોની તપાસ થશે. મકરસંક્રાંતિ નિમિત્તે બનાવાતા તલના લાડુ અને ચીકી તેમજ હોળી-ઈદની મીઠાઈઓનું પણ મોનિટરિંગ કરાશે.

મહાપ્રસાદ, ભંડારા અને લંગર જેવા સામૂહિક અન્નવિતરણ કાર્યક્રમો માટે પણ નવા નિયમો લાગુ કરાયા છે. આયોજકોએ આવા કાર્યક્રમોની પૂર્વ જાણકારી એફડીએને આપવી પડશે. અન્નસુરક્ષાના નિયમોનું પાલન થાય તે માટે આયોજકોને તાલીમ પણ આપવામાં આવશે. એફડીએના અધિકારીઓ આવા સ્થળોની તપાસ કરીને ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસશે.

એફડીએની આ નવી વ્યવસ્થાથી સમગ્ર વર્ષ દરમિયાન ખાદ્ય ભેળસેળ સામે સતત  કાર્યવાહી કરવાનો માર્ગ ખુલ્યો છે. ખાસ કરીને તહેવારોમાં મીઠાઈની ગુણવત્તા  અને ચાંદીના વરખની શુદ્ધતા પર કડક નજર રહેશે. ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે એફડીએનો મુખ્ય હેતુ છે. એટલે હવે મીઠાઈ પર ચમકતો વરખ માત્ર દેખાવમાં ચાંદી જેવો નહીં, પરંતુ શુદ્ધ ચાંદીનો જ હોવો જરૂરી રહેશે.