રેખા દેશરાજ
વર્તમાનમાં દેશ અને દુનિયામાં હર્બલ અને નેચરલ ચિકિત્સાનો વ્યાપ વધ્યો છે. તુલસી, હળદર, આમળા જેવી વસ્તુઓની ખૂબ માગ વધી છે. હવે હાઇબ્રિડ વેલનેસનો ટ્રેન્ડ પ્રચલિત છે. આ માત્ર હર્બલ ઉત્પાદનો સુધી જ સીમિત નથી, પરંતુ આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનના મેલાપથી તૈયાર કરવામાં આવેલી એક સ્વસ્થ વિચારધારા છે. જે લોકોની જરૂરિયાત પ્રમાણે તેજીથી વિકસિત થઈ રહી છે.
હાઇબ્રિડ વેલનેસ
હાઇબ્રિડ વેલનેસનો અર્થ થાય છે પારંપરિક જ્ઞાન તથા આધુનિક વિજ્ઞાન અને તકનિકનું સંયોજન. હાઇબ્રિડ વેલનેસ માત્ર જડીબુટ્ટીથી જ કરવામાં આવતી સારવાર નથી, પરંતુ એમાં અનેક સક્રિય તત્ત્વો અને વિવિધ હર્બલ ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવે છે. આધુનિક પદ્ધતિમાં કેપ્સુલ, સીરમ, ડ્રિંક અને સપ્લિમેન્ટ હોય છે.
ઉદાહરણ તરીકે હળદરના સીધા ઉપયોગને બદલે એના તત્ત્વ કુર્કુમિનને બાયો અવેલેબલ કેપ્સુલમાં આપવામાં આવે છે. જે અનેકગણું પ્રભાવી હોય છે. તો તણાવ ઘટાડનારા ક્લિનિકલ સપ્લિમેન્ટના રૂપમાં અશ્ર્વગંધાનો ઉપયોગ થાય છે. સ્કિન કેરમાં એલોવેરાની સાથે હવે પ્રમાણિત તત્ત્વો ભેળવવામાં આવે છે. એથી આપણે કહી શકીએ કે દાદી-નાનીના ઉપાયોએ હવે વૈજ્ઞાનિકના ભરોસાનું રૂપ લઈ લીધું છે. આને જ હાઇબ્રિડ વેલનેસ કહેવાય છે.
હર્બલથી અલગ
હર્બલ વેલનેસ કુદરતી વસ્તુઓ પર ભાર મૂકે છે. તો હાઇબ્રિડ વેલનેસમાં કુદરતીની સાથે પ્રમાણિત તત્ત્વોનેે ઉપયોગમાં લેવાય છે. આ સલામત અને અસરકારક પણ છે. અનેક વખત એવું બને છે કે પ્રાકૃતિક જડીબુટ્ટીઓ સુરક્ષિત હોય છે, પરંતુ એની અસર થાય એવું જરૂરી નથી. એથી જ હાઇબ્રિડ ચિકિત્સામાં તેના પ્રભાવોને વૈજ્ઞાનિક ઢબે સક્રિય કરવામાં આવે છે.
હાઇબ્રિડ વેલનેસ બધાને માફક નથી આવતી. જેને આ ચિકિત્સા કરવી હોય એને ધ્યાનમાં રાખીને વ્યક્તિગતરૂપે તપાસ કર્યા બાદ તેને માફક આવે એવી ઔષધિ બનાવવામાં આવે છે. એથી એની અસર નિશ્ર્ચિતરૂપે થાય છે. એક પ્રકારે હાઇબ્રિડ વેલનેસમાં આયુર્વેદ તો હોય જ છે, પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં હર્બલને સ્થાને અન્ય તત્ત્વોને સક્રિય કરીને પ્રભાવશાળી જડીબુટ્ટી બનાવીને સારવાર કરવામાં આવે છે.
વધ્યું છે ચલણ
આજકાલ હર્બલ અને નેચરલ બન્ને પારંપરિક ચિકિત્સા વ્યવસ્થાઓની સરખામણીએ હર્બલ ચિકિત્સા ઘણી કારગર છે. આ ન ફક્ત સામાન્ય, પરંતુ પ્રાકૃતિક ઔષધિઓ કરતાં વધુ પ્રભાવશાળી હોય છે. આ જ કારણ છે કે આજે લોકો કુદરતી ઔષધિઓ જોઈને જ સંતુષ્ટ નથી થતાં. તેમને એ પણ જોવું હોય છે કે શું આ દવા ખરેખર અસર કરશે.
જોકે એનો અર્થ એ જરા પણ નથી કે હર્બલ ચિકિત્સાની સામે હાઇબ્રિડ વેલનેસ વધુ સફળ થાય છે. બન્ને પોતપોતાની જગ્યાએ બરાબર છે. હર્બલ ચિકિત્સાનું અપગ્રેડેડ વર્ઝન એટલે હાઇબ્રિડ વેલનેસ.
અગાઉ લોકો કાચી હળદર ખાતા હતાં. હવે લોકો વૈજ્ઞાનિકઢબે એનો સારી રીતે ઉપયોગ કરે છે. હાઇબ્રિડ વેલનેસ બે ડગલાં આગળ છે અને આ જ કારણ છે કે એનાં ઝડપી અને પ્રભાવી પરિણામ જોવા મળે છે. વ્યક્તિ વિશેષને ધ્યાનમાં રાખીને એની સારવાર આપવામાં આવે છે.
જોકે આ બધામાં ફાયદાની સાથે ગેરફાયદા પણ છે. અનેક આયુર્વેદિક ઉત્પાદનોની પ્રોસેસિંગને કારણે કુદરતી ગુણો નાશ પામે છે. એનાં જરૂરી તત્ત્વો ઘટી જાય છે કાં તો પૂરી રીતે ખતમ થઈ જાય છે. એથી લોકો માટે તો આ નુકસાન જ છે. હર્બલ ઉત્પાદનોની સરખામણીએ હાઇબ્રિડ પ્રોડક્ટ્સની કિંમત વધુ હોય છે.