Wed Jun 10 2026

Logo

ફાઈનાન્સના ફંડા: ઊંચા વળતરની લાલચ, જ્યારે રોકાણ એક ‘જાળ’ બની જાય...

2026-06-09 08:25:00
Author: Mitali Mehta
Article Image

 

 

 

-મિતાલી મહેતા

 

રાકેશને શેરબજારમાં સીધું રોકાણ કરવામાં ખાસ રસ નહોતો. વર્ષો સુધી તેણે શાંતિથી ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા મૂક્યા અને ક્યારેક મ્યુચ્યુઅલ ફંડમાં થોડી-ઘણી રકમ રોકતો. તેનો અભિગમ એકદમ સ્પષ્ટ હતો. સૌથી પહેલાં સુરક્ષા.

 

જોકે એક વાર એક પારિવારિક પ્રસંગમાં વાતચીત રોકાણ તરફ વળી. એક સગાએ એવી કંપનીના શેર વિશે વાત કરી જે એક વર્ષથી પણ ઓછા સમયમાં બમણા થઈ ગયા હતા. બીજા કોઈએ ટ્રેન્ડિંગ એસેટ ક્લાસમાં ઝડપથી નફો કમાવાની વાત કરી, તો વળી કોઈકે એવી સ્કીમ બતાવી જે પરંપરાગત વિકલ્પો કરતા ઘણું વધુ ખાતરીપૂર્વકનું વળતર આપવાનો દાવો કરતી હતી.

 

શરૂઆતમાં રાકેશ થોડો અચકાયો, પણ થોડા અઠવાડિયા સુધી આ વિચારો તેના મનમાં સતત ચાલતા રહ્યા. તેને લાગવા માંડ્યું કે તેની આસપાસના લોકો રોકાણથી રાતોરાત સમૃદ્ધ થઈ રહ્યા છે. ધીમે-ધીમે સાવચેતીનું સ્થાન ઉત્સુકતાએ અને પછી લાલચે લઈ લીધું.

 

શું હું કોઈ મોટી તક તો નથી ગુમાવી રહ્યોને ? આ વિચારે તેને ઘેરી લીધો.

 

અંતે, તેણે પોતાની જીવનભરની બચતનો મોટો ભાગ એવી કેટલીક ‘હાઈ-રિટર્ન’ તકમાં રોકી દીધો, જેને તે પોતે પૂરતી રીતે સમજતો પણ નહોતો. શરૂઆતમાં બધું સરસ ચાલ્યું અને આંકડા વધી રહ્યા હતા, પણ પછી બજારે અચાનક વળાંક લીધો. ભાવ ઝડપથી ઘટવા લાગ્યા અને જે રોકાણ ખાતરીપૂર્વકના લાગતા હતા, તે જોખમી બની ગયા. રાકેશ તેમાંથી બહાર નીકળે ત્યાં સુધીમાં તો તેની મહેનતની કમાણીનો મોટો હિસ્સો ઓગળી ચૂક્યો હતો.

 

ભૂલ શું હતી? 

 

ભૂલ એ નહોતી કે તે વધુ સારું વળતર ઈચ્છતો હતો, પણ ભૂલ એ હતી કે તે જોખમને સમજ્યા વગર માત્ર ઊંચા વળતરની પાછળ દોડી રહ્યો હતો.

 

આવું કેમ થાય છે?

 

રોકાણની દુનિયામાં ઊંચું વળતર આકર્ષક લાગે તે સ્વાભાવિક છે. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે વધુ વળતર મેળવવાની ઈચ્છા સમજદારી અને શિસ્ત પર હાવી થઈ જાય છે. આ માટે મુખ્યત્વે ત્રણ માનસિક પરિબળો જવાબદાર છે:

 

*FOMO (પાછળ રહી જવાનો ડર): બીજાને કમાતા જોઈને આપણને લાગે છે કે આપણે કંઈક ગુમાવી રહ્યા છીએ.

 

*તાજેતરનો પ્રભાવ: જો કોઈ રોકાણે છેલ્લા થોડા સમયમાં સારું વળતર આપ્યું હોય, તો આપણે માની લઈએ છીએ કે તે હંમેશાં આવું જ આપશે.

 

*અધીરાઈ: ધીમે અને સતત સંપત્તિ સર્જનની પ્રક્રિયા ઝડપી નફાની સરખામણીમાં ઘણીવાર નિરસ લાગે છે.

 

છૂપી કિંમત: લાંબા ગાળાનું નુકસાન 

 

ઊંચા વળતર પાછળની આ આંધળી દોડ માત્ર તાત્કાલિક આર્થિક નુકસાન જ નથી લાવતી, પણ તે તમારા લાંબા ગાળાના લક્ષ્યોને પણ ખોરવી નાખે છે. નિવૃત્તિ, બાળકોનું શિક્ષણ કે ઘર ખરીદવા જેવા મહત્ત્વનાં કામો વર્ષો પાછળ ઠેલાય છે. આનાથી રોકાણકારનો આત્મવિશ્વાસ ડગી જાય છે અને ઘણા લોકો તો કાયમ માટે રોકાણના માર્ગથી જ દૂર થઈ જાય છે.

 

વિડંબના એ છે કે ઝડપથી અમીર બનવાની દોડ ઘણીવાર નાણાકીય પ્રગતિને વર્ષો પાછળ ધકેલી દે છે.

 

મુખ્ય શીખ: જોખમનું સન્માન કરો

 

દરેક રોકાણમાં જોખમ અને વળતર વચ્ચે સીધો સંબંધ હોય છે. વધુ વળતરની સંભાવના સાથે હંમેશાં વધુ અનિશ્ર્ચિતતા જોડાયેલી હોય છે. આનો અર્થ એ નથી કે તમારે વૃદ્ધિ-લક્ષી રોકાણો (જેમ કે ઇક્વિટી)થી દૂર રહેવું, પણ શિસ્તબદ્ધ રોકાણ અને આંધળા અનુકરણ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.

 

આ માટેનો એક વ્યવહારુ અભિગમ:

 

*લક્ષ્ય પર ધ્યાન: ટૂંકા ગાળાના નફા કરતા લાંબા ગાળાનાં લક્ષ્યોને પ્રાધાન્ય આપો.

 

*વૈવિધ્યતા: બધી મૂડી એક જ જગ્યાએ રોકવાને બદલે અલગ-અલગ વિકલ્પોમાં વહેંચો.

 

*સમજદારી: માત્ર એ જ વસ્તુમાં રોકાણ કરો જેને તમે પૂરેપૂરી રીતે સમજો છો.

 

*ટિપ્સથી બચો: માત્ર કોઈના કહેવા પર કે સોશ્યલ મીડિયાના ટ્રેન્ડ્સ જોઈને રોકાણ ન કરો.

 

ટૂંકમાં  

 

સફળ રોકાણકાર એ નથી જે સૌથી ઝડપથી પૈસા બનાવે છે, પણ એ છે જે સતત અને સમજદારીપૂર્વક પૈસા ટકાવી રાખે છે. સંપત્તિ અસાધારણ વળતર પાછળ દોડવાથી નહીં, પણ ચક્રવૃદ્ધિને કામ કરવા માટે પૂરતો સમય અને ધીરજ આપવાથી જ બને છે.