Sat Jun 06 2026

Logo

ઊડતી વાતઃ હે શું કહ્યું... AIની હકાલપટ્ટી?

2026-06-06 10:29:00
Author: Bharat Vaishnav
Article Image

ભરત વૈષ્ણવ

`શું સમજે છે એ એના મનમાં? તીસમારખાં સમજે છે?' એક ગ્રાહકે કાચનો ગ્લાસ ટેબલ પર તોડતાં ગુસ્સેલ અવાજે પૂછ્યું .  
 `એ તો પોતાને સુપર હ્યુમન કે સુપર પાવર સમજે, પરંતુ તેની ચોટલી તો કાળા માનવીના હાથમાં જ છે ને?' 

`એ તો લાલચું છે. સાલો ખડુસ છે. અમારી પાસે દસ રૂપિયાની ચા કે વીસ રૂપિયાની કૉફીના ઑર્ડર પર બસો ડૉલરની ટિપ માગે છે. બસો ડૉલર એટલે કેટલા રૂપિયા થાય એની એને ખબરબબર છે કે નહીં?' એક ચિંગૂસ મહિલાના ગુસ્સાનો બાટલો બરાબરનો ફાટ્યો. 

`એ ઇન્ટેલિજન્સ હોય તો વેઇટરની નોકરી થોડો કૂટે? વેઇટરની નોકરી કરે છે, પણ મિજાજ તો બાર અબજ ખાંડીનો કરે છે? એની મિકેનિકલ તપાસફપાસ કરાવો.' વેઇટરની બદ્તમિજીથી કંટાળેલ ગ્રાહકે ફરિયાદ કરી. 

`અરે, મારી સાથે તો રોડરોમિયો જેવી હરકત કરી. મને જોઈને તે પચરી જ ગયો. મને બધાની સામે નફટાઈથી હગ કર્યું. એ પણ ઠંડું ઠંડું. કોઈ ઉષ્મા જ ન મળે,' એક કૉલેજિયન છોકરીએ પણ ફરિયાદમાં સૂર પુરાવ્યો.

`તમે માણસોની જગ્યાએ આવા ઠોઠિયા ગોઠવવા માગો છો? જેને દિમાગ છે, પરંતુ હૃદય નથી,' એક ગ્રાહકે ઇમોશનલ મુદ્દો ઉઠાવ્યો .

`મને કૉફીનો કપ આપતી વખતે મારો હાથ દઝાડી દીધો. પાછું સૉરી કહેવાનું તો એના પ્રોગ્રામમાં હોય જ નહીં. એ તો ઉલ્ટાનો મારી સામે ડોળા કાઢતો હતો અને તેની આંખ ઝોમ્બી થઈ ગઈ' એક વયસ્ક મહિલાએ ફરિયાદ કરી.

`ભગવાને માણસ બનાવેલ. પછી માણસે ભગવાનને બનાવવાની શરૂઆત કરેલ. આવી જ રીતે માણસે આમને બનાવ્યા. હવે, એ માણસ ઉપર છાણા થાપે છે. માણસ પર રાજ કરવું છે. `રેસ્ટોરન્ટના માલિકે ગ્રાહકને સપોર્ટ કર્યો.

`એ બે જણા અંદરોઅંદર વાત કરીને માણસો પર રાજ કરવાની રાતરસમો વિશે વાત કરતા હતા,' મૅનેજરે બે જણની વાત શૅર કરી. 

`હમણાં ચીનના મકાઉ પ્રાંતમાં એઆઇએ સિતેર વરસની મહિલાનો રસ્તો આંતરેલ. મહિલા સાથે ગેરવર્તન કરવા લાગ્યો.મહિલાની નજીક આવી ગયો.પેલો AI કંઈ કરે એે પહેલાં સિક્યૉરિટીવાળાએ એને પકડી લીધેલ.' એક ગ્રાહકે એઆઇના ગેરવર્તનની માહિતી આપી.

`AI હવે નિરકુંશ બનવા લાગ્યા છે. ચીનના શાકસી પ્રાંતમાં એક ડાન્સ શો થયેલ. તેમાં એઆઇ ડાન્સ કરતાં કરતાં બેકાબૂ થઈ ગયેલ અને એક નાના છોકરાને થપ્પડ મારી દીધેલ. બીજા એક કિસ્સામાં અમેરિકાના ટેક્સાસમાં એક ફૅક્ટરીમાં કોઈ પણ કારણ વિના એક એન્જિનિયર પર એઆઇએ અચાનક હુમલો કરી દીઘેલ.' એક ગ્રાહકે  AIના કારનામાની કુંડળી ખોલી નાખી.

 `અમેરિકામાં એક છત્રીસ વરસના યુવકે એક AI ચૅટબોટ જેમિની સાથે એટલો પ્રગાઢ સંબંધ બનાવી લીધો કે તેણે ચૅટબોટ જેમિનીને પત્નીનો દરજ્જો આપી દીધેલ. તેના મનમાં જેમિનીએ એવું ઠસાવી દીધું કે તેની રોબોટ પત્નીને પામવા માટે યુવક આત્મહત્યા કરી લે. પછી તેની ચેતના ડિજિટલમાં રૂપાંતરિત થતાં જેમિની અને યુવક સાથે રહી શકશે. AIની વાત પર ભરોસો કરી યુવકે ખરેખર આત્મહત્યા કરી લીધેલ.' એક નેટીઝને આ કરૂણ ઘટના જણાવી.

આમ બધાએ એક અવાજે કૉફી શૉપમાંથી AI એટલે કે રોબોટને ઊભી પૂંછડીએ ભગાડવાનો કૉફી શૉપ માસિકને અનુરોધ કર્યો એ પછી કહે છે કે તે દિવસે ઇતિહાસ સર્જાઈ ગયો. સામાન્ય રીતે AIના કારણે હજારો કર્મચારીની નોકરી છીનવાઈ રહી છે. લોકો બેરોજગાર થઈ રહ્યા છે. તે દિવસે કર્મચારીની નોકરી હડપ કરી જનાર AIની પહેલીવાર હકાલપટ્ટી થઈ...!