સુભાષ ઠાકર
દાદુને દાદ અપાવતી-આટલી સરસ ચાલતી મજબૂત કોલમ અધવચ્ચે છોડી જવાય? અરે, કોઈ પ્રેમી બગીચામાં પ્રેમિકાની રાહ જોતો હોય એમ દર શુક્રવારે હું દાદુની ‘સાત્ત્વિકમ શિવમ’ કોલમની રાહ જોતો અને આ શુક્રવારે ભરતભાઈ ઘેલાણીએ 348 કોલમના માલિક એવા અરવિંદ વેકરિયા માટે ‘આવજો અરવિંદભાઈ’ લખી એક ટનનો આંચકો આપ્યો. જેને આખી જિંદગી રંગમંચની સેવા કરવાની જીદ પકડી હોય એ દાદુ અચાનક ફોટોફ્રેમમાં ગોઠવાઈ ગયા. એમની કોલમ વાંચી હું ‘વાહ દાદુ, દાદ આપવી જ પડે એવી મજબૂત કોલમ’ લખું ને મારી કોલમ વાંચી લખે ‘તમારી ‘મોજની ખોજ’માં જ મોજ મળી જાય છે...’
આમ એકબીજાના વખાણથી ટેવાયેલા, પણ એ ટેવ હવે મને તો ભારે પડવાની. પણ શું કરીએ-કરી શકાય? મેં તો એક વાર કીધેલું ‘દાદુ, આ પ્રતિષ્ઠાનું ગુંમડું સાલું જબરું. નથી ફૂટતું કે નથી મટતું. હવે પેલો ઉપરવાળો આખા જગતનો સરમુખત્યાર. એના વર્ચસ્વ આગળ આપણું સર્વસ્વ નકામું. સાચું એ છે કે નાવડી ગમે તેટલી સુંદર હોય પણ કિનારો આવે એટલે છોડી જ દેવી પડે, પણ હવે મુંઝવણ એ છે કે હમણાં અહીં ભારતમાં વસતિ ગણતરીની સિઝન ચાલે છે તો અમારા અરવિંદભાઈની ગણતરી અમારામાં કરીએ કે તમારા ભગવાનોમાં ?.
ત્યાં તો ‘ટીંગ ટોંગ’ કરતો ડોરબેલ વાગ્યો. દરવાજો ખોલી પૂછ્યું; ‘બોલો?’
‘સર હું ચંબુ, સરકાર તરફથી વસતિ ગણતરી કરવા આવ્યો છું. આપના ઘરમાં માણસો કેટલા?’
‘માણસો?’ હું ચમક્યો ‘તને આ ઘર ગુફા, તબેલો કે માળો લાગે છે? અમારા ઘરમાં તને ચકલી, કબૂતર, ગાય, ભેંસ કે ઘોડા દેખાય છે? અહીં બધા માણસો જ વસે છે’.
‘તમે સમજ્યા નઈ, ઘરમાં કોણ કોણ છે?’
‘હું એકલો’.
‘સોરી’ ચંબુ રડમસ અવાજે બોલ્યો : ‘સર મને ક્યાંથી ખબર હોય? પણ ભાભીજી કેટલા વર્ષ પહેલાં ...’
‘અબે ચૂપ, તું સમજે છે એવું હોત તો તારા મોઢામાં ઘી સાકર. એ પિયર ગઈ છે’.
‘ઓકે. બાપુજી શું કરે છે?’.
‘એ માટે તમારે ઉપર જઈ તપાસ કરવી પડે’.
‘કેમ... કેમ?’
‘કેમ શું વળી? આ મોંઘવારીમાં તેમને આ પૃથ્વી પર ફરીવાર અવતાર ધારણ કરવાની ઈચ્છા નથી’.
‘ઓહ, ગુજરી ગયા છે? અને બા પણ ગુજ..?’
‘ના, બા એમના પિયર ગયા છે’.
‘ભાઈને મળવા?’
‘ચંબુ, બા 77 વર્ષે સુવાવડ ઉપર તો નઈ ગયા હોય ને?’
‘મને શું ખબર સર? સુવાવડ બાની છે ને બા તમારી છે. એ સુવાવડ માટે જાય કે ગરબા રમવા. મારાથી થોડા રોકી શકાય’.
‘અચ્છા, વસતિ ગણતરીમાં તમે કયા વિભાગમાં કામ કરો છો?’ મેં પૂછ્યું.
‘સર હું ‘ફેમિલી પ્લાનિંગ’ વિભાગમાં કામ કરું છું.’
‘ઓકે, તમારે સંતાનોમાં..?’
‘મારે ચાર દીકરા, ત્રણ દીકરી ...બે ગુજરી ગયા..’
‘વા...ઉ પણ તમે ફેમિલી પ્લાનમાં હોવા છતાં તમારો પ્લાન ફેલ? નવ નવ વખત ભાભીને પ્રસવ પીડા આપવા પાછળનું પ્રયોજન?’
‘સર, આમાં પાછળના કે આગળના પ્રયોજનની વાત જ નથી. એ વખતે હું કોરોના કાળ પુર જોશમાં હતો ને હું
ગુજરાતના વિકાસખાતામાં ડેવલપમેન્ટ ઓફિસર હતો. આજે ચીનને વટાવી આપણો દેશ 140 કરોડે પહોંચ્યો
એનો ખરો યશ કોરોનાને જાય છે. હું ભાગ્યશાળી છું કે દેશના વિકાસમાં મારું યોગદાન આપી શક્યો. આ ફેમિલી પ્લાન વિભાગમાં તો દોઢ વર્ષથી.’
‘સર, એ વખતે વિકાસદર બહુ ઓછો હતો. મેં મારી ચંપાને વાત કરી : ‘ચંપા, તુમ્હારા સાથ તો અપના વિકાસ, ઈશ્વર કૃપાથી એ માની ગઈ. એક્ચ્યુઅલી આ બાળવિકાસની પ્રેરણા અમને ધ્રૃતરાષ્ટ્ર અને ગાંધારી પાસેથી મળેલી. 100 સંતાન. એનો રેકોર્ડ હજી સુધી કોઈ તોડી શક્યું નથી. હું પણ નિષ્ફળ ગયો. ચાલો ... મેં બહુ લાંબું ચલાવ્યું... હવે નીકળું. હજી ફૂટપાથ પરની ગણતરી બાકી છે’ એટલું બોલી ચંબુ ફૂટપાથ પર પહોંચ્યો ને રૂપલીને પૂછ્યું : ‘આ છત અને દીવાલ વગરના ઘરમાં કોણ કોણ..’
‘અહીં અમે બે જણ.’
‘ઓહ સંતાન નથી?’
‘સંતાન છે, સર વર નથી’.
‘ઓહ, ગરીબાઈથી ગભરાઈ ને મોંઘવારીથી હારી ઘર છોડી ગયો?’
‘હા સર, અમને છોડીને ઉપર ચાલી ગયો’ રૂપલીની આંખમાં ચોમાસું બેઠુ. ‘સાત વર્ષ પહેલા વીજળી વેરણ થઇ ને મેં મીણબત્તી પેટાવી. નશામાં આવેલ ધનજીને એની જાળ લાગી ને સાડા પાંચ ફૂટનું શરીર 250 ગ્રામ રાખમાં પલટાઈ ગયું. અમારો ચીતા ઉપર સુવાડવાનો ખર્ચો બચી ગયો, નઈતર ચિતા ઉપર સુવાડવાની ચિંતા ભારે પડી જાત, પણ ચિંતા ગળે વળગાડતો ગયો. એ બળતા બળી ગયો પણ મારો જીવ બળવા લાગ્યો. ગમે એમ તોયે મારો ધણી હતો. જોકે ઈશ્વરની ગણતરીમાં કોઈ ભૂલ નથી નઈતર ધનજીએ અપાયેલ સફેદ સાડીને કફન બનાવવું પડ્યું હોત. પણ પછી પહેરું શું?’ આટલું કહીને રૂપલી હસી :
‘મારો વર નશામાં મને કહેતો ‘લે અલ્લી, એક પેગ આજ તું પણ માર, આ નશો તો કાલ ઊતરી જશે પણ વગર પીધે આ સત્તાનો, પ્રતિષ્ઠાનો, અહંકારનો નશો ક્યારેય ઊતરતો નથી’ એટલું બોલીને રૂપલીએ થોડા વિષાદભર્યા સ્વરે ઉમેર્યું :
‘સાહેબ, વાદળમાંથી નીકળતા વરસાદની સિઝન છે પણ આંખમાંથી નીકળતા વરસાદની ક્યાં સિઝન હોય છે.?’
રૂપલીનાં એ આંસુ ભ્રષ્ટ નેતાઓના આંસુ કરતાં લાખ ઘણા પવિત્ર હતા.
શું કહો છો?