Fri Sep 04 2026

Logo

Helicopter Flower Shower Cost: લગ્નમાં હેલિકોપ્ટરથી કરાવવી છે ફૂલોની વર્ષા? જાણો પ્રક્રિયા અને કેટલો થશે ખર્ચ!

2026-08-06 14:42:00
Author: Darshana Visaria
Helicopter Flower Shower Cost: લગ્નમાં હેલિકોપ્ટરથી કરાવવી છે ફૂલોની વર્ષા? જાણો પ્રક્રિયા અને કેટલો થશે ખર્ચ!

આજના સમયમાં લગ્નને યાદગાર બનાવવા માટે લોકો માત્ર શાનદાર ડેકોરેશન કે મોંઘા વેન્યુ સુધી સીમિત નથી રહેતા, પરંતુ એવા ખાસ અનુભવો પસંદ કરી રહ્યા છે જે મહેમાનોને લાંબા સમય સુધી યાદ રહે. આવો જ એક ટ્રેન્ડ છે હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા (Helicopter Flower Shower) કરાવવાનો. પહેલાં આ નજારો માત્ર ફિલ્મો, રાજવી લગ્નો કે મોટા સરકારી પ્રોગ્રામ્સમાં જોવા મળતો હતો, પરંતુ હવે ભારતમાં પણ ઘણી કંપનીઓ આ સુવિધા પૂરી પાડી રહી છે. 

જો તમે પણ લગ્ન, વરઘોડો, બર્થડે, કે કોઈ ધાર્મિક પ્રસંગમાં આકાશમાંથી ફૂલોનો વરસાદ કરાવવા માંગો છો, તો તેની પ્રક્રિયા અને થતા ખર્ચ વિશે વિગતવાર જાણવું જરૂરી છે. આ સ્ટોરીમાં આજે આપણે આ વિશે જ વાત કરીશું. 

કયા-કયા પ્રોગ્રામ્સમાં કરાવી શકાય ફૂલોની વર્ષા?
હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા માત્ર લગ્ન સુધી સીમિત નથી. તેનો ઉપયોગ વરરાજાની એન્ટ્રી, વરમાળા (જયમાળા), ફેરા, રિસેપ્શન, મેરેજ એનિવર્સરી, પ્રપોઝલ, બર્થડે પાર્ટી, બેબી શાવર, મંદિર કે ગુરુદ્વારાના ધાર્મિક કાર્યક્રમો, રાજકીય રેલીઓ, ઉદ્ઘાટન સમારોહ અને શ્રદ્ધાંજલિ સભા જેવા વિવિધ આયોજનોમાં થઈ રહ્યો છે.

કેવી રીતે થાય છે આકાશમાંથી ફૂલોનો વરસાદ?
હેલિકોપ્ટર દ્વારા 30થી 60 સેકન્ડની અંદર પાંચ હજારથી લઈને 50,000 સુધીની તાજી ફૂલોની પાંદડીઓ આકાશમાંથી 200થી 400 ફીટની ઊંચાઈએથી ફેંકવામાં આવે છે. વર-વધૂની એન્ટ્રી કે વરમાળાના સમયે મ્યુઝિક કે મંત્રોચ્ચાર સાથે તેને પરફેક્ટ ટાઈમ કરી શકાય છે. ખુલ્લા મેદાન, ફાર્મહાઉસ, પેલેસ કે રિસોર્ટમાં તેનો અદ્ભુત નજારો જોવા મળે છે. આ માટે ગુલાબની પાંદડીઓ, ગલગોટો, ચમેલી, મોગરો, ઓર્કિડ અને લીલી જેવા ફૂલોનો ઉપયોગ થાય છે.

હેલિકોપ્ટર ફ્લાવર શાવરમાં કેટલો ખર્ચ થાય છે?
ખર્ચનો આધાર ફૂલોના વજન અને કાર્યક્રમ કેટલો ભવ્ય છે એના પર આધારિત છે-
નાના કાર્યક્રમો (10થી 15 કિલો): આશરે રૂ. 75,000થી રૂ. 1.25 લાખ.
લગ્ન માટે મોસ્ટ પોપ્યુલર પેકેજ (25થી 50 કિલો ફૂલો): આશરે રૂ. દોઢથી અઢી લાખ.
મોટા ધાર્મિક કે ભવ્ય પ્રસંગો (100 કિલો કે તેથી વધુ ફૂલો): આશરે રૂ. 3.50 લાખ કે તેથી વધુ.

પેકેજમાં કઈ-કઈ સુવિધાઓ સામેલ હોય છે?
હેલિકોપ્ટર બુકિંગ પેકેજમાં તાજા ફૂલો, બેથી ત્રણ લો-પાસ ફ્લાઈટ્સ (Low-pass flights), જીપીએસ (GPS) દ્વારા પરફેક્ટ લોકેશન પર ફૂલો પાડવાની ફેસિલિટી, એક્સપર્ટ પાઈલટ, ડીજીસીએ (ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)ની જરૂરી મંજૂરીઓ, સ્થાનિક પોલીસ-તંત્ર સાથે કોઓર્ડિનેશન અને ગ્રાઉન્ડ ટીમની વ્યવસ્થા સામેલ હોય છે.