Thu Sep 03 2026

Logo

ગણેશ ચતુર્થી: ઘર માટે કયા ગણપતિ સૌથી શુભ? જાણો વામમુખી અને દક્ષિણામુખી મૂર્તિ વચ્ચેનો તફાવત અને વાસ્તુ નિયમો...

2026-09-02 14:26:33
Author: Darshana Visaria
ગણેશ ચતુર્થી: ઘર માટે કયા ગણપતિ સૌથી શુભ? જાણો વામમુખી અને દક્ષિણામુખી મૂર્તિ વચ્ચેનો તફાવત અને વાસ્તુ નિયમો...

ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જો તમે પણ ગણેશ ચતુર્થી પર આ વખતે બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવા જઈ રહ્યા હોવ તો આ સ્ટોરી તમારા માટે છે. જોકે, ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરતી વખતે યોગ્ય મૂર્તિની પસંદગી કરવી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બજારમાં વિવિધ રંગો, આકારો અને મુદ્રાઓમાં બાપ્પાની મૂર્તિઓ ઉપલબ્ધ હોય છે, પરંતુ ઘરના મંદિર કે પૂજા સ્થળ માટે કયા પ્રકારની મૂર્તિ લાવવી જોઈએ તેને લઈને લોકોમાં ઘણીવાર મૂંઝવણ રહે છે.

શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્ર અનુસાર, ગણેશજીની પ્રતિમાની સૂંઢની દિશા માત્ર શિલ્પકળાનો ભાગ નથી, પરંતુ તે ઘરની ઊર્જા અને પૂજાના ફળ સાથે સીધી રીતે જોડાયેલી છે. ગૃહસ્થ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે સાચી મૂર્તિની ઓળખ હોવી જરૂરી છે. આજે આ સ્ટોરીમાં આપણે આ વિશે જ વિસ્તારથી વાત કરીશું. 

ડાબી બાજુ વળેલી સૂંઢ (વામમુખી ગણેશ – ઘર માટે સર્વશ્રેષ્ઠ):

ડાબી તરફ વળેલી સૂંઢવાળા ગણપતિને 'વામમુખી ગણેશ' કહેવાય છે. તેમનો સંબંધ ચંદ્ર નાડી સાથે હોવાથી તે ઘરમાં શીતળતા, શાંતિ, પ્રેમ અને બરકત લાવે છે. વામમુખી ગણપતિની પૂજાના નિયમો ખૂબ જ સરળ હોય છે. ગૃહસ્થ પરિવારની વ્યસ્ત દિનચર્યામાં જો ક્યારેક પૂજામાં નાની-મોટી ભૂલ કે ખામી રહી જાય, તો પણ તેનો દોષ લાગતો નથી. તેથી ઘર માટે આ મૂર્તિ સૌથી શુભ અને ઉત્તમ ગણાય છે.

જમણી બાજુ વળેલી સૂંઢ (દક્ષિણામુખી ગણેશ / સિદ્ધિવિનાયક):

જમણી તરફ વળેલી સૂંઢવાળા ગણપતિને 'સિદ્ધિવિનાયક' કહેવામાં આવે છે. તેમનો સંબંધ સૂર્ય નાડી સાથે હોવાથી તેમાં અતિશય તેજ અને ઉગ્ર ઊર્જા રહેલી હોય છે. દક્ષિણામુખી ગણેશની પૂજામાં સમયની પાબંદી, શુદ્ધતા અને તાંત્રિક/વૈદિક મંત્રોચ્ચારનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. સહેજ પણ ભૂલ થવી નુકસાનકારક બની શકે છે. આ જ કારણ છે કે જમણી સૂંઢવાળી મૂર્તિ મુખ્યત્વે મંદિરોમાં જ સ્થાપિત કરવામાં આવે છે, ઘરોમાં નહીં.

ઘર માટે મૂર્તિ ખરીદતી વખતે આ વાતોનું પણ રાખો ખાસ ધ્યાન:

- બેઠેલી મુદ્રા: ઘરમાં સ્થાપના માટે હંમેશા આશીર્વાદ આપતી બેઠેલી મુદ્રાવાળી મૂર્તિ લાવવી જોઈએ. બેઠેલા ગણપતિ પરિવારમાં સ્થિરતા અને સકારાત્મકતા લાવે છે. જ્યારે ઊભેલી મુદ્રાવાળી મૂર્તિ દુકાનો કે ઓફિસ માટે અનુકૂળ મનાય છે.

- મોદક અને મૂષક: મૂર્તિના હાથમાં મોદક (લાડુ) અને ચરણો પાસે તેમનું વાહન મૂષક (ઉંદર) અવશ્ય હોવું જોઈએ. મૂષક વિનાની મૂર્તિ અધૂરી માનવામાં આવે છે.

- ખંડિત ન હોવી જોઈએ: મૂર્તિ ખરીદતી વખતે ચારેય તરફથી ચકાસી લેવી કે તે ક્યાંયથી તૂટેલી કે ચટકાયેલી ન હોય.

- ઈકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિ: ઘરમાં સ્થાપના માટે કુદરતી માટીમાંથી બનેલી ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ પસંદ કરવી સૌથી શ્રેષ્ઠ અને પુણ્યશાળી છે.