વિદેશના પ્રવાસ માટે વિઝા અને પરમિટની જરૂર પડે છે તે તો સામાન્ય વાત છે, પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં પણ કેટલાક એવા રાજ્યો છે જ્યાં જવા માટે ભારતીય નાગરિકોને પણ પ્રવેશ મેળવવા માટે ખાસ પરવાનગી લેવી પડે છે? ભારતીય પાસપોર્ટ ધરાવતા હોવા છતાં દેશના દરેક વિસ્તારમાં કોઈપણ પ્રકારની મંજૂરી વિના પ્રવેશ મળી જાય તે જરૂરી નથી.
જો તમે નોર્થ-ઈસ્ટ ભારતના સુંદર અને પ્રકૃતિથી ભરપૂર વિસ્તારોમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુર જેવા ચાર રાજ્યોમાં અન્ય રાજ્યોના ભારતીય નાગરિકો માટે ઈનર લાઈન પરમિટ (ILP)ની વ્યવસ્થા લાગુ છે.એટલે કે, આ રાજ્યોની મુલાકાત લેતા પહેલાં ILP મેળવવું આવશ્યક છે. અને જો તમે પણ અચાનક પ્રવાસનો પ્લાન બનાવી પરમિટ વગર પ્રવાસ શરૂ કરશો તો પ્રવેશદ્વાર પર તમને અટકાવાઈ શકે છે અથવા ત્યારથી પરત મોકલે તેવી સ્થિતિ પણ નિર્માણ થઈ શકે છે.
ઈનર લાઈન પરમિટ (ILP) શું છે?
ઈનર લાઈન પરમિટ એટલે ILP રાજ્ય સરકાર દ્વારા બહારના ભારતીય નાગરિકોને ચોક્કસ સમયગાળા માટે રાજ્યમાં પ્રવેશવા અને રહેવાની મંજૂરી આપતો સત્તાવાર દસ્તાવેજ છે. ILP કોઈ વિઝા નથી. આ કોઈ પ્રવાસ પ્રતિબંધ પણ નથી, પણ આ પરમિટ એક વહીવટી વ્યવસ્થા છે, જેના દ્વારા રાજ્યમાં બહારથી આવતા ભારતીય નાગરિકોની એન્ટ્રી અને રોકાણને નિયંત્રિત કરવામાં આવે છે. હવે આ પરમિટ મેળવવા માટે ઘણા સ્થળોએ ઓનલાઈન અરજી કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેથી પ્રવાસ પહેલાં સંબંધિત રાજ્યની સત્તાવાર વ્યવસ્થા તપાસીને જરૂરી પરમિટ મેળવી લેવું વધુ સારું છે.
ILPની શરૂઆત કેવી રીતે થઈ?
ઈનર લાઈન પરમિટની વ્યવસ્થાનું મૂળ બ્રિટિશ શાસનકાળ સાથે જોડાયેલું છે. વર્ષ 1873માં બ્રિટિશ સરકારે બેંગાલ ઈસ્ટર્ન ફ્રન્ટીયર રેગ્યુલેશન નિયમો લાગુ કર્યા હતા. આ નિયમ હેઠળ એક 'ઈનર લાઇન' નક્કી કરવામાં આવી હતી. તે સમયગાળામાં આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ ચા અને લાકડાના વેપાર દરમિયાન મેદાની વિસ્તારોમાંથી આવતા લોકો અને સ્થાનિક જનજાતીય સમુદાયો વચ્ચે સંભવિત ટકરાવને રોકવાનો હતો. ભારતને આઝાદી મળ્યા બાદ પણ આ વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી. જોકે, સમયની સાથે તેનો હેતુ બદલાયો. આજે ILP વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ પૂર્વોત્તર ભારતની સ્થાનિક જનજાતિઓની સંસ્કૃતિ, પરંપરા, જમીનના અધિકારો અને સ્થાનિક જનસાંખ્યિક સંતુલનનું રક્ષણ કરવાનો છે.

કયા 4 રાજ્યોમાં ILP જરૂરી છે?
1. અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશમાં બહારના ભારતીય પ્રવાસીઓ માટે eILP એટલે કે ઈલેક્ટ્રોનિક ઈનર લાઈન પરમિટની વ્યવસ્થા છે. પ્રવાસીઓ માટે મર્યાદિત સમયગાળા માટે પરમિટ આપવામાં આવે છે. 14 દિવસ સુધીના રોકાણ માટે પરમિટની ફી આશરે 300થી 500 રૂપિયા સુધી હોઈ શકે છે. અરુણાચલ પ્રદેશની મુલાકાત લેતા પહેલાં eILP માટે અરજી કરી લેવી જરૂરી છે, જેથી પ્રવાસ દરમિયાન પ્રવેશને લઈને કોઈ મુશ્કેલી ન સર્જાય.
2. નાગાલેન્ડ
નાગાલેન્ડમાં પણ અન્ય રાજ્યોના ભારતીય નાગરિકો માટે ILPની વ્યવસ્થા લાગુ છે. સ્થાનિક પ્રવાસીઓ 30 દિવસ સુધીના પરમિટ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આ પરમિટ માટે આશરે 200 રૂપિયાની ફી લેવામાં આવે છે. દીમાપુર જેવા કેટલાક પ્રવેશ બિંદુઓ પર પણ પરમિટ મેળવવા માટે કાઉન્ટરની સુવિધા ઉપલબ્ધ હોય છે.
3. મિઝોરમ
મિઝોરમમાં પ્રવાસીઓને સામાન્ય રીતે 15 દિવસ માટે અસ્થાયી પરમિટ આપવામાં આવે છે. જરૂરિયાત મુજબ તેને વધુ 15 દિવસ માટે લંબાવી શકાય છે. મિઝોરમની મુલાકાત લેતા પહેલાં ILPની તાજી નિયમાવલી, જરૂરી દસ્તાવેજો અને ફી અંગેની માહિતી સત્તાવાર માધ્યમથી તપાસવી જરૂરી છે.
4. મણિપુર
ડિસેમ્બર 2019માં મણિપુર ILP વ્યવસ્થા લાગુ કરનાર પૂર્વોત્તર ભારતનું ચોથું રાજ્ય બન્યું હતું. અહીં આવતા લોકો માટે 30 દિવસના અસ્થાયી પરમિટ આપવાની વ્યવસ્થા છે. આપેલી માહિતી મુજબ, આ પરમિટ માટે આશરે 100 રૂપિયાની ફી છે.
ILP માટે કયા દસ્તાવેજોની જરૂર પડે?
ઈનર લાઈન પરમિટ માટે અરજી કરતી વખતે સામાન્ય રીતે કેટલાક જરૂરી દસ્તાવેજો અને વિગતો રજૂ કરવાની હોય છે. તેમાં મુખ્યત્વે:
સરકારી ફોટો ઓળખ પત્ર
પાસપોર્ટ સાઈઝ ફોટો
યાત્રાનું વિવરણ
સ્થાનિક સંપર્ક માહિતી
આપવી પડે છે, તેની સાથે જ નજીવી ફી ભરી તમે આ ચાર રાજ્યોના સૌંદર્યનો આનંદ માણી શકો છો, તો જો તમે પણ પૂર્વોતર ભારતના પ્રવાસે જવાની યોજના બનાવી રહ્યા છો, તો ઈનર લાઈન પરમિટ માટેની અરજી કરવાનું ભૂલશો નહિ, નહિ તો તમારા પ્રવાસની યોજના પર પાણી પણ ફરી શકે છે.