મુરેનાઃ જીવનમાં કેટલીકવાર પરિસ્થિતિ માણસને એવા રસ્તે લઇ જાય છે, જ્યાં તેને ક્યારેય કલ્પના કરી ના હોય, પરંતુ જો જુસ્સો હોય તો માણસ મુશ્કેલ પરિસ્થિતિ કે પડકારો વચ્ચે પણ પોતાનો રસ્તો શોધી લે છે. એવું જ કંઈક મધ્ય પ્રદેશના મુરેનાના ગિરવરસિંહ તોમર સાથે થયું હતું. લગભગ અઢી દાયકાના અંતે કાયદાકીય જીત મેળવી હતી.
મુરેનાના છીછાવલી ગામના નિવાસી ગિરવર સિંહ તોમરની કહાની કંઈક એવી જ છે. 26 વર્ષ પહેલા સીઆરપીએફ જવાન તરીકે બરખાસ્ત થયેલા ગિરવર સિંહે નોકરી છૂટ્યા બાદ સંતનું જીવન અપનાવ્યું હતું. હવે 26 વર્ષની લાંબી કાયદેસરની લડાઈ બાદ તેમને બીજીવાર સીઆરપીએફમાં સેવામાં તક મળી છે.
અધિકારી સાથેના વિવાદ બાદ થયા હતા સસ્પેન્ડ
ગિરવર સિંહને કિશોરાવસ્થાથી સેનામાં જોડાવવાનો જુસ્સો હતો. ઘણી મહેનત બાદ વર્ષ 1991માં તેમની પસંદગી સીઆરપીએફમાં થઈ હતી. આશરે 8 વર્ષ સુધી તેમણે સેવા કરી હતી. દરમિયાન એક વરિષ્ઠ અધિકારી સાથે તેમનો વિવાદ વકરતા તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ હતી. અંતે વર્ષ 1999માં ગિરવર સિંહને સીઆરપીએફ તરફથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
બારહદ્વારી મંદિરમાં રહેવા લાગ્યા હતા ગિરવર સિંહ
નોકરી ગુમાવ્યા બાદ તેઓ માનસિક રૂપથી ચિંતાગ્રસ્ત થયા હતા. થોડો સમય પરિવાર સાથે રહ્યા બાદ તેમણે ગામથી આશરે એક કિલોમીટર દૂર આવેલું બારહદ્વારી મંદિરમાં રહેવાનું શરૂ કરી દીધું હતું. તેમણે લગભગ ચાર-પાંચ વર્ષ બારહદ્વારી મંદિરમાં પસાર કર્યા હતા ત્યાર બાદ તેઓ મુરેનાની ગુફા મંદિર સુધી પહોંચ્યા હતા.
સંત બની ગયા અને નામ પડ્યું 'ગિરવરદાસ મહારાજ'
ધીરે ધીરે તેઓ સંપૂર્ણપણે સંત બની ગયા હતા. મંદિરના પૂજારીએ તેમને 'ગિરવરદાસ મહારાજ' નામ આપ્યું હતું. ત્યાર બાદ તેઓ પૂજાપાઠ અને મંદિરની સેવામાં પોતાનું જીવન વિતાવ્યા લાગ્યા હતા. જોકે, નોકરી અને યુનિફોર્મથી દૂર થયા બાદ પણ તેમણે પોતાની બરખાસ્તગી વિરુદ્ધ કાયદેસર લડાઈ શરૂ રાખી હતી. તેમણે વર્ષ 1999માં અલાહાબાદ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને વર્ષ 2007માં કોર્ટે તેમના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો, પરંતુ સીઆરપીએફ તરફથી સ્ટે લીધા બાદ મામલો આગળ વધી ગયો અને તેમણે ડબલ બેન્ચને અપીલ કરી અને વર્ષો સુધી કાયદેસર પ્રક્રિયા શરૂ રાખી હતી.
26 વર્ષની લડાઈ પછી મળી ઝળહળતી જીત
28 ઓગસ્ટ 2025ના કોર્ટે સીઆરપીએફને આદેશ આપ્યો કે ત્રણ મહિનામાં ગિરવર સિંહને ફરી લેવા અને નિર્ધારિત સમયે પાછા નહીં લેતા ફરી કાયદાકીય માર્ગે ગયા હતા. લાંબા સમયની લડાઈ પછી આખરે 26 ઓગસ્ટ 2026ના સીઆરપીએફને 26 વર્ષ જૂના કેસમાં ગિરવર સિંહને ફરી સેવામાં લેવા માટે આદેશ આપ્યો હતો અને હવે છત્તીસગઢના બીજાપુરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.