Fri Apr 17 2026

Logo

સ્વાસ્થ્ય સુધાઃ ઓછો જાણીતો છતાં સ્વાદમાં અદ્ભુત તેવો મસાલો એટલે પથ્થર ફૂલ

2026-04-14 09:31:00
Author: Shrilekha Yajnik
Article Image

 

શ્રીલેખા યાજ્ઞિક

જી, હા...પથ્થર ફૂલની ગણના એક સ્વાદિષ્ટ મસાલામાં થાય છે. સામાન્ય રીતે આપણે રોજિંદા મસાલાથી તો વાકેફ હોઈએ જ છીએ. મોટા સમારંભ, લગ્ન પ્રસંગે કે રેસ્ટોરામાં મળતી સ્વાદિષ્ટ વાનગીમાં દગડ ફૂલનો ઉપયોગ અચૂક કરવામાં આવે છે. સ્વાદમાં જરા હટકે બનતી વાનગીઓ માં તેની હાજરી અચૂક જોવા મળે છે. 

આયુર્વેદ અનુસાર પથ્થર ફૂલ એક ઉપયોગી ઔષધી ગણાય છે. વાળ ખરવા, આંખોમાંથી સતત પાણી નીકળવું, માથાના દુ:ખાવામાં, પેશાબ સંબંધિત સમસ્યામાં પથ્થરફૂલનું આગવું આકર્ષણ જોવા મળે છે. વૃક્ષો, દીવાલો, તેમજ પથરીલા પહાડ ઉપર ઊગતાં હોવાથી તે ‘શિલાપુષ્પ’ તરીકે આળખાય છે. 

પાછળનો ભાગ શ્યામ રંગનો હોય છે. અંદરનો ભાગ સફેદ હોય છે. વળી તેનાં પાંદડાનો આકાર પુષ્પ જેવો જ હોય છે. તેમાં વિશિષ્ટ પ્રકારની સુવાસ હોય છે. પ્રથમ વરસાદ બાદ માટીમાંથી જેવી મીઠી સુગંધ આવે તેવી જ સોડમ પથ્થર ફૂલમાંથી આવે છે. સોડમ મેળવવા તેને તેલ કે ઘીમાં સાતળવો આવશ્યક છે. જે વિવિધ વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવામાં મદદ કરે છે.

પથ્થર ફૂલને વિવિધ ભાષામાં અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે હિન્દીમાં છરીલા, પથ્થર ફૂલ, ભૂરિછરીલા, સંસ્કૃતમાં શિલાપુષ્પ કે શીતશિવ, ગુજરાતીમાં પથ્થર ફૂલ કે છડીલો, ક્ધનડમાં ક્લ્લૂહૂવૂ, તમિળમાં કલપસી કે કલાપુ, બંગાળીમાં શૈલજ, મરાઠીમાં દગડફૂલ, પંજાબીમાં ચાલચારીલા વગેરે ગણાવી શકાય.

ભારતમાં હિમાચલ પ્રદેશથી લઈને અરૂણાચલ જેવા વિવિધ રાજ્યોમાં તે આપોઆપ ઊગી જતાં જોવા મળે છે. તેને એકઠાં ર્ક્યા બાદ તેની સૂકવણી કરવામાં આવે છે. તેનો ઉપયોગ વિવિધ રસાદાર વાનગીની ગ્રેવીને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં અત્યંત પ્રિય તથા જાણીતો મસાલો એટલે ‘ગોડા મસાલો’. તે મસાલાનો સ્વાદ કોઈપણ વાનગીને સ્વાદિષ્ટ બનાવી દે તેવો સર્વોત્તમ હોય છે.  

આ મસાલામાં દગડ ફૂલનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. વાસ્તવમાં આ ફૂલનો દેખાવ સામાન્ય સૂકા પાન જેવો સહેજ કથ્થાઈ રંગનો લાગે છે. તેને તેલમાં સાંતળવામાં આવે ત્યારબાદ તે મનભાવન સોડમ છોડે છે.  તેમજ વાનગીનો સ્વાદ વધારી દે છે. વજનમાં એકદમ હલકાં હોય છે.

દગડ ફૂલના સ્વાસ્થ્યવર્ધક લાભ 

શ્વાસ સંબંધિત તકલીફમાં ગુણકારી : નાની-મોટી તકલીફોમાં ભારતમાં આયુર્વેદિક ચિકિત્સા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. જે અકસીર જોવા મળે છે. મોસમમાં બદલાવની સાથે અસ્થમા, શરદી-ખાંસી-કફ જેવી સમસ્યા વધી જતી હોય છે. તેનાથી બચવા માટે દગડ ફૂલનો ઉપયોગ લાંબા સમયથી આયુર્વેદમાં કરવામાં આવી રહ્યો છે. તેનું મુખ્ય કારણ દગડ ફૂલમાં યુસનિક એસિડની માત્રા સમાયેલી છે. ક્યારેક શરીરમાં મોસમના બદલાવ કે ભોજનમાં ફેરફારને કારણે સોજા આવી જતાં હોય છે. દગડ ફૂલનો કાઢો બનાવીને પીવાથી રાહત મળે છે.

પાચનક્રિયામાં ગુણકારી : દગડ ફૂલનો ઉપયોગ રોજબરોજની વિવિધ વાનગીમાં કરવાથી પિત્ત શાંત પડે છે. પાચનક્રિયામાં સુધારો થાય છે. વળી દગડ ફૂલમાં રેચક ગુણ સમાયેલો હોય છે. જેથી કબજિયાતની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. શરીરમાં રહેલાં વિષાક્ત પદાર્થને બહાર કાઢી નાખવામાં દગડ ફૂલનો ભોજનમાં ઉપયોગ ગુણકારી ગણાય છે. જેને કારણે લિવરનું સ્વાસ્થ્ય સુધરે છે.

રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે : શીતશિવ કે પથ્થર ફૂલ તરીકે ઓળખાતા આ મસાલામાં ઍન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ ભરપૂર માત્રામાં સમાયેલું હોય છે. જે શરીરને ફ્રિ-રેડિકલ્સના જોખમથી બચાવે છે. દગડ ફૂલનો ઉપયોગ વિવિધ વાનગીમાં નિયમિત કરવાથી રોગ-પ્રતિકારક શક્તિ વધે છે. હૃદય રોગના જોખમથી બચાવે છે. વળી આ મસાલાનો ભોજનમાં ઉપયોગ કેટલાંક પ્રકારના કૅન્સર તથા લાંબા સમયથી સતાવતી બીમારીમાં લાભદાયક બને છે.

ઘા ઝડપથી ભરવામાં ફાયદાકારક : એવું પણ જાણવા મળે છે કે દગડ ફૂલનો ભોજનમાં ઉપયોગ કરવાથી કે તેનો કાઢો બનાવીને પીવાથી વાગ્યા બાદ ઘા ઝડપથી ભરાતો ના હોય તે તેના નિશાન રહી જાય તેવી સમસ્યામાં ફાયદાકારક ગણાય છે. કેમ કે તેમાં સમાયેલું યુસનિક એસિડ સોજા વિરોધી તથા જીવાણું વિરોધી ગુણ ધરાવે છે. તેનો પ્રમાણભાન રાખીને ઉપયોગ ર્ક્યા બાદ શરીર ઉપર રહેતાં સોજામાં ઘટાડો દેખાવા લાગે છે. સોજા ઓછાં થવાની સાથે દુખાવામાં રાહત મળે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક : તાજેતરમાં થયેલી કેટલીક શોધ દ્વારા એવું જાણવા મળ્યું છે કે દગડ ફૂલનો ઉપયોગ રક્તમાં શર્કરાની માત્રા નિયંત્રિત કરવામાં મદદ કરે છે. દગડ ફૂલના ઉપયોગ બાદ લોહીમાં ગ્લુકોઝની માત્રાને નિયંત્રિત કરતાં ઍન્ઝાઈમની ઉપર અસર કરે છે. જેને કારણે લોહીમાં શર્કરાની માત્રા ઘટતી રોકે છે. તેથી જ દગડ ફૂલનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક ગણાય છે. 

મૂત્ર માર્ગના સ્વાસ્થ્ય માટે લાભકારી : પથ્થર ફૂલ તેના મૂત્રવર્ધક ગુણો માટે આયુર્વેદમાં ખાસ ઓળખ ધરાવે છે. પેશાબ સંબંધિત સમસ્યામાં સુધારો લાવવામાં મદદ કરે છે. વળી પથરીની તકલીફથી રાહત અપાવવામાં મદદ કરે છે. લાઈકેન તેના જીવાણુ વિરોધી તથા સોજા વિરોધી ગુણોને કારણે લોકપ્રિય ઔષધી ગણાય છે. પેશાબ માર્ગમાં થયેલાં સંક્રમણથી રાહત અપાવવામાં મદદ કરે છે. 

પથ્થર ફૂલનો વિવિધ રીતે ઉપયોગ :

ભોજન પકાવતી વખતે ખાસ વઘારમાં તેનો 1 ગ્રામ જેટલો ઉપયોગ કરવાથી વાનગીનો સ્વાદ વધારવામાં મદદ કરે છે. ઘરે તાજો સૂકો મસાલો બનાવતી વખતે દગડ ફૂલનો ઉપયોગ કરવાથી મસાલો વધુ સ્વાદિષ્ટ બને છે. અનેક લોકો વજનમાં હલકાં પથ્થર ફૂલની સૂકવણી કરે છે. સૂર્યપ્રકાશમાં સૂકવણી બાદ તેનો વાટીને પાઉડર બનાવી લે છે. જેનો ઉપયોગ સરળતાથી વિવિધ વાનગીમાં કરી શકાય છે.

ઔષધીય ઉપયોગ : શ્વસન સંબંધિત તકલીફ, અસ્થમા, ડાયાબિટીસ કે શરદી-કફની તકલીફમાં કાઢો અકસીર ઉપાય ગણાય છે. 1 ગ્રામ દગડ ફૂલને અડધો લિટર પાણીમાં ઉકાળીને મધ સાથે પીવાથી ફાયદો થાય છે. તેમ છતાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી વધુ વ્યાજબી છે. 

બહારી ઉપયોગ : પથ્થર ફૂલની પેસ્ટ બનાવીને ત્વચા ઉપર લગાવવાથી ત્વચા ઉપર દેખાતી કાળાશ દૂર કરે છે. દિવસમાં એક વખત ઉપયોગ કરી શકાય છે. અવધી વાનગી, હૈદરાબાદી બિરીયાની, લખનવી કબાબ જેવી પ્રત્યેક વાનગીનો સ્વાદ વધારવામાં પથ્થર ફૂલની હાજરી અચૂક જોવા મળે છે.

પથ્થર ફૂલનો ઉપયોગ કરીને બનાવેલાં લાલ નાના ચણા 

સામગ્રી : 1 મોટી વાટકી લાલ નાના ચણા, 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી, 2 નંગ ટમેટા ઝીણાં સમારેલાં, 1 નાની ચમચી આદુંની કતરણ, 1 ચમચી લીલાં મરચાં ઝીણાં સમારેલાં, સજાવટ માટે કોથમીર, 1 નાનો ટુકડો તજ, 2 નાના દગડ ફૂલ, 1 નાની ચમચી અજમો, 1 નંગ તમાલપત્ર, સ્વાદાનુસાર મીઠું, 1 મોટી ચમચી ધાણાજીરું, 1 નાની ચમચી હળદર, ચપટી હિંગ, 1 નાની ચમચી ગરમ મસાલો, 1નાની ચમચી આમચૂર પાઉડર, 1 નાની ચમચી ખાંડ, 4-5 નંગ મીઠા લીમડાંના પાન, 1 ચમચી ચોખ્ખું ઘી, 1 ચમચી સિંગતેલ  

બનાવવાની રીત : સૌ પ્રથમ લાલ નાના ચણાને 6 કલાક માટે પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ તેને પ્રેશર કુકરમાં 6-7 સિટી વગાડીને બાફી લેવાં. એક કડાઈમાં ઘી-તેલ ધીમા તાપે ગરમ કરવું. તેમાં અજમો, લીલા મીઠા લીમડાંના પાન-થોડી કોથમીર ઉમેરીને સાંતળવું. હવે તેમાં દગડ ફૂલ ઉમેરીને સાંતળવું. હિંગ, તમાલપત્ર તજનો ટુકડો ઉમેરીને સાંતળવું. તેમાં ઝીણાં સમારેલી ડુંગળી ઉમેરવી. ડુંગળી બરાબર સંતળાઈ જાય ત્યારબાદ તેમાં ટમેટાંની પ્યુરી સાંતળવી. 

ત્યારબાદ તેમાં બાફેલાં લાલ ચણા ઉમેરવાં. એકપછી એક બધા મસાલા કરવાં. હળદર, ધાણાજીરું, સ્વાદાનુસાર મીઠું, આમચૂર પાઉડર, ખાંડ ભેળવવી. જરૂર જણાય તો થોડું ચણાનું પાણી ઉમેરવું.  ધીમા તાપે બરાબર સિઝવવું. પીરસતાં પહેલાં ગરમ મસાલો, આદુંની કતરણ તથા કોથમીરથી સજાવવું. ઉપરથી એક ચમચો ઘી ભેળવીને ગરમાગરમ પરોઠાં કે ફૂલકાં રોટલી સાથે પીરસવું. દગડ ફૂલના સ્વાદવાળા નાના લાલ ચણા એક વખત ચાખ્યા બાદ સદાય ચણા બનાવતી વખતે દગડ ફૂલનો ઉપયોગ હંમેશાં હાથવગો રહે તેની કાળજી રાખશો.