સંકલન: સ્મૃતિ શાહ મહેતા
‘મારું માથું દુ:ખે છે.’ આ વાક્ય આપણે અનેકવાર બોલ્યા છીએ અને સેંકડોવાર સાંભળ્યું પણ છે. આ એક એવી બીમારી છે કે, જેનું કારણ શોધવું મુશ્કેલ છે. નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના બધાને આની ફરિયાદ રહે છે.
હકીકતે તો માથાના દુ:ખાવાની પીડા પ્રાય: માનસિક હોય છે અને દુ:ખાવા માટે વ્યક્તિ પોતે જવાબદાર હોય છે. આજના યુગમાં આપણને બધું જ ઝડપી જોઇએ છે. કોઇ પણ બાબતે ક્ષણ માત્ર પણ રાહ જોવામાં આજના યુગમાં સુશિક્ષિત એવા આપણે ધીરજ રાખી શકતા જ નથી. તેમ જ ઇચ્છા મુજબ ન થતા તરત જ મૂડ બદલાઇ જાય છે. તદુપરાંત આજના ટેકનોલોજીના યુગમાં આપણે વસાવેલાં મોબાઇલ આદિક સાધનોના એટલા બધા વ્યસની બની ગયા છીએ કે, તેના વિનાં થોડીવાર જીવવું ઘણું મુશ્કેલ લાગે છે.
આવી કૃત્રિમ જીવનશૈલીના આદતી એવા આપણે માથાના દુ:ખાવાના શિકાર બની ગયા છીએ. તેમા પણ માથું દુ:ખ્યું નથી કે દવા ખાધી નથી...! આમ ને આમ ખોટી દવાઓ લઇને શરીરમાં દવાઓના રૂપમાં બિનજરૂરી કેમિકલોને પ્રવેશ આપીએ છીએ. શું ખરેખર આપણે ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને કુદરતી જીવનશૈલી અપનાવી આ માથાના ખોટા દુ:ખાવાથી રાહત મેળવવી નથી શકતા...?
માથું દુ:ખવાનાં કારણ
વાયુ કે પિત્ત પ્રકોપિત થવાથી.
તણાવભર્યા જીવનથી, શરીરમાં અપચો રહેવાથી તેમ જ કબજિયાત થવાથી.
શરીરના મળ-મૂત્ર વગેરેના કુદરતી વેગોને રોકવાથી.
અતિ જાગરણથી અને અતિ નિદ્રાથી.
દારૂના વ્યસનથી અને વધુ પડતા નશીલા પદાર્થોનું સેવન કરવાથી.
વાતાવરણમાં ફેરફાર થવાથી-વધુ તડકા અને ઠંડીમાં રહેવાથી.
વધુ પડતા ઉપવાસ કરવાથી.
બિનજરૂરી દવાઓના સેવનથી.
કમ્પ્યુટર ઉપર લાંબો સમય કામ કરવાથી તથા આંખમાં દૂરના નંબર આવવા છતાં ચશ્માં નહીં પહેરવાથી.
માથાના દુ:ખાવાના પ્રકાર અને એનું સ્થાન
સાઇનસ
કલસ્ટર - એક આંખની આસપાસ દુ:ખાવો થાય
ટેન્શન -માથાની ફરતે દુ:ખાવો થાય
આધાશીશી -માથાની એક જ બાજુ દુ:ખાવો થાય
માથાના દુ:ખાવા માટેના ઉપચાર :
1) રોજ સૂર્યોદય પહેલાં કોપરાની ગોટીનો ચોથો ભાગ અને 1 ચમચી ખાંડ ખૂબ જ ચાવીને ખાવાથી વર્ષો જૂનો માથાનો દુ:ખાવો મટે છે.
2) લવિંગનું તેલ માથે કે કપાળ પર ઘસવું.
3) અડધી ચમચી સૂંઠનો પાવડર, 1 ચમચી ઘી અને થોડો ગોળ મિશ્ર કરી લેવાથી વાયુ પ્રકોપિત થવાથી દુ:ખતું માથું ઘટે છે.
4) કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી ગરમી કે પિત્તદોષથી થતો માથાનો દુ:ખાવો મટે છે.
5) આમળાનું ચૂર્ણ, સાકર અને ઘી સરખે ભાગે લઇને જમવું.
6) એકાદ કપ પાણીમાં, 1 ચમચી સૂંઠ અને હળદર નાખી, ઉકાળીને પીવું તથા તેનો નાસ લેવો.
7) અડધી ચમચી લીંબુનો રસ, 1 ચમચી તુલસીનો રસ અને 2 ચમચી મઘ ભેગું કરીને પીવું.
8) નાળિયેરનું પાણી પીવાથી ગરમીના કારણે થયેલા માથાનો દુ:ખાવો મટે છે.
9) ગરમ દિવેલના 4થી 5 ટીપાં રોજ નાકમાં નાંખવાથી વાયુ-કફ દોષથી થયેલ માથાનો દુ:ખાવો મટે છે.
10) સૂંઠના પાઉડરને પાણીમાં ગરમ કરી કપાળે પાતળો લેપ કરવાથી શરદી, કફ અને સાયનસના કારણે થયેલ માથાનો દુ:ખાવો મટે છે.
11.) જીભ ઉપર ચપટી મીઠું મૂકી, 10 મિનિટ પછી 1 ગ્લાસ પાણી પીવાથી વાયુ કે કફજન્ય માથાનો દુ:ખાવો મટે છે.
આ આધાશીશી વળી શું છે?
શું આપ જાણો છો? ...
વિશ્વમાં અંદાજે 15થી 20 ટકા લોકો આધાશીશીથી પીડાય છે
આધાશીશીનાં લક્ષણ :
દિવસ ચડવાની સાથે માથાના દુ:ખાવામાં પણ વધારો થવો.
વારંવાર માથામાં એક બાજુ દુ:ખાવો થવો.
કોઇકવાર ઊલટી થવી અને ધૂંધળું દેખાવું.
આ થવાનાં કારણ :
સ્ટ્રેસ અને લાંબા સમયનો તણાવ થવાથી.
અનિયમિત ઊંઘ અને વધારે પડતી પેઇનક્લિર દવાઓ લેવાથી.
દારૂ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવાથી
સ્ત્રીઓમાં અમુક સ્ત્રાવો (Hormones)નો ફેરફાર થવાથી.
વધુ અવાજવાળા, પ્રકાશવાળા, ગરમ, ઠંડા કે સુગંધીવાળા વાતાવરણમાં રહેવાથી આધાશીશી વધી શકે છે.
ઓછું પાણી પીવાથી પણ વધી શકે છે.
વારસાગત પણ થઇ શકે છે.
આધાશીશીમાં આહાર શું લેવો ?
પપૈયું, તરબૂચ, સફરજન, ચેરી, દ્રાક્ષ, આદું, ટમેટાં, પાલક, કાકડી, ગાજર વગેરે લઇ શકાય.
તીખી-તળેલી વાનગીઓ, ડુંગળી, કેળાં અને શીંગનો ત્યાગ કરવો.
આઇસ્ક્રીમ, જંકફૂડ, મેંદો અને આથાથી બનતી વસ્તુનો ત્યાગ કરવો.
આધાશીશીના ઉપચાર
1 અરીઠું લઇ તેને પાણી સાથે ઘસીને જમણી બાજુ માથું દુ:ખતું હોય તો ડાબા નસકોરામાં અને ડાબી બાજુ માથું દુ:ખતું હોય તો જમણા નસકોરામાં આ ઘસારાના 3 ટીપાં નાખવાં.
ગાયના શુદ્ધ તાજા ઘીના 2-2 ટીપાં સવાર-સાંજ નાકમાં નાખવાં.
આદું અને તુલસીનો રસ સૂંઘવો અને નાકમાં તેનાં ટીપાં નાખવાં.
કાળા મરીને શુદ્ધ ઘીમાં ઘસીને નાકમાં ટીપાં પાડવાથી વાત-પિત્તજન્ય આધાશીશી મટે છે.
ઠંડા દૂઘમાં સૂંઠ ઘસીને, તે દૂધના 3-4 ટીપાં નાકમાં નાખવાથી કફજન્ય આધાશીશી મટે છે.
દિવસમાં 1-2 વાર બરફને કપડામાં બાંધી કપાળ ઉપર 15 મિનિટ મૂકવો.
દ્રાક્ષ, ધાણા, વરિયાળી અને સાકરનું ચૂર્ણ 1-1 ચમચી ઠંડા પાણીમાં નાખીને રોજ પીવું.
રોજ 1 કપ દૂધમાં, 1 ચમચી ઘી અને 1-2 ચમચી ઇસબગુલ મેળવીને પીવું.
2 ચમચી ગરમ તલના તેલમાં અડધી ચમચી તજ અને એલચીનો પાઉડર મેળવી માથા પર માલિશ કરી 1 કલાક સુધી રાખવું.
દહીં, ભાત અને સાકર મેળવીને સૂર્યોદય પહેલા જમવું.
તાજી જલેબી અને દૂધ સવારે ખાલી પેટે જમવું.