Fri Apr 17 2026

Logo

મહાયુતિએ મહારાષ્ટ્રને ડૂબતું રાજ્ય બનાવી નાખ્યું

2026-04-15 20:00:29
Author: vipulbv
Article Image

કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે કાયદો અને વ્યવસ્થા અંગે ફડણવીસ સરકારની ઝાટકણી કાઢી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે બુધવારે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકાર પર મહારાષ્ટ્રને ‘ડૂબતા રાજ્ય’માં ફેરવવાનું પાપ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે લોકો આને માટે તેને ક્યારેય માફ નહીં કરે.અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકાર ડ્રગ્સના દુષણને કાબુમાં લેવામાં અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, અને રાજ્ય માટે ‘પૂર્ણ-સમયના અને સક્ષમ’ ગૃહ પ્રધાનની માગણી કરી હતી. 

‘મહારાષ્ટ્ર એક ‘ડૂબતા’ રાજ્યમાં ફેરવાઈ ગયું છે અને લોકો તેને માટે સરકારને ક્યારેય માફ કરશે નહીં,’ એમ તેમણે કહ્યું હતું. સપકાળે કહ્યું હતું કે ડ્રગ્સનો પુરવઠો અને ઉપયોગ ફક્ત મુંબઈ અને પુણે જેવા મોટા શહેરો પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ હવે તે રાજ્યભરના નાના શહેરો અને તાલુકાઓમાં ફેલાઈ ગયો છે.‘ગુજરાતના કંડલા બંદરથી મહારાષ્ટ્ર સુધીનો ડ્રગ કોરિડોર આ દૂષણને વેગ આપી રહ્યો છે,’ એમ તેમણે કહ્યું હતું અને એવો દાવો કર્યો હતો કે રાજકીય સમર્થન ગેરકાયદે વેપારને તાકાત આપી રહ્યું છે. 

તેમણે કહ્યું હતું કે સરકાર મહારાષ્ટ્રને કટોકટી તરફ ધકેલી રહી છે અને ચેતવણી ઉચ્ચારી હતી કે સરકાર યુવાનોને વ્યસન તરફ ધકેલી રહી છે.સપકાળે જનપ્રતિનિધિઓ અને ડ્રગ સંબંધિત પ્રવૃત્તિઓ વચ્ચેના કથિત સંબંધો પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને એવો દાવો કર્યો હતો કે આવા કિસ્સાઓ ખોટો સંદેશ મોકલે છે અને ગુનેગારો સામેની કાર્યવાહી નબળી પાડે છે. તેમણે આવા કિસ્સાઓમાં આરોપીઓને બચાવવામાં રાજકીય નેતાઓ દ્વારા દખલગીરીનો પણ આરોપ લગાવ્યો હતો. 

મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં એક કોન્સર્ટમાં હાજરી આપ્યા બાદ શંકાસ્પદ ડ્રગ ઓવરડોઝને કારણે બે વિદ્યાર્થીઓના મૃત્યુનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે પોલીસ સ્ટેશન નજીક બનતી આવી ઘટનાઓ પોલીસ અને ગૃહ વિભાગની નિષ્ફળતા દર્શાવે છે.ગૃહ વિભાગનું પણ સંચાલન કરનારા મુખ્ય પ્રધાન ફડણવીસને જવાબદાર ઠેરવીને કોંગ્રેસે એવો આરોપ લગાવ્યો હતો કે તેમના કાર્યકાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.

તેમણે ‘ગોડમેન’ અશોક ખરાત કેસ અને નાસિક અને અમરાવતીમાં મહિલાઓના જાતીય શોષણની કથિત ઘટનાઓ અંગે પણ સરકારની ટીકા કરી હતી અને આ ઘટનાઓમાં કડક કાર્યવાહી કરવાની માગણી પણ કરી હતી.સપકાળે નાશિક કેસમાં એફઆઈઆર જાહેર કરવાની હાકલ કરી, જ્યાં બળજબરીથી ધર્મ પરિવર્તનનો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે.પૂર્ણ-સમયના ગૃહ પ્રધાનની ગેરહાજરીને કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી છે તેવો આરોપ લગાવતા, તેમણે કહ્યું હતું કે ફડણવીસે રાજ્ય માટે પૂર્ણ-સમયના, સક્ષમ ગૃહ પ્રધાનની નિમણૂંક કરવી જોઈએ.