મુંબઈ/વડોદરાઃ હાર્દિક પંડ્યા વર્તમાન આઇપીએલ દરમ્યાન પોતાના અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમના નબળા પર્ફોર્મન્સ વચ્ચે અંગત રીતે વધુ ચર્ચામાં છે અને તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા આ ચર્ચાનું કેન્દ્ર હોવાનું મનાય છે એવામાં એવી વાત ઉડી છે કે હાર્દિક (Hardik) અને માહિકા (Mahieka) લગ્ન કરવાનાં છે અને એની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. વાત તો ત્યાં સુધી ઉડી છે કે હાર્દિક-માહિકા પાંચ દિવસ પછી (બાવીસમી મેએ) ઉદયપુરમાં લગ્નગ્રંથિથી જોડાઈ જશે, આ લગ્નમાં બન્નેના પરિવારજનો તથા નજીકના મિત્રો જ હાજર રહેશે.
જોકે આ બધી વાતોને કોઈ જ પુષ્ટિ નથી મળી. હાર્દિક-માહિકા બેમાંથી કોઈના તરફથી સત્તાવાર નિવેદન આવ્યું નથી. તેમના સંભવિત લગ્નને લગતી એક પોસ્ટને કલાકોની અંદર હજારો લાઇક મળી છે તેમ જ તેમના ઘણા ચાહકો આ વાત માનવા પણ લાગ્યા છે.
ચાહકોની દૃષ્ટિએ ઉતાવળે લગ્ન કરવા પાછળનું કારણ શું?
હાર્દિક-માહિકાના બાવીસમી મેએ લગ્ન થવાના છે એ વિશે સત્તાવાર રીતે કંઈ જ નિવેદન બહાર નથી આવ્યું, પરંતુ સોશ્યલ મીડિયામાં હાર્દિકના કેટલાક ચાહકોએ એવી માન્યતા વ્યક્ત કરી છે કે `માહિકા સાથે હાર્દિક ઉતાવળે લગ્ન કરી લે એની પાછળ એક કારણ હોઈ શકે. બીસીસીઆઇએ ખેલાડીઓને પોતાની ગર્લફ્રેન્ડને ટૂર્નામેન્ટ કે સિરીઝ દરમ્યાન પોતાની સાથે વિદેશ પ્રવાસે લઈ જવા પર જે પ્રતિબંધ મૂક્યો છે એને ધ્યાનમાં રાખીને હાર્દિક હવે માહિકાને પરણી જવા માગે છે કે જેથી તેને પત્ની તરીકે દરેક ટૂર પર પોતાની સાથે લઈ જઈ શકે.'
Hardik Pandya and Mahieka Sharma are getting married on May 22 in Udaipur in a private ceremony❤️ pic.twitter.com/t3UUwITWSN
— Amar💫 (@KUNGFU_PANDYA_0) May 15, 2026
જોકે હાર્દિક-માહિકાના સંભવિત લગ્નને લગતી `મામરાઝી' દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવેલી પોસ્ટમાં જે જણાવાયું છે એ ચકાસતા ખબર પડી છે કે તેમના સંભવિત લગ્નની વાત બનાવટી અકાઉન્ટ પરથી વાઇરલ કરવામાં આવી હતી. ભૂતકાળમાં આ પૅરોડી પ્રોફાઇલ પરથી તિલક વર્મા તથા જસપ્રીત બુમરાહ વિશેની બનાવટી સ્ટોરી વાઇરલ કરવામાં આવી હતી. એ જોતાં, હાર્દિક-માહિકાના સંભવિત લગ્નને લગતી સ્ટોરી પણ ઉપજાવી કાઢેલી છે એમ કહી શકાય.
હાર્દિક-નતાશાના 2024માં છૂટાછેડા થયાં
માહિકા શર્મા મૉડેલ તેમ જ સોશ્યલ મીડિયા ઇન્ફ્લ્યૂએન્સર છે. હાર્દિકનું અંગત જીવન હંમેશાં ચર્ચામાં રહ્યું છે. તેણે 2020માં કોવિડના સમયકાળ દરમ્યાન સર્બિયાની અભિનેત્રી નતાશા સ્ટૅન્કોવિચ સાથે લગ્ન કર્યાં હતા. હાર્દિકથી નતાશાને એક બાળક થયું છે. તેમના પુત્રનું નામ અગસ્ત્ય છે. જુલાઈ, 2024માં હાર્દિક-નતાશાએ છૂટાછેડા લઈ લીધા હતા અને ત્યારથી તેઓ સંયુક્ત રીતે અગસ્ત્યની જવાબદારી સંભાળે છે.