સુભાષ ઠાકર
‘સુભુ, ઈશ્વરે આપણી લાયકાત કરતાં અધિક આપ્યું છે તો ચાલને આપણે અધિક માસમાં આપણા તરફથી રામાયણ બેસાડીએ’ સુરુ બોલી.
‘બેસાડીએ, પણ હવે તો અડધો અધિક પણ બચ્યો નથી.’મેં કીધું.
‘તો શું થયું? આપણે અડધી રામાયણ બેસાડશું, શાસ્ત્રી પાસે સીધી રાવણની એન્ટ્રી કરાવશું, અડધું પુણ્ય તો મળે!’
‘તો હું ચંબુપ્રસાદ શાસ્ત્રીને પૂછું?’
‘બિલકુલ નઈ સુભુ, જેની પોતાની ચંપાનું પેલો ચંપક અપહરણ કરી ગયો એમાં પોતાને રામ સમજે છે. એ શું રામાયણ વાંચવાનો? એના કરતાં હું રામાલાલ શાસ્ત્રીને બોલાવું છું.’
ને બીજા દિવસે શાસ્ત્રીજીને સમજાવતા સુરુ બોલી: ‘જુઓ શાસ્ત્રીજી, તમારી રામાયણ બેસાડવી કે નઈ એ માટે કેટલાય દિવસથી ઘરમાં રામાયણ ચાલે છે, તમે વર્ષોના અનુભવી છો એટલે રામાયણ તો તમારી બેસાડવી છે, પણ કથામાં નોવેલ્ટી લઇ આવો.’
‘નોવેલ્ટી? રામાયણમાં?’ શાસ્ત્રી ચમક્યા:
‘અરે ભાભી, આમાં હું શું નોવેલ્ટી લાવું?’
‘બીજા કથાકાર કરતાં સાવ અલગ, જેથી બીજા બધા કથાકારો મોઢામાં આંગળા નાખી જાય. જુદી જ રામાયણ’
‘પણ મારાથી પ્રથા ન તોડાય. તમે સમજો જરા. મારા બાપુજીએ મને આખી રામાયણ ગોખાવી છે એટલે રામાયણમાં જે લખ્યું છે એ જ વાંચીશ.’
‘અરે, એ તો અમને પણ આવડે તો વ્યાસપીઠ પર તમને શું કેરમ રમવા બેસાડીએ? જુઓ, હું આઈડિયા આપું. રાવણ બાવાનુ રૂપ ધારણ કરી મા સીતાનું અપહરણ કરે ને જેવો ઘૂંઘટ ઉઠાવે ને તુર્ત જ ઢેન્ટેણન...’
‘અરે શું ઢેન્ટેણન, ભાભી?’ શાસ્ત્રી મૂંઝાયા.
‘અરે ઘૂંઘટમાંથી મા સીતાજીના બદલે મંદોદરી દેખાય, રાવણ ચમકે ને બૂમ પાડે ‘અરે મંદુઉઉ..તું? વોટ અ સરપ્રાઈઝ’ રાવણ માથા પછાડે...’
‘સ્ટોપ ભાભી, અત્યારે તો મને માથા પછાડવાનું મન થાય છે’ શાસ્ત્રીએ હાથ જોડયા.
‘તો પછાડો, માથું તમારું ને વિચાર પણ તમારો. મારાથી ના થોડી પડાય?’
‘ભાભી, તમે મને મરાવી નાખશો. હવે તમે બધાને આમંત્રણ આપી દો, બધુ મારા પર છોડી દો. કાલથી શરૂ કરીએ’ બીજા દિવસે શાસ્ત્રીએ કથા શરૂ કરી:
‘પ્રિય ભક્તો,
રામાયણ એ આમ તો આપણે રામ -રાવણના કુટુંબનો પર્સનલ મામલો છે એટલે મારાથી વચ્ચે ન પડાય, પણ અશોકવાટીકામાં વૃક્ષ નીચે નિરાશ બેઠેલી સ્ત્રીને હનુમાનજીએ પૂછ્યું : ‘આર યુ શબરી?’
‘નો, આઈ એમ સીતા.’
‘ઓહ, યુ સીતા. નેવર સીન યુ. આઈ એમ હનુમાન, સેવક ઓફ રામ. નાઉ ટેલ મી, મા ...તમને અહીં ફાવે છે?’
‘કોઈને ફાવ્યું છે કે મને ફાવે?’ સીતાજી બોલ્યા.
‘ડોન્ટ વરી, આવી જાઓ મારા ખભા પર. હું તમને પ્રભુ રામ પાસે પહોચાડી દઈશ.’
પછી રામને સોંપતા હનુમાન બોલ્યા : ‘લો રામ, તમારી સીતા પાછી. બીજીવાર ધ્યાન રાખજો’ આટલું બોલી હનુમાનજી નીકળી ગયા....ભક્તો, અહીં રામાયણ પૂરી થાય છે. બોલો રામચંદ્ર ભગવાનકી જય.’
ભક્તોના ચહેરા કથાને બદલે કોઈના બેસણામાં બેઠા હોય એવા થઇ ગયા. સાત દિવસની રામાયણ સાત મિનિટ પણ ન ચાલી? મારી છટકી: ‘અલ્યા શાસ્ત્રી, તારી રામાયણમાં રામ-રાવણનું યુદ્ધ ક્યાં ગયું?’
‘અરે ક્યાં ગયું એટલે? શાંતિપૂર્વક હનુમાનજી રામને એમની સીતા સોંપી દેતા હોય તો મારી વાણી દ્વારા મારી પાસે ખોટી-ખોટી હત્યા ન કરાવો. હું અહિંસક છું ને આટલા રૂપિયામાં..’
‘અરે ચૂપ, આટલા એટલે કેટલા? આટલા રૂપિયામાં તો રામનો પૂરી ફેમિલી સાથે 14 નઈ પણ 28 વર્ષ વનવાસ ચાલે, સમજ્યો? ને લક્ષ્મણ શૂર્પણખાના માત્ર કાન-નાક જ નઈ, હાથ-પગ પણ કાપી લે. ને માત્ર સીતાજીનું જ નઈ પણ મંદોદરીનું પણ અપહરણ થઈ જાય. સમજ્યો?’
‘પ્લીઝ, તમને આટલું બધું બ્રહ્મજ્ઞાન છે તો મને શું કામ બોલાવી મગજની પથારી ફેરવો છો?’
‘અરે, પથારી નઈ, તારો આખો પલંગ ફેરવી કાઢશું, સમજ્યો?’ હું ભડક્યો :
‘સાલુ આમાં રાવણ ક્યાં છે? લક્ષ્મણ ક્યાં છે? કુંભકર્ણ, વિભીષણ, મંદોદરી, મંથરા, પેલો કેવટ, બધા ક્યાં છે?’
‘તો પછી?’ મારી સુરુએ ચાલતી ગાડી પકડી ‘આમાં કૃષ્ણ-દુર્યોધન, કૌરવ-પાંડવ ક્યાં છે? ગાંધારી-ધૃતરાષ્ટ્ર, કંસ ક્યાં છે?’ સુરુ જેમ જેમ બોલતી ગઈ એમ એમ સરકસમાં મોતના કૂવામાં ફરતા બાઈકની જેમ શાસ્ત્રીજીના ડોળા ચકળવકળ ફરવા લાગ્યા.
‘અરે ચુઊઉઉપ મારી મા!’ હું ભડક્યો ‘આ મહાભારતના પાત્રો છે ને આપણે રામાયણ બેસાડવી છે.’
‘તમે એની ખેંચો નઈ, ખણખણતા રૂપિયા આપ્યા છે એટલે આ બધા પણ આવવા જોઈએ’ સુરુ બોલી.
શાસ્ત્રી પણ ભડક્યા ‘ભાભી, તમે એમ બૂમ ન પાડો.’
‘અરે બૂમની સગલી! બૂમ નહીં, ત્રાડ પાડીશ ને એવી પાડીશ કે તારી ગુરુ-લઘુ બંને શંકાઓનું નિવારણ અહી જ થઇ જશે’ મારી કો-ઓપરેટીવ બેન્ક’ પણ ભડકેલી હતી ત્યાં તો મારા બાપુએ એન્ટ્રી મારી ને બોલ્યા:
‘વહુબેટા, મેં બધું સાંભળ્યું ...તમે આપણી આબરૂના ધજાગરા કરાવવાના.’
‘ડિયર બાપુ, આબરૂના ધજાગરા એના થાય જેની આબરૂ બચી હોય. આવી કથાથી તો આબરૂને ચાર નઈ, આઠ ચાંદ લાગશે. ઠાકર કુટુંબની કથામાં કંઇક નવું. અરે બા-બાપુ, તમે ગમે તેટલી કથા સાંભળશો પણ...’
‘ભ્રમ ...વહુબેટા ભ્રમ છે તારો, અમે ક્યારેય કથા સાંભળવા જતા જ નથી પણ અંદરની વ્યથાને ભૂલવા, ઘરમાં અધૂરી રહેલી ઊંઘને પૂરી કરવા જઈએ છીએ. કથા એ જ અમારો શયનકક્ષ. પ્રસાદના નામે મફતનું ભોજન. અમારા અંદરના કેટલાય પ્રોબ્લેમ સોલ્વ કરવા કથા જેવું કોઈ ઉત્તમ સ્થાન નથી...’
ત્યાં શાસ્ત્રી બોલ્યા : ‘બા બાપુજી તમે કથામાં નથી બેસતા, પણ કથા તમારામાં બેસી ગઈ છે.’
શું કહો છો?