અમદાવાદઃ હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. આ અહેવાલ મુજબ આગામી ત્રણ કલાક સુધી રાજ્યના કેટલાક સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 તાલુકામાં વરસાદ પડ્યો હતો.
ક્યાં કેટલો પડ્યો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, પાટણના સમીમાં સૌથી વધુ 0.55 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરતના કામરેજમાં 0.28 ઇંચ, સુરતના ઓલપાડમાં 0.24 ઇંચ, બનાસકાંઠાના ઓગડમાં 0.16 ઇંચ, મહેસાણાના વિસનગરમાં 0.16 ઇંચ, વાવ-થરાદના થદામાં 0.12 ઇંચ, તાપીના ઉકાઈમાં 0.12 ઇંચ, બનાસકાંઠાની દાંતીવાડામાં 0.08 ઇંચ, ડાંગના આહવામાં 0.04 ઇંચ વરસાદ પડ્યો હતો.
3 કલાકમાં ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર, ગુજરાતમાં કેટલાક જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે.
આ સમયગાળા દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વરસાદની તીવ્રતા હળવી એટલે કે 5 મીમી પ્રતિ કલાકથી ઓછી રહેશે. વીજળી જમીન પર પડવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
નાગરિકોને સતર્ક રહેવા સૂચન
હળવા વરસાદ અને સામાન્ય વાવાઝોડાને કારણે સ્થાનિક સ્તરે રસ્તાઓ પર નજીવું પાણી ભરાવું, વાહન વ્યવહારમાં સામાન્ય અડચણ અને ખેતીકામ પર આંશિક અસર પડી શકે છે. માર્ગો પર અકસ્માત ટાળવા અને ડ્રેનેજ લાઈનો બ્લોક થવા જેવી નાની સમસ્યાઓથી બચવા વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચન છે. આ ઉપરાંત, પશુપાલકોને તેમના નાના પશુ-પક્ષીઓ (જેમ કે મરઘાં વગેરે) ને સુરક્ષિત સ્થાને રાખવા સલાહ આપવામાં આવી છે
ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ છે સક્રિય
રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. જે પૈકી બે સાઇક્લોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જેના કારણે રાજ્યમાં 5 જૂન સુધી વરસાદી માહોલ રહેશે. તેમજ 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરામાં આવ્યું છે. 5 જૂન પછી દક્ષિણ ગુજરાત સિવાય મોટાભાગના જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શાંત થતાં હવામાન સુકું રહેશે.