Wed Sep 02 2026

Logo

રાજ્યમાં બે દિવસ ભારે વરસાદનું એલર્ટ, અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી

2026-08-13 08:33:00
Author: Mayur Patel
રાજ્યમાં બે દિવસ ભારે વરસાદનું એલર્ટ, અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી

Ai Image


અમદાવાદઃ રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

ક્યાં છે ભારે વરસાદનું એલર્ટ

હવામાન ખાતાની આગાહી પ્રમાણે, આજે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર તેમજ દમણ, દાદરા અને નગર હવેલી સહિતના અનેક જિલ્લાઓમાં  ગાજવીજ સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં  162 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. બે તાલુકામાં 3 ઇંચથી વધારે, છ તાલુકામાં 2 ઇંચથી વધારે, 21 તાલુકામાં 1 ઇંચથી વધારે તથા 133 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સૌથી વધારે 3.27 ઇંચ વરસાદ પડ્યો હતો. વડગામમાં 3.11 ઇંચ, વડાલીમાં 2.87 ઇંચ, સતલાસણામાં 2.52 ઇંચ, દાંતીવાડામાં 2.09 ઇંચ, દાંતામાં 2.09 ઇંચ, આણંદમાં 2.05 ઇંચ, વિજયાનગરમાં 2.01 ઇંચ, પોશિનામાં 1.89 ઇંચ, ખેરાલુમાં 1.73, વઘાઈમાં 1.65 ઇંચ, મેઘરજમાં 1.57 ઇંચ, પાલનપુરમાં 1.50 ઇંચ, કડાણામાં 1.46 ઇંચ,  સરસ્વતીમાં 1.42 ઇંચ, પાટણમાં 1.38 ઇંચ , ઉકાઈમાં 1.38 ઇંચ વરસાદ નોંધાયો હતો.

અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

આજે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.  અમદાવાદમાં આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. શહેરમાં આજે મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.

આવતીકાલથી 18 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત, અમદાવાદ, વડોદરા, ખેડા સહિત મધ્ય ગુજરાત અને સુરત, નવસારી, વલસાડ ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. રાજકોટ, જામનગર, ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર, ગુજરાતમાં આગામી 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે અમુક છૂટાછવાયા સ્થળોએ ધોધમાર વરસાદ પણ થઈ શકે છે. જે અનુસાર, અમદાવાદ, વડોદરા, આણંદ સહિત મધ્ય ગુજરાત, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત, રાજકોટ, જામનગર, ભાવનગર સહિત સૌરાષ્ટ્ર, કચ્છ તથા સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ધોધમાર વરસાદની પણ શક્યતા છે.