અમદાવાદઃ હાલમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની અસરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના કટેલાક જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની પણ શક્યતા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ મધ્ય ગુજરાતમાં ખાબક્યો હતો.
ક્યાં કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. બે તાલુકામાં 5 ઇંચથી વધારે, એક તાલુકામાં 3 ઇંચથી વધારે, છ તાલુકામાં 2 ઇંચથી વધારે, 19 તાલુકામાં 1 ઇંચથી વધારે અને 91 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
પંચમહાલના શહેરામાં સૌથી વધુ 5.43 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મહીસાગરના કોઠંબામાં 5.24 ઇંચ, તાપીના નિઝારમાં 3.39 ઇંચ, મહીસાગરના લુણાવાડામાં 2.72 ઇંચ, તાપીના કુકરમુંડામાં 2.68 ઇંચ, મહીસાગરના બાલાસિનોરમાં 2.52 ઇંચ, નર્મદાના નાંદોદમાં 2.48 ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 2.09 ઇંચ, વલસાડના ઉમરગામમાં 2.05 ઇંચ, દાહોદના ગોવિંદ ગુરુ લીંબડીમાં 1.93 ઇંચ, નર્મદાના સાગબારામાં 1.89 ઇંચ, દાહોદના સુખસરમાં 1.85 ઇંચ, ડાંગના વઘાઈમાં 1.85 ઇંચ, મહીસાગરના ગોધરમાં 1.73 ઇંચ,પંચમહાલના ગોધરામાં 1.73 ઇંચ, દાહોદમાં 1.57 ઇંચ, ડાંગમાં 1.54 ઇંચ, નાનાપોંઢામાં 1.50 ઇંચ વરસાદ નોંધાયો હતો
અંબાલાલે શું કરી છે આગાહી
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 13 ઓગસ્ટથી ગુજરાતમાં મોન્સૂન બ્રેક આવશે. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન હવામાનમાં ફરી પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. 22 અને 23 ઓગસ્ટ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે. 25 થી 28 ઓગસ્ટે બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બનવાને કારણે વરસાદનું જોર વધશે. 31 ઓગસ્ટે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના પ્રારંભ સાથે વરસાદી માહોલ રહેશે.
સપ્ટેમ્બરમાં પણ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ ચાલુ રહેશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 2 અને 7 સપ્ટેમ્બરે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. રક્ષાબંધનના દિવસે પણ વરસાદ રહી શકે છે અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી
ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ અનુસાર, બુધવારે ભારતના ઘણા ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય રહેશે અને ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. પૂર્વ રાજસ્થાનમાં સૌથી વધુ વરસાદ થવાની ધારણા છે, અને અહીં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પણ થઈ શકે છે. હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત અને ઓડિશામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિત ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં 15 ઓગસ્ટ સુધી ચોમાસું સક્રિય રહેશે. પહાડી રાજ્યોમાં પણ 17 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ સુધી વરસાદનો દોર ચાલુ રહેશે.