Wed Sep 09 2026

Logo

ગુજરાતમાં ક્યા શહેરથી થઈ ભારે વરસાદની શરૂઆત ? સવારના પહોરમાં વરસાદ ખાબકતાં જળબંબાકાર

2026-07-31 09:30:00
Author: Mayur Patel
ગુજરાતમાં ક્યા શહેરથી થઈ ભારે વરસાદની શરૂઆત ? સવારના પહોરમાં વરસાદ ખાબકતાં જળબંબાકાર

AI Image


અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સવારથી રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે.  હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરામાં આજે સવારના પહોરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં ભારે વરસાદને કારણે નિઝામપુરા, સલાટવાડા, રાવપુરા સહિત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરની અનેક રહેણાંક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સવારે બે કલાકમાં 82 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ સવારે 6 થી 8ના બે કલાકમાં 82 તાલુકામાં વરસાદ પડ્યો હતો. બે તાલુકામાં 4 ઇંચથી વધારે, બે તાલુકામાં 3 ઇંચથી વધારે, બે તાલુકામાં 2 ઇંચથી વધારે, 15 તાલુકામાં 1 ઇંચથી વધારે  વરસાદ નોંધાયો હતો. જ્યારે 51 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.
 
નર્મદા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જિલ્લાના સાગબારા તાલુકામાં 4.65 ઇંચ, ગરુડેશ્વર તાલુકામાં 4.65 ઇંચ, નાંદોદ તાલુકામાં 3.54 ઇંચ, તિલવાડા તાલુકામાં 3.15 ઇંચ વરસાદ પડ્યો હતો. મહીસાગરના બાલાસિનોરમાં 2.64 ઇંચ, આણંદમાં 2.20 ઇંચ, વડોદરામાં 1.97 ઇંચ, નસવાડીમાં 1.93 ઇંચ, બારડોલીમાં 1.65 ઇંચ, નિઝારમાં 1.57 ઇંચ, ડભોઈમાં 1.34 ઇંચ, ઉમરેઠમાં 1.22 ઇંચ, ઉમરપાડામાં 1.22 ઇંચ, મહુધામાં 1.18 ઇંચ, વાઘોડિયામાં 1.14 ઇંચ, પાદરામાં 1.10 ઇંચ, સંખેડામાં 1.06 ઇંચ, નડીયાદમાં 1.02 ઇંચ, ચીખદામાં 1.02 ઇંચ, ફાગવેલમાં 0.94 ઇંચ, હાલોલમાં 0.87 ઇંચ, નેત્રંગમાં 0.83 ઇંચ વરસાદ ખાબક્યો હતો.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  રાજ્યના 13 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, બોટાદ, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF, SDRF અને ભારતીય સેના, નૌસેના તથા વાયુસેનાને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને થંડરસ્ટ્રોમની પણ શક્યતા છે. આગામી દિવસો માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની સ્પીડ 40થી 50 કિલોમીટર પ્રતિકલાકની રહેશે.