અમદાવાદઃ રાજ્યમાં હાલ ચોમાસું ધીમું પડ્યું છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 62 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. 60 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો. રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે. જ્યારે દેશના અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદનું એલર્ટ છે.
ગુજરાતમાં કેટલો વરસાદ અને કેવું રહેશે હવામાન
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ, આજે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના 62 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. 60 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો. કપરાડામાં સૌથી વધારે 1.46 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ડાંગમાં 1.06 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુબીરમાં 0.98 ઇંચ, ઉમરગામમાં 0.79 ઇંચ, વઘાઈમાં 0.71 ઇંચ, હાલોલમાં 0.63 ઇંચ, સંજેલીમાં 0.59 ઇંચ, અમીરગઢમાં 0.47 ઇંચ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં સામાન્ય રીતે આકાશ વાદળછાયું રહેશે અને વરસાદ તથા ગાજવીજ સાથે એક-બે ઝાપટાં પડવાની પ્રબળ શક્યતા છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ; દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
દેશમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગે દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. આ દરમિયાન ગાજવીજ સાથે વીજળી પડવાની સંભાવના છે. ઉપરાંત 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલન, વૃક્ષ ધરાશાયી થવા તથા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ બની શકે છે. કેરળ, કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
All India weather warning for next 7 days
— India Meteorological Department (@Indiametdept) August 4, 2026
(i) Isolated heavy to very heavy rainfall likely over Northeast & adjoining East India during next 2 days and isolated heavy rainfall for subsequent 5 days. Isolated extremely heavy rainfall (≥ 21cm) likely over Sub-Himalayan West… pic.twitter.com/gfZwejx27O
ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્લી, પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં 10 ઓગસ્ટ સુધી વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, ઓડિશામાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વોત્તરમાં અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આગામી થોડા દિવસ સુધી ભારે વરસાદ, આંધી અને વીજળી પડવાનું એલર્ટ આપવામાં આવ્યું છે.